Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

૨૦૪૦-૫૦માં કેવુ હશે રાજકોટ? રાજકોટના વતની હાલ કેનેડા સ્થિત રાજ પટેલે તૈયાર કર્યો છે મહાપ્રોજેકટ

રાજકોટ શહેર ભવિષ્યનું સુરત શહેર બનશે એ ડ્રીમ રાખીને આગળ વધવુ પડશે : ગ્રેટર રાજકોટ બનાવવુ પડશેઃ સુકાઇ ગયેલી નદીઓને જીવંત કરવી પડશે, ઈકોલોજી બફર ઉભા કરવા પડશે , ઈન્ફ્રાસ્ટ્રકચર વિકસીત કરવુ પડશે,: ટુંક સમયમાં પ્રોજેકટનું પ્રેઝન્ટેશન

રાજકોટ તા.૧૧: સૌરાષ્ટ્રના પાટનગર સમુ રાજકોટ શહેર છેલ્લા થોડા સમયથી દિવસે ન વધે એટલુ રાત્રે વધી રહ્યુ છે.  અર્થાત રંગીલુ રાજકોટ ચારેય તરફ ઝડપથી વિકસી રહ્યુ છે. શહેરીકરણના ટ્રેન્ડને કારણે આ શહેરની વસ્તી પણ કુદકે ને ભ્રુસકે વધી રહી છે.  રાજકોટની વસ્તી આજે અંદાજે ૨૦ લાખ  ઉપર પહોચી ગઇ છે. ગાડીઓની વણઝાર, ઉચી ઉચી ઈમારતો , હવાનુ પ્રદુષણ, અનિયમિત વરસાદ, ગીચતાનુ ઉંચુ પ્રમાણ, આજે અહી જોવા મળી રહ્ય્યુ છે. ત્યારે આગામી ૧૦ વર્ષ, ૨૦ વર્ષ કે પછી ૩૦ વર્ષ પછી રાજકોટ કેવુ હશે? શહેરને શું શું જોઇશે? કેટલી વસ્તી હશે ? પર્યાવરણની સ્થિતી કેવી હશે? વિસ્તાર કેટલો થશે? એ બધાની પરિકલ્પના મૂળ રાજકોટના અને હાલ કેનેડા સ્થિત રાજ પટેલે કરી છે.  વ્યવસાયે આર્કિટેકચર એવા રાજ પટેલે આ શહેર માટે એક પ્રોજેકટ પણ તૈયાર કર્યો છેે જે તેઓ નજીકના ભવિષ્યમાં પ્રસ્તુત કરવાના છે હાલ પોતાના માદરે વતન આવેલા અને રાજકોટ શહેર પ્રત્યે  ખૂબ જ આદર અને પ્રેમ કરતા રાજ પટેલ ગઇકાલે 'અકિલા' કાર્યાલયે આવ્યા હતા અને 'અકિલા'ના એકિઝકયુટીવ એડિટર શ્રી નિમીષભાઇ ગણાત્રા સાથેે રાજકોટના  ભાવિ અને વિકાસ માટે રસપ્રદ વાતો કરી હતી. તેમણે ભવિષ્યના રાજકોટ માટે શું શું જોઇશે અને શું શું કરવું પડશે તેની ચર્ચા પણ કરી હતી. એક આર્કિટેકચરની પરિકલ્પનાનું  રાજકોટ કેવુ હશે તેના પર તૈયાર કરેલા પ્રોજેકટ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી.

આંતરરાષ્ટ્રિય સ્તરે લાર્જ સ્કેલ આર્કિટેકચરલ પ્રોજેકટ તથા માસ્ટર પ્લાનિંગ ક્ષેત્રે કાર્યરત રાજ પટેલે 'અકિલા'કાર્યાલયની મુલાકાત વેળાએ વધુમાં જણાવ્યુ હતુ કે રાજકોટનું ભવિષ્ય ઘણુ જ ઉજ્જવળ છે તેથી આ શહેર ભવિષ્યનુ સુરત બનવાની ક્ષમતા ધરાવે છે. તેથી આ શહેરના ભવિષ્યને ધ્યાનમાં રાખી અત્યારથી વિવિધ પગલા લેવાનું શરૂ કરી  દેવુ જોઇએ તેમણે જણાવ્યુ હતુ કે આનુ રીવરફ્રન્ટ હકિકતમાં બનાવો જોઇએ રાજકોટ અને તેની આસપાસ સુકાઇ ગયેલી નદીઓને જીવંત કરવી જોઇએ . ઈકોલોજી  બફર બનવા જોઇએ ગ્રીન સ્પેસ બનવા જોઇએ રાજકોટ શહેરનું પ્લાનીંગ પ્રાદેશિક  રીતે કરવુ પડશે , રાજકોટ-મોરબીને ટ્વીન સીટી ગણીને ગોંડલ, કાલાવડ, આટકોટ, ચોટીલા , વાંકાનેર, ટંકારાને રાજકોટનો જ એક ભાગ ગણવો પડશે. જો આવુ થશે તો  વિશ્વસનિય ઉદ્યોગપતિઓ કે જેઓ હાલ ખરીદી કરવા ચીનના ગ્વાન્ગઝોઉ અને શેનઝોન  જાય છે. તેઓ રાજકોટ આવતા થઇ જશે. અને રાજકોટ વધુ સમૃધ્ધ બનશે

૨૦૪૦ અને ૨૦૫૦માં રાજકોટ માટે શું જોઇશે તેનો પ્રોજેકટ તૈયાર થવાના આરે છે. અને તે પુર્ણ થાય રાજકોટમાં જ તંત્ર, નાગરીકો સમક્ષ રજુ કરવાનો ઈરાદો ધરાવતા રાજ પટેલ વધુમાં જણાવે છે કે, ટોરેન્ટો સીટીનું ઉદાહરણ પણ લઇ શકાય તેમ છે. ગ્રીન રૂફ , કન્વેશન્લ પાર્ક  પ્રાઇવેટ ગાર્ડન , હેરીટેજ, ટ્રાન્સપોર્ટ નેટવર્ક, ફીઝીકલ ઈન્સ્ફ્રાસ્ટ્રકચર સોશ્યલ ઈન્ફ્રા માટે આયોજન થવુ જોઇએ. હાલ રાજકોટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ , એમ્સ અને સીકસલેન રોડની સુવિધા  મળી હોવાથી આ શહેર તો સમૃદ્ધ થશે જ પણ સાથોસાથ રાજકોટમાં જે શહેરો-ગામો સમાવિષ્ટ થશે તે પણ સમૃધ્ધ બની જશે પ્રદુષણ ઘટાડવા અને પર્યાવરણની સુરક્ષા માટે તેમણે રાજકોટ શહેરના સીમાડાઓ ઉપર ઈકોલોજી બફરનું નિર્માણ કરવાનુ પણ સુચન કર્યુ  હતુ.

(3:34 pm IST)