Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

ફોરેનર્સ એકટ હેઠળના ગુનામાં સ્પા સંચાલકના આગોતરા જામીન મંજુર

રાજકોટ તા. ૧૦ : ફોરેનર્સ એકટના ગુનામાં ક્રિસ્ટલ મોલ ખાતે આવેલ લોસ સ્પાના સંચાલક હાર્દિક મનહરલાલ કોટેચા વિરૂદ્ધ નોંધાયેલ ફરીયાદમાં સેસન્સ અદાલતે તેની આગોતરા જામીન અરજીને મંજુર કરી હતી.

આ બનાવની ટુંક હકીકત એવી છે કે હાલમા થોડા સમય અગાઉ રાજકોટ પોલીસએ વિવિધ ટેમો બનાવી રાજકોટના આશરે ૯ જેટલા સ્પા માં રેડ કરેલ હતી જેમાં વિદેશી યુવતીઓ ટુરીસ્ટ વીઝા મેળવી અને કોઇપણ પ્રકારની વર્ક પરમીટ ન હોવા છતાં સ્પામાં કામ કરતી પકડવામાં આવેલ હતી.

આ રેડ દરમ્યાન પકડાયેલ યુવતીઓ અને તમામ સ્પા સંચાલકો વિરૂદ્ધ રાજકોટ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફોરેનર્સ એકટ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો જે અનુસંધાને રાજકોટના ગાંધીગ્રામ-ર (મુંજકા) પોલીસ સ્ટેશનમાં બોસ સ્પામાં નોકરી કરતી ત્રણ વિદેશી યુવતીઓ અને તેના સંચાલકો વિરૂદ્ધ પણ ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો.

આ ગુન્હા અનુસંધાને હાર્દિક મનહરલાલ કોટેચાએ તેના વકીલ સંજય એચ.પંડિત મારફત સેસન્સ કોર્ટ રાજકોટમાં આગોતરા જામીન અરજી કરેલ હતી. જે જામીન અરજીની સુનવણી વખતે આરોપીના એડવોકેટની દલીલો અને રજુ રાખેલ વડી અદાલતોના ચુકાદાઓને ધ્યાને  લઇ એડી. સેસન્સ જજશ્રી ટી.એસ. બ્રહ્મભટ્ટે આરોપી હાર્દિક મનહરલાલ કોટેચાના આગોતરા જામીન મંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

આ કામે આરોપી વતી એડવોકેટ સંજય એચ.પંડિત, બલરામ એસ. પંડિત, રિદ્ધિબેન રાજા, મીતેશ ચાનપુરા, કુલદીપ જાદવ (વીછીયા), ગૌતમ શીરવાણી વિગેરે રોકાયેલ હતા.

(3:46 pm IST)