Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

વોર્ડ નં. ર ની ૪ સોસાયટીમાં પાણીનો બગાડ કરનારા માધવ કન્સ્ટ્રકશનને ર હજારનો દંડ

કોર્પોરેટર જયમીન ઠાકરની જાગૃકતાથી ... : આરાધના સોસાયટી-સખીયાનગર-નરશીનગર-સહિતની સોસાયટીમાં સવારે વાલ્વ ખૂલો રહી જતા હજારો લીટર પાણી વેડફાયુઃ કોન્ટ્રાકટર એજન્સીને કલાકનાં ર હજાર લેખે દંડ ફટકારાયો

રાજકોટ તા. ૧૦ :.. શહેરનાં વોર્ડ નં. ર માં આવેલ એરપોર્ટ રોડ વિસ્તાર આસપાસની આરાધના સોસાયટી, ગીત ગુર્જરી, નરશીનગર, સખીયામનગર વગેરે સોસાયટીઓમાં સવારે ૧ થી ર કલાક સુધી પાણી ચાલુ રહેતા રસ્તઓ ઉપર નદી વહી હતી. પરિણામે હજારો લીટર પાણી વેડફાઇ ગયેલ આ કિસ્સામાં વાલ્વમેનની બેદરકારી  બહાર આવતા વાલ્વ ઓપરેટીંગનો કોન્ટ્રાકટ રાખનાર એજન્સી, માધવ કન્સ્ટ્રકશનને ર  હજાર સુધીનો દંડ ફટકારાયો હતો.

આ અંગે વોર્ડ નં. ર નાં કોર્પોરેટર અને આરોગ્ય સમિતિનાં ચેરમેન જયમીન ઠાકરે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યુ હતું કે વોર્ડ નં. ર નાં એરપોર્ટ રોડ વિસ્તારમાં આવેલ નૃસિંહનગર, આરાધના,  ગીત ગુર્જરી, સખીયાનગર વગેરે સોસાયટીઓમાં  સવારે ૧૦ વાગ્યે પાણી વિતરણનો સમય છે.

આ સમય બાદ પણ સતત બે કલાક સુધી પાણી ચાલુ રહેતાં મકાનોના પાણીના ટાંકાઓ છલકાઇ જતાં રોડ ઉપર પાણીની નદી વહેવા લાગી હતી.

દરમિયાન આ બાબતે આ વોર્ડનાં કોર્પોરેટર જયમીન ઠાકરને જાણ થતા તેઓએ તુરત જ ઇજનેરોને આ વિસ્તારમાં પાણી બંધ કરાવવા જણાવેલ પાણી સતત બે કલાક જેટલુ ચાલુ રહેવા પાછળનું કારણ વાલ્વમેન  વાલ્વ બંધ કરવાનું ભુલી ગયાનું બહાર આવતાં હજારો લીટર કિંમતી પાણી વાલ્વમેનની બેદરકારીથી વેડફાઇ ગયુ હોઇ વાલ્વ ઓપરેટીંગનો કોન્ટ્રાકટ રાખનાર એજન્સી માધવ એજન્સી પાસેથી નિયમ મુજબ ૧ કલાકનાં રૂ. ર હજાર લેખે દંડ વસુલવા મ્યુ. કમિશ્નરશ્રીને જયમીન ઠાકરે જણાવ્યુ હતું.

(3:48 pm IST)