Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

શોખથી નહી લક્ષ્ય સાથે જર્નાલીઝમ કરો તો જ ફળે : ઋચી સતીકુંવર

સૌ.યુનિ. ફસ્ટ ઋચીને 'અકિલા' પરિવારનો શ્રી ગુણવંતભાઇ લાલજીભાઇ ગણાત્રા ગોલ્ડ મેડલ એનાયત : ક્રિએટીવ રાઇટીંગમાં પ્રભુત્વ : અભ્યાસ ઉપરાંત મ્યુઝીક અને ટ્રાવેલીંગનો પણ શોખ

રાજકોટ તા. ૧૦ : 'શોખથી નહીં પણ લક્ષ્ય સાથે જર્નાલીઝમ કરવામાં આવે તો ચોકકસ ફળે જ છે. આ ક્ષેત્ર પુરી ધગશ માંગી લ્યે તેવુ છે' તેમ માસ્ટર ઓફ જર્નાલીઝમના અભ્યાક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફસ્ટ આવી દર વર્ષે 'અકિલા' પરિવાર દ્વારા અપાતા શ્રી ગુણવંતભાઇ લાલજીભાઇ ગણાત્રા' ગોલ્ડ મેડલની હકદાર બનેલ ઋચિ ભરતભાઇ સતીકુંવરે જણાવ્યુ હતુ.

જોગાનુજોગ ઋચિએ ઇન્ટરશીપ પણ 'અકિલા'માં જ કરી છે. અકિલાની વેબ એડીશનમાં કામ કરી પુરી ધગશથી અનુભવો મેળવ્યા હતા. જે તેની કારકીર્દી માટે અમુલ્ય ભાથુ બની રહ્યુ.

વ્યવસાયે સોનીકામ કરતા અને મુળ વેરાવળના પરજીયા સોની ભરતભાઇ સતીકુંવર કહે છે મારી મોટી દીકરી પણ સી.એસ.ના અભ્યાસક્રમમાં આગળ વધી છે અને બહેનો પણ એજયુકેટેડ છે એટલે અમારા પરિવારમાં દિકરીઓ એજયુકેશન ક્ષેત્રે પહેલેથી જ શીરમોર રહી છે અને એમાય ઋચીએ સૌથી અલગ જર્નાલીઝમ ક્ષેત્ર પસંદ કરી નવોજ રસ્તો કંડાર્યો તે અમારા પરીવાર માટે ગૌરવભર્યુ બની રહેલ છે.

અહીં ઋચીએ જણાવેલ કે આમ તો હું ઇંગ્લીશ મીડીયમની વિદ્યાર્થીની હતી. પ્રાથમિકથી લઇને હાઇસ્કુલ સુધીનું શિક્ષણ વેરાવળમાં લીધુ અને ગ્રેજયુએશન અમદાવાદમાં કરેલ. બાદમાં જર્નાલીઝમ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શરૂ કરેલ. હું અંગ્રેજી માધ્યમની વિદ્યાર્થીની હોવાથી મારા માટે ભાષાકીય અનેક મુશ્કેલીઓ મોં ફાડીને ઉભી હતી. પરંતુ કોલેજના પ્રોફેસરોના સહયોગથી મે મારૂ લક્ષ્યાંક સીધ્ધ કરી બતાવ્યુ છે.

પ્રેકટીકલ અને થીયરીમાં પુરતું ધ્યાન આપતી. સાથો સાથ સંશોધનાત્મક જીવ કેળવવો પડતો. નવુ નવુ શોધવાની આવડત હોય તો જ જર્નાલીઝમમાં આગળ વધી શકાય છે. આપણે ત્યાં મોટાભાગે જર્નાલીઝમ કરીને એન્કરીંગમાં વળી જવાનો જાણે કે હમણા શીલશીલો બની ગયો છે. ખાસ કરીને દિકરીઓ આ ફિલ્ડમાં ઓછી આવે છે તે થોડુ દુઃખદ છે.

ઋચીએ જણાવેલ કે મને અભ્યાસ ઉપરાંત બ્લોગીંગ અને ટ્રાવેલીંગનો પણ શોખ છે. હિમાચલ, કેરાલા જેવા પ્રદેશો ફરી ચુકી છુ. મ્યુઝીકમાં શાસ્ત્રીય ગાયન ક્ષેત્રે વિશારદનો અભ્યાસ ચાલુ જ છે.

તસ્વીરમાં જર્નાલીઝમમાં અકિલા પરિવાર દ્વારા અપાતો 'શ્રી ગુણવંતભાઇ લાલજીભાઇ ગણાત્રા' ગોલ્ડ મેડલ હાંસલ કરનાર ઋચી સતીકુંવર (મો.૯૯૦૪૦ ૨૩૧૬૦) અને તેમના પિતાશ્રી ભરતભાઇ સતીકુંવર (મો.૯૩૭૭૬ ૫૭૧૦૫) તથા બાજુમાં અકિલાના એકઝીકયુટીવ એડીટર શ્રી નિમિષભાઇ ગણાત્રા અને વિગતો લઇ રહેલ મિતેષ આહીર નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

(3:46 pm IST)