Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

" પીએમ - કિસાન ” લાભાર્થીઓને ખાતાદીઠના બદલે પરિવાર દીઠ કિસાન ક્રેડિટ કાર્ડ- સહાય અપાશે ‘કિસાન ક્રેડિટ કાર્ડ’નો વ્યાપ વધારાયો : પશુપાલન – મત્સય ઉદ્યોગ કરતાં ખેડૂતો પણ વધારાની સહાય મેળવી શકશે

રાજકોટ કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને “પીએમ - કિસાન” લાભાર્થી માટેની બેઠક યોજાઈ : રાજકોટ જિલ્લાના વધુને વધુ ખેડૂતો ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ મેળવે તેવી કલેક્ટરશ્રીની અપીલ : 3 લાખ સુધીની કેસીસી લોન માટેના અનેક ચાર્જ માફ કરાયા

રાજકોટ, તા. ૧૦  - રાજકોટના કલેક્ટરશ્રી રેમ્યા મોહનના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે એક મીંટિગ યોજાઈ હતી. જેમાં પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત વધુમાં વધુ રાહત આપી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં વધુમાં વધુ કિસાન ક્રેડિટ કાર્ડ જારી કરવા માટેની સુચનાઓ ઉપસ્થિત અધિકારીશ્રીઓને કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં કુલ ૨.૨૮ લાખ હજાર પીએમ કિસાન ક્રેડિટ કાર્ડમાં સ્વીકારાયેલા લાભાર્થીઓ છે.

         સરકાર દ્વારા પીએમ કિસાન લાભાર્થીઓ માટે રાહતવાળી સંસ્થાકીય ધિરાણની સાર્વત્રિક પ્રવેશની સુવિધા માટે એક ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં પીએમ કિસાન લાભાર્થીઓને રાહતવાળા સંસ્થાકીય ધિરાણનો લાભ મેળવવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ જારી કરવા માટેની સુવિધા બેંક મારફતે ઉપલબ્ધ કરવામાં આવશે.

        આ યોજનામાં અત્યાર સુધી ખાતા દીઠ ખેડૂતોને લાભ અપાતો હતો. તેના બદલે પરિવાર દીઠ આ લાભ હવેથી ઉપબલ્ધ કરાશે. આ યોજનાનો લાભ હવેથી પશુ પાલકો, મત્સય ઉદ્યોગ ક્ષેત્રે સંકળાયેલા ખેડૂતોને પણ મળશે. જે ખેડૂતો કેસીસી ધારક છે અને પશુપાલન અને મત્સય ઉદ્યોગ પ્રવૃતિ કરે છે તે વધારાની મર્યાદાની મંજૂરી માટે બેંક શાખામાં સંપર્ક કરી શકે છે.

          પ્રોસેંસિગ, દસ્તાવેજી કરણ, નિરિક્ષણ અને ખાતાકીય ફોલિયો ચાર્જ તેમજ રૂપિયા 3 લાખ સુધીની કેસીસી લોન માટેના અન્ય સર્વિસ ચાર્જ સહિતના તમામ ચાર્જ માફ કરાયા છે. બેંક શાખાઓને પીએમ કિસાન લાભાર્થીઓની સૂચિ તૈયાર કરવાની સુચના આપાઈ છે. જેમની પાસે કેસીસી નથી તેઓ પણ કેસીસીનો લાભ હવેથી મેળવી શકશે. કેસીસીનો લાભ મેળવવા માટે પીએમ કિસાન લાભાર્થીઓને પીએમ કિસાન પોર્ટલ પરથી સંબંધિત બેંક શાખાની મુલાકાત લેવા માટે એસ.એમ.એસ મોકલવામાં આવી રહ્યા છે. પીએમ કિસાન લાભાર્થીઓને કેસીસી માટે મંજૂરી આપવામાં આવી છે. અને તેનો લાભ મેળવવા માટે જમીનના દસ્તાવેજોની એક નકલ, વાવેલા પાકની વિગતો સાથે એક પાનાનો સંપૂર્ણ વિગત ભરેલ ફોર્મ સાથે નજીકની બેંક શાખાની મુલાકાત લેવાની રહેશે. પીએમ કિસાન લાભાર્થીઓને કેસીસી હેઠળના કવરેજ માટે એક પાનાનો સરળ ફોર્મ વિકસાવાયું છે.

          આ યોજનાની ખેડૂતો, પશુપાલકો અને માછીમારોમાં જાગૃતિ આવે તે માટે તમામ બેંકોએ ખાસ શિબિરો યોજવા અને ખાસ વ્યવસ્થા કરવા તેમજ ૧૪ દિવસ કેસીસીની મર્યાદાની મંજૂરી મળી રહે તે માટેની સુચના અપાઈ છે.

         કૃષિ, પશુપાલન, મત્સય ઉદ્યોગ, પંચાયત, ગ્રામિણ વિકાસ વિભાગ સહિતના તમામ અઘિકારીશ્રી તમામ પીએમ કિસાન લાભાર્થીઓને જાગૃતિ ફેલાવાની સુવિધા આપશે અને તેઓને બેંક શાખાની મુલાકાત લેવા પ્રેરણા આપશે. જ્યાં કેસીસી હેઠળ નોંધણી માટેના પીએમ કિસાન ખાતા છે. આ યોજનાનો વધુમાં વધુ ખેડૂતો લાભ લે તેવો કલેક્ટરશ્રી રેમ્યા મોહન દ્વારા અનુરોધ કરવામાં આવી છે.

        આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસિયા, લીડ બેન્કના ઓફિસર આર.જે. ઠાકોર, જિલ્લા ખેતીવાડી અધિકારી આર.આર.ટીલવા, નાયબ ખેતી નિયામકશ્રી આગઠ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

(6:31 pm IST)