Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

ભીનો - સુકો કચરો અને ખુલ્લામાં શૌચક્રિયામુકત રાજકોટ સ્વચ્છતાની પરીક્ષામાં છવાયા

૬૮ હજારથી વધુ વિદ્યાર્થીઓએ એક સાથે જનજાગૃતિની પરીક્ષા આપી રેકોર્ડ સર્જયો : ૨૦ પ્રશ્નોમાંથી મોટાભાગના પ્રશ્નો કચરાના વર્ગીકરણના

રાજકોટ તા. ૧૦ : સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સરકારશ્રી દ્વારા સ્વચ્છતા અને જનજાગૃતિ અર્થે વિવિધ પગલા અને અભિયાન હાથ ધરવામાં આવે છે. જેમાં રાજકોટ શહેર પણ તેને અનુસરી રહ્યું છે. એ સર્વ વિદિત છે કે, નાગરિકો અને વહીવટી તંત્ર સાથે મળીને તેમા જોડાય તો અપેક્ષિત પરિણામ ચોક્કસપણે મળી શકે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા અંગેનો સંદેશ ઘર ઘર અને જન જન સુધી પહોંચાડવાના હેતુસર સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત આજે શહેરની શાળાઓના આશરે ૬૮,૦૦૦થી વધુ વિદ્યાર્થી ભાઈ બહેનો માટે સ્વચ્છતા અંગેની પરીક્ષા 'કલીનેથોન' યોજી ઇતિહાસ રચવામાં આવ્યો હતો. જાહેર હેતુ માટેના કોઈપણ એક અભિયાન માટે આટલી વિશાળ સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનોએ એક જ સમયે પરીક્ષા આપવાનો રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપ્યો છે. આ પરીક્ષા ૨૦ પ્રશ્નના પેપરમાં ૬૦ થી ૭૦ ટકા સ્વચ્છતા, સુકા - ભીના કચરાના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

આ અંગે કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ આજે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ રૈયા રોડ,  હેમુ ગઢવી હોલ, ટાગોર માર્ગ, અટલ બિહારી બાજપેઇ ઓડિટોરિયમ, ડો.ઝાકીર હુશેન પ્રા.શાળા નં.૯૧ રૈયાધાર સ્લમ કવાર્ટર, સર્વપલ્લી રાધાક્રિષ્નન પ્રા.શાળા નં.૬૩ નીલકંઠ ટોકીઝ સામે, દેવપરા અને શ્રી હોમી જહાંગીર ભાભા પ્રા.શાળા નં.૭૮, એચ.જે સ્ટીલ સામે, દૂધ સાગર માર્ગ તથા શાળાબોર્ડની તમામ શાળાઓ ખાતે કુલ મળીને ૬૮,૦૦૦થી વધુ વિદ્યાર્થી ભાઈ બહેનોએ આ પરીક્ષા આપી હતી. મતલબ કે, ૬૮,૦૦૦ પરિવારના આશરે અઢી લાખ જેટલા લોકો સુધી સ્વચ્છતાનો સંદેશ પહોચાડી શકાયો છે. તેમજ શિક્ષક ભાઈ બહેનો અને વહીવટી સ્ટાફ તથા પ્રચાર માધ્યમોના સાથ સહકાર સાથે આ સંદેશ ઘેર ઘેર પહોચાડવાનો ઉમદા પ્રયાસ રાજકોટ મહાનગરપાલિકાએ કર્યો છે.

પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ(વેસ્ટ ઝોન) ખાતે મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ભીખાભાઈ વસોયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, સ્ટેન્ડિંગ કમિટી પૂર્વ ચેરમેન પુષ્કરભાઈ પટેલ, કાશ્મીરાબેન નથવાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. જયારે ઇસ્ટ ઝોન ખાતે અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમ ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ ઉપસ્થિત રહેશે અને સેન્ટ્રલ ઝોનમાં હેમુગઢવી ઓડીટોરીયમ ખાતે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, શાસક પક્ષના દંડક અજયભાઈ પરમાર, મહામંત્રી જીતુભાઈ કોઠારી, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા વિગેરે આ ઉપરાંત, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળા બોર્ડની સ્કૂલ ડો. ઝાકીર હુસેન પ્રા. શાળા નં.૯૧,(વેસ્ટ ઝોન) ખાતે ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, વોર્ડ નં.૦૧ના કોર્પોરેટર બાબુભાઈ આહીર, આશિષભાઈ વાગડિયા, અંજનાબેન મોરજરીયા, વોર્ડ અગ્રણી ચારુબેન ચૌધરી, શ્રી સર્વપલ્લી રાધાક્રિષ્નન પ્રા. શાળા નં.૬૩,(સેન્ટ્રલ ઝોન) ખાતે નગર પ્રા. શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, પૂર્વ મેયર જનકભાઈ કોટક, વોર્ડ નં.૧૬ પ્રભારી ભુપતભાઈ બોદર, વોર્ડ પ્રમુખ સુરેશભાઈ વસોયા, મહામંત્રી હિરેનભાઈ ગૌસ્વામી, શ્રી હોમી જહાંગીર ભાભા પ્રા. શાળાનં.૭૮,(ઇસ્ટ ઝોન) ખાતે કોર્પોરેટર દેવુબેન જાદવ, સજુબેન કાળોતરા, શિક્ષણ સમિતિ સભ્ય ભાવેશભાઈ દેથરીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ભારત સરકારશ્રીના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેયર્સ ડિપાર્ટમેન્ટ તરફથી શરૂ થયેલ 'સ્વચ્છ સર્વેક્ષણ'નો પાયાનો સિધ્ધાંત છે કે, સ્વચ્છતા અને તેના સિદ્ઘાંતો અંગેની તાલીમ પાયાથી જ મળે અને સ્વચ્છતાનો સંદેશ ઘર-ઘર તેમજ જન-જન સુધી પહોંચે તેવા હેતુથી ઘન કચરા વ્યવસ્થા પણ અને 'સ્વચ્છ ભારત મિશન' અંગેનો વિદ્યાર્થીઓ સમજી શકે તે માટેનો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવેલ છે. આ અભ્યાસક્રમ ટ્રેનર શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પહોંચાડવામાં આવેલ. જેના અનુસંધાને ૧૦ ડીસેમ્બર ૨૦૧૮ હ્યુમન રાઈટ્સ ડેના દિવસે વિદ્યાર્થીઓ માટે પરીક્ષા યોજવાનું નક્કી કરેલ. આ અનુસંધાને આજે રાજકોટ શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની ૭૭ શાળાના તથા લગભગ ૩૨૫ જેટલી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના ૬૮,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ એક જ શહેરમાં એક જ સમયે પરીક્ષા આપી હતી.

સ્વચ્છતાનો સંદેશ ઘર ઘર અને જન જન સુધી પહોચાડવાના આ શાનદાર પ્રયાસ બદલ રાજકોટ મહાનગરપાલિકાને આ નવા રેકોર્ડ અંગેનું પ્રમાણપત્ર અને શિલ્ડ પણ સુપ્રત કરવામાં આવ્યું હતું. આ શિલ્ડ અને પ્રમાણપત્ર મેયર બિનાબેન આચાર્ય અને કમિશનર બંછાનિધિ પાની દ્વારા સ્વીકારવામાં આવેલ. આ પરીક્ષામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને મહાનગરપાલિકા દ્વારા સર્ટીફિકેટ આપવામાં આવશે.

આ પરીક્ષા અભિયાનને સફળ બનાવવા માટે મેયર બિનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ પ્રમુખ અજયભાઈ પટેલની આગેવાની હેઠળ મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ, અધિકારીઓ તથા શાળા બોર્ડના સભ્યો અને અધિકારીઓ તથા સેલ્ફ ફાઈનાન્સ સ્કુલ મંડળના મહામંત્રી અવધેશભાઈ કાનગડ, કારોબારી સભ્ય મેહુલભાઈ પરવડા, પરિમલભાઈ પરવડા, જયદીપભાઈ જલુ, પુષ્કરભાઇ રાવલ, રાણાભાઇ ગોજીયા, જતીનભાઈ ભરાડ, ભરતભાઈ ગાજીપરા તેમજ જુદી જુદી શાળાઓના સંચાલકો શાળા મંડળના હોદેદારશ્રીઓએ જહેમત ઉઠાવી હતી.

 

કલીનેથોન પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો

રાજકોટઃ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા આજે શહેરના ધો. પ થી ઉપરના ૬૮ હજારથી વધુ વિદ્યાર્થીઓની સ્વચ્છતાની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં ર૦ પ્રશ્નો ઓએમઆર પધ્ધતીથી પુછવામાં આવ્યા હતા. જેમાં અગત્યના પ્રશ્નો નીચે મુજબ છે.

* વડાપ્રધાનશ્રી દ્વારા સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કયારથી કરવામાં આવેલ છે?

* સુકા કચરામાં  કોનો સમાવેશ થતો નથી?

* odf એટલે શું?

* સુકા પાંદડા કયા પ્રકારનો કચરો છે?

* શહેરના નાગરીકો સફાઇને લગતી ફરીયાદ કઇ એપ પર કરી શકે છે?

(3:45 pm IST)