Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

સદર સ્થિત સ્ટોક એક્ષચેન્જનું બિલ્ડીંગ વેચવા તજવીજ

શેરબજારની દુનિયામાંથી એકઝીટ લીધા બાદ હવે બિલ્ડીંગ વેચાણની પ્રક્રિયા હાથ ધરવામાં આવીઃ ટેન્ડરો બહાર પડયાઃ ૩૩૦૦ વારની જગ્યાઃ ૩૦થી ૩૫ કરોડ વેચાણથી મળી શકશેઃ ૩૪૭ સભ્યોને સરખે ભાગે નાણા વહેંચી દેવાશેઃ તાજેતરમાં સિકયુરીટીના વેચાણ બાદ દરેકને ૩ - ૩ લાખ મળ્યા છે

રાજકોટ, તા. ૧૧ :. સૌરાષ્ટ્ર-કચ્છ સ્ટોક એક્ષચેન્જ લી. હવે ભૂતકાળ બની જવાનુ છે. શેરબજારની દુનિયામાંથી એકઝીટ લીધા બાદ હવે સદર બજારમાં આવેલા ૩૩૦૦ વારની જગ્યાના બિલ્ડીંગની વેચાણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. બિલ્ડીંગ વેચાણ માટેના ટેન્ડરો પણ બહાર પાડી દેવામાં આવ્યા છે. જો બધુ સરખુ પડયુ તો આગામી દિવસોમાં ૩૪૭ સભ્યોના નશીબ ખુલી જવાના છે.

આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છ સ્ટોક એક્ષચેન્જ લી. સ્થાપનાકાળ બાદ અનેક પ્રકારના વિવાદો અને કાવાદાવાઓમાં સપડાયુ હતુ અને તેને રાજકીય એરૂ આભડી ગયો હતો. તે પછી સેબીની ગાઈડલાઈનનુ પાલન કરી શકે તેમ ન હોવાથી તેણે શેરબજારની દુનિયામાંથી એકઝીટ કરવાનો નિર્ણય લીધો હતો. સ્ટોક એક્ષચેન્જની સબસીડીયરીનું ૧૧.૨૫ કરોડમાં વેચાણ કર્યા બાદ હવે સ્ટોક એક્ષચેન્જના બોર્ડે સદર બજારમાં આવેલા પોપટભાઈ સોરઠીયા ભવનને વેચવાનો નિર્ણય લીધો છે. આ બિલ્ડીંગમાં ૧૦૮ ઓફિસો છે. તે ઓફિસો ધરાવતા લોકો પણ 'સ્વૈચ્છીક' રીતે ઓફિસો ખાલી કરી દેવા પણ તૈયાર થયાનું જાણવા મળે છે. આ બિલ્ડીંગ ખાલી કબ્જે વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ ઓફિસધારકો સાથે વાટાઘાટો અંતિમ તબક્કામાં છે. જાણવા મળતી વિગતો અનુસાર સ્ટોક એક્ષચેન્જના મોટા ભાગના સભ્યો પણ બિલ્ડીંગ વેચાણના પક્ષમાં હોવાથી વેચાણનો સોદો વ્યવસ્થિત રીતે પાર પડી જશે તેવી આશા રાખવામાં આવે છે.

બિલ્ડીંગ ૩૩૦૦ વારમાં ફેલાયેલ છે અને હાલ બજાર ભાવ ૧ વારના ૧ લાખ ગણાય છે તેથી આ બિલ્ડીંગ ૩૦ થી ૩૫ કરોડમાં વેચાય તેવી શકયતા છે. જો કે બિલ્ડીંગના વેલ્યુએશનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તમામ પ્રકારના વિવાદોનો અંત આવી ગયો હોવાથી બિલ્ડીંગ વેચાણની કાર્યવાહી સરળતાથી પાર પડી શકે તેવો બોર્ડે આશાવાદ રાખ્યો છે.

અત્રે એ નોંધનીય છે કે સબસીડીયરીના વેચાણથી મળેલા નાણા ૩૪૭ બ્રોકરો વચ્ચે વહેંચી દેવામાં આવ્યા હતા અને દરેક સભ્યોને ૩ - ૩ લાખ જેવી રકમ મળી હતી. કુલ ૧૧.૨૫ કરોડમાં આ સોદો થયો હતો. જેમાં ૨૪ લાખ કોઈ કારણસર ઓછા મળ્યા હતા તે પરત લેવા પણ વાટાઘાટો ચાલી રહી હોવાનું જાણવા મળે છે. હવે બિલ્ડીંગ વેચાણથી જે ૩૦ થી ૩૫ કરોડની રકમ મળશે તે આ ૩૪૭ સભ્યો વચ્ચે વહેંચી દેવાશે. જેના કારણે તેઓના ભાગ્ય ખુલી જશે. કુલ ૩૪૭ સભ્યોમાં ૨૦૦ સભ્યો રાજકોટના છે જ્યારે ૧૪૭ એવા સભ્યો છે કે જેઓએ કદી બિઝનેશ કર્યો નથી અને નિષ્ક્રીય સભ્ય રહ્યા છે. આ બધા બહુમતીથી બિલ્ડીંગ વેચાય જાય તેના પક્ષમાં છે.

સમગ્ર વેચાણની પ્રક્રિયા ૩ થી ૬ માસમાં પુરી થઈ જાય તેવો આશાવાદ રાખવામાં આવી રહ્યો છે. સદર બજાર પ્રાઈમ લોકેશન હોવાથી બિલ્ડીંગ વેચાણ પણ વહેલી તકે થઈ જશે તેવી પણ આશા રાખવામાં આવે છે.

(10:16 am IST)