Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

જમીનમાં હિસ્સો મળવા અંગેનો દાવો રદઃ સિવિલ કોર્ટનો ચુકાદો

રાજકોટ તા.૧૧ : રાજકોટ તાલુકાના શહેર રાજકોટના રેવન્યુ રેકર્ડ હક્કપત્રમાં નોંધ થયેલ કૌટુમ્બીક વહેચણી મુજબની પોપટભાઇ ગોકળભાઇ નંદાણીના નામની જમીન નોંધાયેલ હતી. સદરહું જમીનના મુળ ખાતેદાર પોપટભાઇ ગોકળભાઇ નંદાણીનું અવસાન થતા તેના પુત્રો ઠાકરશીભાઇ પોપટભાઇ, ધુસાભાઇ પોપટભાઇ, બચુભાઇ પોપટભાઇ, ગોવિંદભાઇ પોપટભાઇ તથા પ્રવિણભાઇ પોપટભાઇ વિગેરેના ભાગે આવેલ હતી. જેની નોંધ થયેલ હતી.

ઉપરોકત નોંધ બાદ ફરીને કૌટુમ્બીક સમજુતી મુજબ નોંધ નં.૧૦૬૮ તથા નોંધ નં.૧૦૬૯ મુજબ તા.૧-૧૧-૧૯૭૭ની જમનાબેન પોપટભાઇ નંદાણી તથા પ્રવિણભાઇ પોપટભાઇ નંદાણીના નામ કમી કરવામાં આવેલ હતા. આ નોંધ સમયે જમનાબેન પોપટભાઇ નંદાણી તથા પ્રવિણભાઇ પોપટભાઇ નંદાણીએ મામલતદારશ્રી રૂબરૂ સોગંદનામા તથા કબુલાતથી પોતાના હક્ક જતા કરેલ હતા પરંતુ સમય જતા પ્રવિણભાઇનું અવસાન થતા તેમના વારસદારોને સદરહું જમીનના ભાવો વધતા ૩પ વર્ષ જેવા લાંબા સમય વહી ગયા બાદ ખોટા વાંધા અને મુદા ઉઠાવી ખોટી હકીકત ઉભી કરી સ્વ.બચુભાઇ પોપટભાઇ નંદાણીના વારસદારો રમેશ બચુભાઇ, અશોકભાઇ બચુભાઇ નંદાણી વિગેરે વિરૂધ્ધ દાવો દાખલ કરી ઉપરોકત નોંધો રદ કરવા તથા ભાગ મળવા બાબતનો રાજકોટની સીવીલ કોર્ટમાં સાલ-ર૦૧૧માં દાવો દાખલ કરી વિવાદ ઉભો કરેલ હતો.

આ દાવો રાજકોટના સીવીલ જ્જશ્રી એન.જી.સુરતીની કોર્ટમાં ચાલી જતા પ્રતિવાદીઓના વાંધાઓ અને પુરાવાઓ અને દલીલોને ધ્યાનમાં લઇ સીવીલ કોર્ટએ વાદીઓનો દાવો એટલે કે નામંજુર કરેલ છે. આ કામમાં સામાવાળા પ્રતિવાદીઓ વતી એડવોકેટ તરીકે એડવોકેટ શ્રી મુકેશભાઇ જે. ઠક્કર, ડી.ડી.વ્યાસ, પરેશભાઇ વ્યાસ, સંજયભાઇ જોષીની રજુઆતો માન્ય રાખી વાદીઓનો દાવો રદ કરેલ છે.

(4:56 pm IST)