Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

હડતાલ ઇફેકટઃ રાજકોટમાં સેંકડો અરજદારોને ધક્કા...કલેકટરને ફરીયાદોઃ હાઇકોર્ટની એકઝી.મેજી. તાલીમનો બહિષ્કાર

છાવણીની મુલાકાત લેતા ભુતપુર્વ મામલતદાર માંજરીયાઃ આજની આરઓ મીટીંગ પણ રદ : ગોંડલ-જેતપુરના મામલતદારે તલાટીઓને ના.મામલતદારનો ચાર્જ આપતા વિરોધ વંટોળઃ ઓર્ડર રદ કરવા પડયા

સતત બીજા દિવસે મહેસુલી કર્મચારીઓની હડતાલ સજ્જડ રહી હતી, આજે પણ કર્મચારીઓએ દેખાવો યોજ્યા હતા, અને ધરણાં યોજી માંગણીઓ દોહરાવી હતી. તસ્વીરમાં કર્મચારીઓ દેખાવો કરતા કલેકટર તંત્રની વિવિધ તમામ બ્રાંચ સુમસાન ભાંસતી નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૪.૧૦)

રાજકોટ, તા., ૧૦: રાજયમાં મહેસુલી કર્મચારીઓની હડતાલ ગઇકાલથી શરૂ થઇ છે. આજે બીજો દિવસ છે. પરંતુ આ હડતાલની લોકોના કામકાજ ઉપર ગંભીર અસર પડી હોવાનું બહાર આવ્યું છે. તમામ મહેસુલી કલાર્ક-ના.માલતદાર, ફિકસ પગારના કલાર્ક-ના.મામલતદાર હડતાલ ઉપર ઉતરી જતા કલેકટર કચેરી પુરવઠા કચેરી અને અન્ય તમામ મહેસુલી કચેરીઓ ઉપર આજે બીજા દિવસે સેંકડો અરજદારોને ધરમ ધક્કા થયા હતા. દુર દુરથી આવતા લોકો કચેરી સુમસામ હોય, કોઇ કામ થઇ શકે તેમ ન હોય, ભારે નિરાશ બન્યા હતા અરજદારોમાં ભારે રોષ ફેલાયો હતો અને આજે કલેકટર-એડી. કલેકટર સુધી કામગીરી અટકી પડવા અંગે ફરીયાદો કરી હતી.

દરમિયાન હડતાલને કારણે સંખ્યાબંધ મીટીંગો ધડાધડ રદ થવા માંડી છે. આજની કલેકટરની અધ્યક્ષમાં મળનાર રેવન્યુ ઓફીસરોની મીટીંગ પણ રદ કરી દેવાઇ છે.

આ ઉપરાંત હાઇકોર્ટમાં આજથી સ્પે.એકઝીકયુટીવ મેજીસ્ટ્રેરીયલ તાલીમ હતી. રાજકોટ કલેકટરના ૮ નાયબ માલતદારો સહીત રાજયના ૮૦ કર્મચારીને તાલીમ અપાનાર હતી. પરંતુ હડતાલ શરૂ થતા કર્મચારીઓએ તાલીમનો બહિષ્કાર કરતા આ તાલીમ મુલત્વી રહી છે.

બીજી બાજુ ગોંડલ -જેતપુરના મામલતદારોએ પ તલાટીઓને નાયબ મામલતદારનો ચાર્જ આપતા ઓર્ડર કરતા, ગઇકાલે સાંજે મહેસુલી કર્મચારી મંડળના હોદેદારોએ ચેતવણી આપતા, મામલતદારોએ ધડાધડ આ ઓર્ડર રદ કરી નાખ્યા છે.

આજે ભુતપુર્વ મામલતદાર અને એક વખતના કર્મચારી મંડળના પ્રમુખ શ્રી એમ.ડી.માંજરીયાએ છાવણીની મુલાકાત લઇ હડતાલને સફળ બનાવવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

(4:11 pm IST)