Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

બે વર્ષની દિકરીના અપહરણ મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરશે ગાંધીગ્રામના અરવિંદ નકુમ

ધરણાની મંજુરી ન મળીઃ હવે ૧૬મીએ સતવારા સમાજના સમુહલગ્ન વખતે રજૂઆત કરવા દેવામાં આવે તેવી માંગણી

રાજકોટ તા. ૧૧: ગાંધીગ્રામ શાહનગર દલવાડી ચોકમાં રહેતાં અને પ્લમ્બીંગ કામ કરી ગુજરાન ચલાવતાં અરવિંદ નાનજીભાઇ નકુમ નામના સતવારા યુવાને રજૂઆત કરી જણાવ્યું છે કે મારી બે વર્ષની દિકરીનું ત્રણ વર્ષ પહેલા સુરતમાંથી અપહરણ થયું હતું. આ અંગે અનેક રજૂઆતો બાદ પોલીસે એફઆઇઆર દાખલ કરી હતી. પરંતુ આજ સુધી મારી દિકરીનો પત્તો મળ્યો નથી. મારે આ બાબતે મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને ધરણા કરવા હોઇ મને પોલીસ તરફથી મંજુરી આપવામાં આવી નથી. હવે આગામી ૧૬મીએ સતવારા સમાજના સમુહ લગ્ન હોઇ તેમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, સાંસદશ્રી તથા બીજા નેતાઓ, આગેવાનો ઉપસ્થિત રહેવાના હોઇ તેમાં મને મારી દિકરીની તપાસ યોગ્ય એજન્સીને સોંપવામાં આવે તે માટેની રજૂઆત મુખ્યમંત્રીશ્રી સમક્ષ કરવા દેવામાં આવે તેવી મારી માંગણી છે. 

રેસકોર્ષ ખાતે સતવારા સમાજનો સમુહ લગ્નોત્સવ યોજાયો છે. જેમાં હું મારી રજૂઆત કરી શકુ તે માટે સમાજના લોકો અને સંબંધીત તંત્રવાહકો યોગ્ય કરે તેવી મારી અરજ છે. તેમ વધુમાં અરવિંદભાઇએ જણાવ્યું છે.

(11:44 am IST)