Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

વિરમાયા પ્લોટના નિશાબેન દવેનો પડોશી મહેશે હાથ પકડી ઝાપટો મારી ધમકી દીધી

૧૧ જાન્યુઆરીએ ડખ્ખો કર્યા બાદ ૬ ફેબ્રુઆરીએ ફરીથી માથાકુટઃ મહેશ ચોૈહાણ અને તેના માતા ગોૈરીબેન ઉર્ફ સતિબેન વિરૂધ્ધ ગુનો નોંધાયો : લાંબા સમયથી ચાલતી માથાકુટમાં વારંવાર સામ-સામી અરજીઓ થયા કરે છે

રાજકોટ તા. ૧૧: ગવલીવાડ વિરમાયા પ્લોટ-૨માં કોટક સ્કૂલ પાછળ રહેતાં બે પડોશી પરિવારો વચ્ચે લાંબા સમયથી ચાલતી માથાકુટમાં અગાઉ સામ-સામી ફરિયાદો નોંધાયા બાદ વધુ એક ફરિયાદ થઇ છે. કેટરર્સનું કામ કરતાં ત્રીસ વર્ષિય મહિલા નિશાબેન રાહુલભાઇ દવે (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી તેના પડોશી ગોૈરીબેન ઉર્ફ સિતાબેન બાબુભાઇ ચોૈહાણ અને મહેશ બાબુભાઇ ચોૈહાણ સામે પ્ર.નગર પોલીસે ગુનો નોંધ્યો છે.

નિશાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા પતિ સાથે મહાદેવ કેટરર્સ નામે કામ  કરુ છું અને સંતાનમાં બે પુત્ર તથા એક પુત્રી છે. ૧૧/૧/૨૦ના બપોરે હું અમારા ઘર પાસે અમારું બીજુ મકાન છે ત્યાં રિનોવેશન ચાલુ હોઇ ત્યાં ઉભી હતી ત્યારે ઘરની સામે રહેતાં મહેશ બાબુભાઇ ચોૈહાણે સામે જોઇ બિભત્સ ઇશારા કરતાં મેં તેને આવું કેમ કરે છે? તેમ પુછતાં તેણે અભદ્ર ભાષા વાપરી જેમ ફાવે તેમ બોલી મારો હાથ પકડી લઇ ઝાપટો મારી દીધી હતી. તેમજ 'તું હવે મારા મમ્મી પપ્પા સાથે ઝઘડો કરીશ તો તને જાનથી મારી નાંખીશ' તેમવી ધમકી આપી હતી અને જતો રહ્યો હતો. એ પછી હું પણ ઘરે જતી રહી હતી અને પતિને વાત કરી હતી. વધુ ઝઘડો ન થાય તેથી પતિએ કોઇને વાત ન કરવાનું કહ્યું હતું.

એ પછી ૬/૨ના રોજ હું પડોશી બિજલભાઇ સાથે પિતૃકાર્ય કરવાનું હોઇ તે અંગે ઘર પાસે વાત કરતી હતી ત્યારે મહેશના મમ્મી ગોૈરીબેન ઉર્ફ સતીબેને આવી અગાઉના ઝઘડાનો ખાર રાખી ઝઘડો કર્યો હતો. ત્યાં તેનો પુત્ર મહેશ આવી જતાં તેણે પણ ગાળો દીધી હતી. વધુ ઝઘડો ન થાય તેથી હું ઘરે જતી રહી હતી. હવે મારા પતિએ ફરિયાદની વાત કરતાં મેં ફરિયાદ કરી છે.

પ્ર.નગર પીએસઆઇ એમ. બી. ગોસ્વામીએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(1:02 pm IST)