Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

છેલ્લા બે મહિનામાં કેટલા કોરોના કેસ ? સરકારે કેટલી ગ્રાન્ટ આપી ?

૧૯મીએ મ.ન.પા.નું જનરલ બોર્ડ : વિપક્ષ કોંગ્રેસ દ્વારા ભાજપને ભીડવવા પ્રશ્નોનો મારો : ભાજપના ૧૨ અને કોંગ્રેસના ૨ કોર્પોરેટર સહિત કુલ ૧૪ કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાં ૨૯ પ્રશ્નો મૂકયા : પી.પી.પી. આવાસ યોજના, ડંકીઓ, રોગચાળો, આરોગ્ય માટે કોન્ટ્રાકટથી રખાયેલ વાહનો, ડ્રેનેજ સહિતના વિવિધ પ્રશ્નો રજૂ

રાજકોટ તા. ૧૧ : આગામી તા. ૧૯મીએ મ.ન.પા.નું જનરલ બોર્ડ સવારે ૧૧ વાગ્યે યોજાનાર છે. જેમાં વિપક્ષ કોંગ્રેસના બે કોર્પોરેટરોએ કોરોના કેસ અને સરકારની ગ્રાન્ટ જેવા સંવેદનશીલ મુદ્દાઓના પ્રશ્નો રજુ કરી શાસક પક્ષ ભાજપને ભીડવવા તૈયારી કરી છે.

વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ પ્રશ્ન રજુ કર્યો છે કે, ડીસેમ્બર ૨૦૨૧ અને જાન્યુઆરી ૨૦૨૨ આજ સુધી કયા કયા વોર્ડમાં કેટલા કોરોનાના કેસો આવેલ છે. તા. ૧૮-૩-૨૦૨૦થી આજ દિવસ સુધી કોરોના કાળમાં કોવીડ પ્રોટોકોલ મુજબ કેટલા અંતિમ સંસ્કાર થયા ? રાજકોટ મહાનગરપાલિકાએ સ્મશાન સંચાલકોને આ માટે સ્ટેન્ડીંગ કમિટિએ કરેલા ખાસ ઠરાવ મુજબ કેટલી બોર્ડ માટે કેટલી સહાય ચૂકવેલ છે ? સવિસ્તૃત માહિતી આપવી. કોરોનાની ત્રીજી લહેર કાબુમાં લેવા મ.ન.પા. કરવામાં આવેલ કામગીરીની વિગતો આપવી. જાહેર આરોગ્ય ૫ર મહામારીનું જોખમ છે ત્યારે તંત્ર દ્વારા શું કરવામાં આવનાર છે જેની વિગતો આપવી. તેમજ રાજકોટ મહાનગરપાલિકાના બજેટમાં રાખેલ અંદાજ સામે આ વર્ષમાં રાજ્ય સરકારે કેટલી ગ્રાન્ટ આપી ? ચાલુ વર્ષના બજેટમાંથી કેટલી રકમના કામ થયા ? માર્ચ સુધીમાં વાસ્તવિક બજેટ કેટલું રહી જશે ? નવી જાહેરાતોમાંથી કેટલા કામ શરૂ થયા અને કેટલા બાકી ? વગેરે પ્રશ્નો પૂછયા છે.

જ્યારે પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ બીશપ હાઉસ પીપીપી યોજનામાં કેટલા વિસ્તારમાં ઝુંપડપટ્ટી હટાવી? હાલ કેટલી જમીન અપાઇ છે અને તે કઇ શરતોએ અપાઇ છે ? હાલ તે જ વિસ્તારના અલગ અલગ બે પ્લોટ ઉપર બીશપ હાઉસ હેઠળ અપાયાનો ઉલ્લેખ છે તો બે પ્લોટ કયા નિયમોને આધારે અપાયા છે તેની નકલ સાથેની માહિતી આપવી. ટેન્ડરની કરારની શરતોની નકલ આપવી.

તાલુકા પોલીસ સ્ટેશનની બાજુમાં જે મનપાની માલિકીનો પ્લોટ આવેલો છે તે કયા હેતુ માટેનો છે. હાલ તે જમીન પર જે ફૂડ ઝોનનું બાંધકામ છે તે કાયદેસર છે કે નહી ? જો કાયદેસર હોય તો કેવી રીતે ભાડુ વસુલાય છે ? જો ગેરકાયદેસર હોય તો અત્યાર સુધીમાં શું પગલા લેવાયા ? તેની વિગત આપવી.

ટેકસની આવકનો ટાર્ગેટ કેટલા વર્ષોથી પૂરો થતો નથી? તેના કારણો શું ? સવિસ્તૃત માહિતી આપવી વગેરે પ્રશ્નો પૂછયા છે.

આ ઉપરાંત જયશ્રીબેન ચાવડાએ ડંકીઓ કેટલી છે ? તથા શહેરમાં મેલેરિયા, ચિકનગુનિયા, ડેંગ્યુ વગેરેના કેટલા કેસ ? તે અંગે પ્રશ્ન પૂછયો. ભાવેશ દેથરિયાએ છેલ્લા બે મહિનામાં કેટલા કોરોના કેસ ? તથા જીતુભાઇ કાટોડિયાએ આરોગ્ય વિભાગમાં કેટલા વાહનો કોન્ટ્રાકટથી ચાલે છે ? મીનાબા જાડેજાએ ડ્રેનેજ સુવિધા અંગે તેમજ છેલ્લા ૬ મહિનામાં કેટલા હાઇરાઇઝડ બિલ્ડીંગોને મંજુરી અપાઇ તે અંગે પ્રશ્ન પૂછયા છે.

જયારે ડો. અલ્પેશ મોરઝરીયાએ ડામર - પેવર કામની વોર્ડ વાઇઝ માહિતી માંગી છે. નિલેષ જલુએ એલઇડી લાઇટ હાઇમાસ્ટ લાઇટ બાબતે પ્રશ્ન રજૂ કર્યો છે.(૨૧.૩૮)

        ભાજપ કોંગ્રેસ કુલ

કોર્પોરેટર ૧૨    ૨   ૧૪

પ્રશ્નો     ૨૪    ૫   ૨૯

જનરલ બોર્ડમાં

કયાં કોર્પોરેટરે

કેટલા પ્રશ્ન પુછયા ?

જયશ્રીબેન ચાવડા     ૨

ભાનુબેન સોરાણી       ૨

ભાવેશભાઇ દેથરીયા   ૨

જીતુભાઇ કાટોડિયા     ૨

મીનાબા જાડેજા        ૨

ડો. અલ્પેશભાઇ મોરઝરીયા     ૨

સંદીપભાઇ ગાજીપરા   ૨

નીલેશભાઇ જલુ        ૨

કિર્તીબા રાણા           ૨

જ્યોત્સનાબેન ટીલાળા  ૨

રસીલાબેન સાકરીયા   ૨

અસ્મિતાબેન દેલવાડીયા        ૨

વશરામભાઇ સાગઠીયા ૩

(3:51 pm IST)