Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે સમગ્ર દેશમાં રાજકોટ અગ્રેસર : કોરિયાના સેમીનારમાં પસંદગી

યુનાઇટેડ નેશન્સ ઓફિસ ફોર ડીઝાસ્ટર રિસ્ક રીડકશન દ્વારા ૫ માર્ચે કોરિયામાં યોજાશે વર્કશોપ : મેયર બીનાબેન - કમિશ્નર ઉદિત અગ્રવાલને નિમંત્રણ : રાજકોટમાં આપત્તિ નિવારણ અને ઉનાળામાં હીટવેવ (લુ લાગવી)ના રાહત - બચાવ કાર્યનો એકશન પ્લાન રજૂ કરશે

રાજકોટ તા. ૧૧ : શહેરની ડીઝાસ્ટર મેનેજમેન્ટ કામગીરીની આંતરરાષ્ટ્રીય નોંધ લેવાઇ છે. કેમકે આગામી ૫ માર્ચે કારિયા ખાતે યુનાઇટેડ નેશન્સ ઓફિસ ફોર ડીઝાસ્ટર રિસ્ક રીડકશન સંસ્થા દ્વારા ખાસ સેમીનાર યોજાનાર છે. જેમાં વિશ્વના માત્ર ૨૦ શહેરોની પસંદગી થઇ છે અને સમગ્ર ભારત દેશમાંથી એકમાત્ર રાજકોટની આ સેમીનારમાં પસંદગી થઇ છે અને તેમાં ભાગ લેવા માટે ઉકત સંસ્થા દ્વારા મેયર બીનાબેન આચાર્ય તથા મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલને નિમંત્રણ પાઠવ્યું છે.

આ અંગે સત્તાવાર યાદીમાં જણાવાયું છે કે, ઝડપી શહેરીકરણનાં વધતા જતાં વ્યાપ તેમજ માળખાકીય સુવિધાઓનાં વિકાસની સાથે વધતી જતી કુદરત અને માનવસર્જિત હોનારતોને લીધે શહેરીજનોનાં સર્વાંગી વિકાસમાં એક મોટો અવરોધ ઉભો થઇ રહ્યો છે, જેનાથી સમગ્ર વિશ્વ ચિંતિત છે.

આપત્તિ સલામતી અને સુરક્ષિત માટે ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (જી.એસ.ડી.એમ.એ.) અને ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાસ્ટર મેનેજમેન્ટ (જી.આઈ.ડી.આર.આર.) તથા યુનાઈટેડ નેસન્સ ઓફીસ ફોર ડીઝાસ્ટર રિસ્ક રીડકશન (યુ.એન.ડી.આર.) કામ કરી રહી છે. આપત્તિ સલામત અને સુરક્ષા  માટે આગામી તા. ૩ થી ૫ માર્ચ ૨૦૨૦ દરમ્યાન કોરિયા ખાતે એક વર્કશોપનુ આયોજન કરવામાં આવેલ છે. આ વર્કશોપમાં ભાગ લેવા માટે મેયર બિનાબેન આચાર્ય તથા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલને નિમંત્રણ મળેલ છે. રાજકોટથી કોરિયા આવવા-જવાનો તથા રહેવાનો તમામ ખર્ચ નિમંત્રક સંસ્થા ભોગવનાર છે.

નોંધનિય છે કે, આપત્તિ સલામત અને સુરક્ષિત અંતર્ગત માન. પ્રધાનમંત્રીનાં ૧૦ મુદાઓનાં આફત નિવારણનાં એજન્ડાને અનુસરીને રાજકોટ મહાનગરપાલિકાએ આપત્તિથી સલામત અને સુરક્ષિત રાજકોટના અમલીકરણમાં તત્પરતા દાખવેલ છે. ત્યારે કોરિયા ખાતે યોજાયેલ ઉકત વર્કશોપમાં વિશ્વના ૨૦ શહેરો ભાગ લેનાર છે. તેમાં ભારત દેશમાંથી ફકત રાજકોટ શહેરની પસંદગી કરવામાં આવેલ છે.

રાજકોટ શહેરની આપત્તિ નિવારણ માટે જુદી જુદી વ્યૂહરચના કરવામાં આવેલ છે. જેમાં સુચક આંકો જેમકે, ૧) શહેરની આપત્તિ નિવારણ સમિતિની રચના ૨) શહેરની આપત્તિ નિવારણ યોજના અને લૂ માટેનો એકશન પ્લાન વિગેરે હાથ ઉપર લેવામાં આવનાર છે.

(3:11 pm IST)