Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ત્રણ સગા ભાઇઓના ૪૧ દિ'ના અંતરે મોતઃ કુદરતી પ્રકોપ જેવી ધટના

મોટાભાઇ કિશોરભાઇની ચિતા ઠરી ન હતી ત્યાં બીજે દિવસે એવા સમયે જ નાનાભાઇ નરેન્દ્રભાઇની ચિતા પ્રજવળી :ગુંદાવાડીના ડાંગર પરિવારમાં વયોવૃધ્ધ માતા-પિતા ત્રણેય ભાઇઓના ત્રણ દિકરા - બે માસૂમ પુત્રી સહિત દસ લોકોએ છત્રછાયા ગુમાવીઃ કાળો કલ્પાંત :વૃધ્ધ પિતાની કાંધ ૪૧ દિવસના અંતરે ત્રણ-ત્રણ જુવાનજોધ કંધોતરની નનામી ઉઠાવી ભાંગી ગઇઃ કોણ કોને સાંત્વના આપે? તેવી કપરી સ્થિતિ

રાજકોટ :  જયદેવસિંહ જાડેજા તા. ૧૧ : રાજકોટના ગુંદાવાડી શેરી નં. ૧૨માં રહેતા મચ્છોયા આહિર પરિવાર ઉપર કુદરતનો પ્રકોપ ઉતરી પડયો હોય તેવું બન્યું છે. તા. ૯ અને ૧૦મીના બે સગા ભાઇઓના ગણતરીના કલાકોમાં મૃત્યુ થયા એ પહેલા ૨૭ નવેમ્બરના વચેટ ભાઇનું પણ મૃત્યુ થયું હતું. વૃધ્ધ પિતાની કાંધ ૪૧ દિવસના અંતરે ત્રણ-ત્રણ જુવાનજોધ કંધોતરની નનામી ઉઠાવી ભાંગી ગઇ છે. પરિવારના નાના-મોટા ૧૦ સભ્યોએ છત્રછાયા ગુમાવી છે. કોણ કોને સાંત્વના આપે? તેવી કપરી સ્થિતિનું નિર્માણ થતાં સમગ્ર ગુંદાવાડી વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરી ગઇ છે.

આજે સવારે અખબારોના પ્રથમ પાના ઉપર 'શ્રધ્ધાંજલિ - બેસણુ'ના મઠાળા હેઠળ સ્વ. કિશોરભાઇ દાનાભાઇ ડાંગર ઉર્ફે કે.ડી. (જય શનિદેવ) સ્વ. તા. ૯-૧-૨૦૧૮ મંગળવાર અને સ્વ. નરેન્દ્રભાઇ ઉર્ફે ટીનાભાઇ દાનાભાઇ ડાંગર સ્વ. તા. ૧૦-૧-૨૦૧૮ બુધવારના દુઃખદ અવસાનના સમાચાર જાહેરાત રૂપે પ્રસિધ્ધ થયેલા નજરે પડયા હતા. ક્રાઇમ રિપોર્ટરને 'આ ધટના શું હશે?' તે જાણવા સ્વાભાવિક રીતે પ્રશ્નો ઉઠે... ડાંગર અટક અને રહેણાંકનું સરનામુ ગુંદાવાડી હોવાનું માલુમ પડતાં આ વિસ્તારના અગ્રણી અને પૂર્વ મેયર શ્રી અશોકભાઇ ડાંગરનો સંપર્ક કરી વિગતો મેળવવાનો પ્રયાસ કરતા હૈયુ હચમચી જાય તેવી ધટના સપાટી પર આવી હતી.

મચ્છોયા એટલે કે મચ્છુ નદીના કાંઠા વિસ્તારના મુળ વતની એવા આ આહિર પરિવાર છેલ્લા ત્રણથી વધુ દાયકાથી રાજકોટ સ્થાયી થયેલો છે. પાછળથી વિસેક વર્ષ પહેલા ગાંધીધામ ટેન્કર - ટ્રક ટ્રાન્સપોર્ટના વ્યવસાય અર્થે ગયા હતા. ત્યાં તેઓએ ગુરૂકૃપા રોડવેઝ નામની પેઢી શરૂ કરી હતી. વયોવૃધ્ધ માતા-પિતા રાજકોટ નિવાસસ્થાને રહેતા અને ત્રણેય પરિવાર રાજકોટ અવાર-નવાર આવતા રહેતા. ત્રણ-ત્રણ કંધોતર ગુમાવનાર વયોવૃધ્ધ પિતા દાનાભાઇ નારણભાઇ ડાંગર સદ્ગુરૂ પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દરજ્જે સામાજી - ધાર્મિક કાર્યોમાં રચ્યા-પચ્યા રહેતા હતા પરંતુ વયોવૃધ્ધ માતા-પિતા અને ત્રણેય ભાઇઓની પત્ની - સંતાનોનો ખીલખીલાટ જાણે કુદરતને મંજુર નહતો. સૌ પ્રથમ તા. ૨૭-૧૧-૨૦૧૭ને સોમવારે પરિવારના વચેટ પુત્રી ગોરધનભાઇ દાનાભાઇ ડાંગરનું કિડનીની બિમારીના હિસાબે મૃત્યુ થયું. યુવાન પુત્ર અને ભાઇના અવસાનના શોકમાંથી પરિવાર હજુ માંડ માંડ બહાર આવી રહ્યું હતું ત્યાં થોડા દિવસ પહેલા સૌથી મોટા પુત્ર કિશોરભાઇ દાનાભાઇ ડાંગરને એપેન્ડીકસની સામાન્ય તકલીફ માટે જલારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાં તેમના પર શસ્ત્રક્રિયા થયા બાદ કોઇપણ કારણોસર શરીરના અંગોમાં રસી (સેપ્ટીક) થઇ જવાથી તબીબોએ જુદી-જુદી મેડીસીન્સના ઉપયોગથી સારવાર ચાલુ રાખી હતી. આ દરમિયાન કિશોરભાઇની તબિયત સતત લથડતી રહી હતી. એક સમય એવો આવ્યો કે તેમને વેન્ટીલેટર પર રાખવા પડયા. જોકે સાત-સાત દિવસ વેન્ટીલેટર પર રહ્યા પછી તેઓ ધેર પાછા ફરી શકયા નહી. તા. ૯ના સાંજે ૫ વાગ્યે તેમનું અવસાન થયું. મૃતદેહ ધેર આવતા કાળો કલ્પાંત મચી ગયો. અશોકભાઇ ડાંગર અને આસપાસ રહેતા પાડોશી અને પરિવારજનો જાણ થતાંની સાથે જ એકઠા થવા લાગ્યા અને જેમ તેમ કરી પરિવારના સભ્યોને સંભાળી રાત્રે ૯ વાગ્યે અંતિમવિધિ પુરી કરી. ભારે હૈયે પરિવારજનો અધકચરી નિંદર કરી સવારે ૫ વાગ્યે ઉઠે એ પહેલા તો ગાંધીધામ રહેતા અને કીડનીની સારવાર માટે થોડા દિવસ પહેલા ગાંધીધામની હોસ્પિટલમાં દાખલ કરાયેલા સૌથી નાના પુત્ર નરેન્દ્રભાઇ ઉર્ફે ટીનાભાઇ દાનાભાઇ ડાંગરનું મૃત્યુ થયાના સમાચાર આવી પડયા. સવારના પહોરમાં પક્ષીઓના કલરવ ડાંગર પરિવારના કાળા કલ્પાંત વચ્ચે કયાંય ગાયબ થઇ ગયા. હાફળા ફાફળા પાડોશી - પરિવારજનો એકઠા થવા લાગ્યા અને કુદરતી પ્રકોપ જેવી આ ધટનાથી જડમૂળથી ખડભડી ઉઠેલા પરિવારજનોને સાંત્વના આપવાના નિરર્થક પ્રયાસો લાગ્યા. બપોર સુધી આ ધટનાક્રમ ચાલ્યો ફરી ગાંધીધામથી લવાયેલા નરેન્દ્રભાઇના મૃતદેહ નનામી બાંધવાની પ્રક્રિયા શરૂ થઇ સાંજે સ્મશાનગૃહની ઓફિસ પર ફરી એ જ ડાંગર પરિવારના સૌથી નાના ભાઇની અંતિમવિધિ માટે નામ લખાવ્યું. રાત્રે આગલા દિવસની માફક જ ડાધુુઓ અંતિમવિધિ પૂર્ણ કરી ધરે આવ્યા અને વિખેરાયા.

આ વચ્ચે ત્રણ - ત્રણ પુત્રો ગુમાવનાર વયોવૃધ્ધ માતા-પિતા ત્રણેય ભાઇઓની વિધવા પત્નિ અને પાંચ સંતાનોની હાલત વર્ણવવી કોઇપણ પાષણ હૃદયી માટે પણ કપરી બની જાય. ૪૧ દિવસના અંતરે ત્રણેય મૃત્યુ કુદરતી રીતે થયા. આ ધટના ક્રમને પરિવારની કમનસીબી ગણો, સંતાનોની વિવશતા ગણો કે કુદરતનો પ્રકોપ ગણો? જે બન્યું તે ભોગવવું આ પરિવાર માટે અસહ્ય હોવા છતાં વાસ્તવિક સ્થિતિનો સામનો કરવા સિવાય છુટકો નહિ હોવા જેવું બન્યું છે. ચારે તરફ અરેરાટી વ્યાપી ગઇ છે. સૌથી મોટા સ્વ. કિશોરભાઇને સંતાનમાં ૧૮ થી ૨૦ વર્ષના બે પુત્રો, વચેટ ભાઇ સ્વ. ગોરધનભાઇને સંતાનમાં આટલી જ વયના પુત્ર-પુત્રી અને સૌથી નાના ભાઇ સ્વ. નરેન્દ્રભાઇને સંતાનમાં સાત વર્ષની માસુમ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

(4:36 pm IST)