Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

કાલે ઝિંઝુડામાં પૂ.હકાબાપાનો પ્રસાદ લેવા જાહેર આમંત્રણ

પંચાળના પીર તરીકે પૂજાતા ભકતરાજ હકમલ એટલે કે હકા બાપાઅને વિષ્ણુ ભગવાનના અવતાર પણ માનવામાં આવે છેઃ ૯૨મી પુણ્યતિથિ ધામધુમથી ઉજવાશે, રાત્રે સંતવાણી

રાજકોટ,તા.૧૧: પંચાળના પીર તરીકે પૂજાતા પૂ.હકાબાપાના પ્રસાદ  ભારે મહિમા છે. ભકતોની મનોકામના પૂર્ણ કરનાર હકાબાપાની બાણુમી પુણ્યતિથિએ આવતીકાલે શુક્રવારે ચોટીલા પાસે આવેલ ઝિંઝુડા ગામમાં ધામધુમથી ઉજવવામાં આવનાર છે. આ પ્રસંગે હકાબાપાનો પ્રસાદ લેવા સહુને  આમંત્રણ અપાયુ છે.

૧૦૦ વર્ષ પહેલાનો પ્રસંગ

ઈ.સ.૧૯૧૮ એટલે કે વિક્રમ સવંત ૧૯૭૪ના ભાદરવા મહિનાનો દિવસ સો વર્ષ પહેલાની વાત થાન પાસે તરણેતરનો મેળો બરાબર જામેલો બપોરના બે થયા હશે મેળામાં હૈયહૈયુ દળાય એવી ભીડ, છેલ્લો દિવસ હતો એટલે ગામે ગામથી લોકો ઉમટી પડેલા એવે સમયે એકવીસ બાવીસ વર્ષનો એક જુવાન કોઈમોટી ઉંમરના કાકાને પુછતો હતો, ઝિંઝુડાવાળા હકાબાપાની રાવટી કયાં?

કયાંથી આવો છો? કાકાએ પુછયું

મુંબઈથી જુવાને કહ્યું

આમ જમણી બાજુ થોડું ચાલશો એટલે રાણીમાં રૂડીમાંની રાવટી આવશે એની પડખે જ હકાબાપાની રાવટી છે.

કાકાએ પ્રેમથી રસ્તો બતાવતા કહ્યું

''હકાબાપાનો પ્રસાદ મળશે કાકા?'' જુવાનો પુછયુ...

'' અરે ભાઈ, હકાબાપાની રાવટીમાં આખો દિવસ ગરમા ગરમ પ્રસાદ મળે છે.''

''થેન્ક યુ અંકલ'' કહીને જુવાને ચાલવા માંડયુ કાકાએ યુવાનને આશ્ચર્યથી જોઈ રહ્યાં...

હકાબાપાની રાવટીમાં લોકો પ્રેમથી પ્રસાદ જમતા હતા. સામેના આસન પર પાધડીવાળાબાપા બેઠા હતાં. ''હા, એજ હકાબાપા'' જુવાન ઓળખી ગયો. એના ધરમાં જે બાપાનો ફોટો હતો એ જ બાપા સામે બેઠા હતા. જુવાને થોડીવાર રાવટીનું નિરિક્ષણ કર્યું.

એક મોટા તપેલામાં ખીચડી હતી. બીજા તપેલામાં શાક હતું. એક બીજા ચુલા પર બહેનો ગરમા ગરમ રોટલા બનાવતી હતી. પિતળની થાળીમાં ગરમા ગરમ ખીચડી, શાક અને રોટલા પીરસાતા હતાં એક કુલડીમાંથી ખીચડીમાં ધી પીરસાતુ હતું.

આ એજ તપેલું છે જેમાં હકાબાપા બે ખોબા ખીચડી ઓરે અને બે મણ ખીચડી તૈયાર થાય? અને આકુલડી ? ધી  ગમે તેટલુ પીરસો પણ કુલડી તો ધીથી ભરેલી જ રહે! યુવાનનું હૃદય ગદગીત થઇ ગયું વાહ હકાબાપા બોલતા આંખોમાંથી હરખના આસું છલકાવા લાગ્યા, યુવાન હકાબાપાની પાસે ગયો અને તેમના ચરણોમાં ઢળી પડયો.

લગભગ એકસો વર્ષ પહેલાનો આ પ્રસંગ... એ વખતે હકાબાપાની હાજરી હતી. ત્યારે એમની ઉંમર ૯૦ વર્ષની હતી. ત્રીસ વર્ષની ઊંમર હતી ત્યારથી હકાબાપા તરણેતરનાં મેળામાં રાવટી લઇને જતા હતા. સાથે મોલડી અને ઝીંઝુડા ગામના પચીસ ત્રીસ જુવાનીયા હોય. રોટલા ધડવા માટે પાંચ સાત બહેનો પણ હોય. એક ડબો ચોખા મગની દાળની ખીચડીનો ભરેલો હોય. એક કોથળો બટાટા અને એક કોથળો ડુંગળીનો ભરે. બે ડબા તેલથી ભરેલા હોય અને કુલડીમાં ધી ભર્યું હોય.

હકાબાપાનો જન્મ વિક્રમ સંવત ૧૮૮૪માં થયેલો ઇસ્વીસન પ્રમાણે ૧૮૨૮નું વર્ષ ઇ.સ.૧૮૫૮ના વર્ષથી હકાબાપા તરણેતરના મેળામાં રાવટી લઇને જતા હતા. આપણે શરૂઆતમાં જે જુવાનની વાત કરી તે જુવાન ઇ.સ. ૧૯૧૮માં એટલે કે આજથી સોૈ વર્ષ પહેલા તરણેતરના મેળામાં હકાબાપાની રાવટીની મુલાકાત લીધેલ અને બાપાનો પ્રસાદ લીધેલો ત્યાર પછી આઠ વર્ષ વિક્રમ સંવત ૧૯૮૨માં હકાબાપા સ્વધામમાં ગયા.

તરણેતરના મેળા ઉપરાંત દર વર્ષે પોષ વદી અગ્યિારશના દિવસે હકાબાપાના ગામ ઝિંઝુડામાં હકાબાપાનો પ્રસાદ જમવા મળે છે. વિક્રમ સંવત ૧૯૮૨ના પોષ વદ અગિયારસના દિવસે હકાબાપાએ ચોટીલા ગામમાં પોતાના નશ્વરદેહનો ત્યાગ કર્યો અને સ્વધામમાં ગયા હતાં. એ દિવસે હકાબાપા ઝિંઝુડામાં સદેહે હતા.

ચોટીલાથી રાજકોટ જતા નેશનલ હાઈવે પર ચોટીલાથી લગભગ ૧૩ કિ.મી. જઈએ એટલે મોલડી ગામ આવે, મોલડીથી ઝિંઝુડા જવાનો પાકો રસ્તો છે મોલડસથી ચાર કિલો મીટર દૂર ઝિંઝુડા છે. હકાબાપાનું ઝિંઝુડા, પંચાળના પીર તરીકે પૂજાતા ભકતવરાજ હકમલ એટલે કે હકાબાપા વિષ્ણુ ભગવાનનો અવતાર છે એવું માનવામાં આવે છે.

આવતીકાલે ૧૨મીના શુક્રવારે ઝિંઝુડામાં હકાબાપાની પુણ્યતિથિ ભારે ધામધુમથી ઉજવાશે. જેમાં રાત્રી દરમ્યાન સંતવાણી કાર્યક્રમનું આયોજન હોય છે. રાજકોટમાં ગોંડલ રોડ પર બોમ્બે હોટલ સામે આવેલ ગીતા ટેમ્પોવાળા ઓટો સ્પેર્સના વેપારી જગદીશભાઈ કારીયા તરફથી બાપાના પ્રસાદની વ્યવસ્થા છે.

પૂજય હકાબાપા વિષે તેમજ અમૂલ્ય પ્રસાદના મહિમા અંગે વધુ માહિતી  માટે જગદીશભાઈ કારીયા મો.૯૪૨૮૭  ૯૨૦૬૩, ભાનુભાઈ મહેતા (આકાશવાણી મુંબઈમાં સેવા આપતા) મો.૯૩૨૦૩ ૧૬૭૮૯નો સંપર્ક સાંધવા યાદીમાં જણાવાયું છે.

(5:03 pm IST)