Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

આર્ષદ્રષ્ટા સ્વામી વિવેકાનંદનો જીવન સંદેશ માનવ જાત માટે દિવાદાંડીરૂપ

મહામાનવ, યુગ પુરૂષ એવા સ્વામી વિવેકાનંદજીના જન્મ ૧પપ વર્ષનો કાલખંડ વીતી જવા છતાં આ મહાપુરૂષનું જીવન અને વિચારો આજે પણ એટલા જ તરોતાજા છે.

ર૧ મી સદીની શરૂઆત સુધીમાં માનવ અને વિજ્ઞાન, ટેકનોલોજી અને માહિતી જ્ઞાનના ક્ષેત્રે ધણી ઉચ્ચ પ્રગતિ સાધી છે. અવકાશ, શરીર વિજ્ઞાન અને તબીબી ક્ષેત્રે ધણા આશ્ચર્યજનક પરીણામો લાવ્યા છીએ... પરંતુ  ધણી વિકરાળ સમસ્યાઓ જેવી કે ભોગવાદ,  ધાર્મિક સંકુચિતતા, આતંકવાદ, ત્રાસવાદ વગેરેથી માનવ  જાત ગ્રસ્ત છે ત્યારે ૧૯મી સદીમાં ભારત વર્ષમાં જન્મેલા યુગ પુરૂષ, ઋષી અને મહામાનવ એવા સ્વામી વિવેકાનંદજીના જીવન સંદેશમાં આ તમામ સમસ્યાઓનો ઉકેલ પડેલો જણાય છે.

બાળક નરેન્દ્રનાયમાંથી સ્વામી વિવેકાનંદ તરીકે શીકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં ડંકો વગાડનાર આ આધ્યાત્મિક પુરૂષ અને આર્ષદ્રષ્ટાનો જીવન સંદેશ માનવ જાત  માટે દિવાદાંડી રૂપ બની રહે તેમ છે. 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તી સુધી માંડયા રહો' ની વીર ગર્જના કરી તેઓ આજની પ્રમાદી યુવા પેઢીને ઢંઢેળ છે.

'તું ધેટું નથી, સિંહ છો... ઉઠ, ઉભો થા... ' ત્રાડ નાખી અને જગતમાં ધોષણ કર' જેવી ગર્જના કરી કહેતા કે મુઠ્ઠીભર શકિતશાળી મનુષ્યો આખી દુનિયાને ધ્રુજાવી શકે છે.

પૂર્વની આધ્યાત્મિકતા અને પશ્ચિમની પ્રવૃતિશીલતાનો સમન્વય તેમના  સંદેશમાં જોવા મળે છે. તપશ્ચર્યા અને નિવૃતી ભાવનામાં શ્રમ અને સેવાનો આદર્શ ભેળવીને બે ભાવના  પ્રવાહના સમન્વયથી જ એમણે સનાતન હિન્દુ ધર્મ, ભારત દેશ અને વિશ્વનું કલ્યાણ કરવાનો રાહ ચીંધ્યો છે. તેઓ કહેતા કે માણસને ધર્મ કરતા રોટીની વધુ જરૂર છે એટલે જ દેશ અને દુનિયાના ગરીબો પીડિતોની સેવાને તેઓ સૌથી મહાન ધર્મ માનતા.

તેમના ઉપદેશમાં તેઓનું વિચાર સામર્થ્ય, વેધકબુધ્ધિ અને વૈજ્ઞાનિક ભૂમિકા શોધી કાઢવાની સંશોધનવૃતિ જોવા મળે છે. તોફાની બાળકસમી વિનોદવૃતિ, કલાકાર સમુ સંગીતજ્ઞાન, પંડિત સમુ બૌધ્ધિક વિષયોનું અધ્યયન અને ફિલસુફ જેવી જીવનદ્રષ્ટિ જોવા મળે છે. તેમના સંદેશમાં એરિસ્ટોટલના ગુઢ અને પૃથ્થકરણશીલ વિચારોને પણ સ્થાન છે, કોમ્ત અને સ્ટુઅર્ટમીલના ઉદાર,  નીતિલક્ષી અને પ્રત્યક્ષવાદી ફિલસુફીનો પણ સમાવેશ થાય છે અને હર્બર્ટ સ્પેન્સરની સ્પષ્ટ દલીલ પધ્ધતી પણ જોવા મળે છે.  તેમના ઉદેશમાં વેદાંતનો કેવલ અદ્વૈતવાદ, હંગલનું તત્વજ્ઞાન અને ફ્રેન્ચ રાજનીતિની સમતા, સ્વતંત્રતા અને બંધુત્વનો સંદેશ જોવા મળે છે. તેમને દર્શાવેલુ પરમ તત્વનું શ્રેષ્ઠત્વ અને નૈતિક સિધ્ધાંતનો સંદેશ વિશ્વના જડવાદને મુળથી ઉખેડવા ઉપયોગી છે.

સન ૧૯૮૩ માં શિકાગોમાં મળેલ વિષ્વ ધર્મ પરિષદના માનમાં જે ધંટરાવ થયો ત્યારે સ્વામીજીએ આશા સેવી હતી કે આ ધંટ વિશ્વમાના દરેક પ્રકારના ધર્મઝનુનો, કલમ કે તલવારથી ચલાતા અત્યાચારો અને સતા લાલસાના રસ્તે ચાલનારાઓની અનુદાર ભાવનાઓનો પણ આ મૃત્યુ ધંટ બની રહે. અને એટલે જ તો માનવ સંસ્કૃતિની ટોચને આંબવા મથતી ર૧ મી સદી આ મહામાનવના જીવન સંદેશને ઝંખી રહી છે. 

-મનસુખભાઇ  કાલરીયા

કોર્પોરેટર - પ્રવકતા કોંગ્રેસ, મો. ૯૪ર૬૯ ૯૪૪પ૦

(4:33 pm IST)