Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

વૈદિક મંત્રોચ્ચારણ સાથે ત્રિ દિવસીય વિશ્વશાંતિ મહાયજ્ઞનો પ્રારંભ

પૂ.પ્રમુખ સ્વામીજીની ૫૯મી, ૭૮મી અને ૯૮મી જન્મજયંતિ ઉજવવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરતું રાજકોટ : ૫૦૦ કુંડ, ૧૫ હજારથી વધુ યજમાનઃ હરિભકતોને દર્શનનો લાભ આપતા પૂ.મહંત સ્વામી

રાજકોટ,તા.૧૦: વિશ્વ વંદનીય સંતવિભૂતિ પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતી મહોત્સવ  માધાપર-મોરબી બાયપાસ રોડ  ખાતે  ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાઈ રહ્યો છે. પ્રતિદિન લાખો મુલાકાતીઓ સ્વામિનારાયણ નગરની દર્શન - મુલાકાત લઈ રહ્યા છે.

પ.પૂ.મહંતસ્વામી મહારાજના પ્રાતઃ પુજા દર્શનનો હરિભકતોએ લાભ લીધો હતો.  પૂજા બાદ પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે આગામી વર્ષમાં આયોજિત  'અખિલ ભારતીય બાલ-યુવા અધિવેશન' નો ઉધ્ઘોષ પૂ. મહંતસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો. વિશેષ રવિવારે રજાના દિવસે આખું શહેર સ્વામિનારાયણ નગરમાં ઉમટી પડ્યું હતું. સાંજ સુધીમાં જ ૨ લાખ જેટલા ભાવિકોએ વિવિધ પ્રદર્શનખંડો નિહાળી પ્રેરણા પ્રાપ્ત કરી, તદુપરાંત સુંદર આયોજન-વ્યવસ્થાને વખાણી હતી.

રાત્રીના સુપ્રસિદ્ઘ ગાયક કલાકારો શ્રી કીર્તિદાનભાઈ ગઢવી અને શ્રી ઓસમાણભાઈ મીરે પોતાની સંગીત કળા પીરસી હતી.

આજી નદીના તટે વસેલું-વિકસેલું રાજકોટ એટલે સૌરાષ્ટ્રની રાજધાની. સોરઠની ધરતીમાં રસાયેલા શૌર્ય, ધૈર્ય અને ઔદાર્યની ત્રિવેણીમાં તરબતર આ નગર, સમય જતા કૌશલ્યમાં પણ અગ્રેસર બની વિવિધ ઉદ્યોગોના મુખ્ય મથક તરીકે વિસ્તર્યું. રંગીન મિજાજ અને સંગીન વિકાસ ધરાવતું આ નગર સૌના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે.

આ એ જ સ્થાન છે જયાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે ૧૯૯૮માં પ્રતિષ્ઠિત કરેલ ભવ્ય મંદિર શિક્ષણ, સંસ્કાર, સેવા અને સત્સંગની ધજા ફરકાવીને રાજકોટનું નજરાણું બની રહ્યું છે. જયાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સત્સંગના પાયા નાખ્યા, બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે સમયાંતરે પધારી સત્સંગના બાગને ખીલવ્યો, બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે સત્સંગરૂપી બાગને હંમેશા લીલો પલ્લવિત રાખ્યો અને આજે પૂ.મહંતસ્વામી મહારાજ સત્સંગનું સંવર્ધન કરી રહ્યા છે એવા રાજકોટના સત્સંગ ઈતિહાસ પર આધારિત 'રાજકોટ સત્સંગ ગાથા' નૃત્ય-નાટિકાની અદ્બુત પ્રસ્તુતિ સાયંકાળે  સાંસ્કૃતિક કાર્યક્રમમાં કરવામાં આવશે.

રાજકોટ સત્સંગ ગાથાઃ ભગવાન સ્વામિનારાયણે સ્વલિખિત ધર્મગ્રંથ 'શિક્ષાપત્રી' અંગ્રેજ ગવર્નર સરજહોન માલ્કમને કોઠી કમ્પાઉન્ડ રેલ્વે ઓફિસમાં અર્પણ કરી, ગુણાતીતાનંદ સ્વામીએ હરિભકત માવાજી કડિયાના ડેલામાં યજ્ઞ કરેલ, ''સત્પુરુષ પૃથ્વી પરથી કદી જતા જ નથી'' ભગતજી મહારાજ પ્રત્યેના શાસ્ત્રીજી મહારાજનાં  સિદ્ઘાંત વચનોનું સાક્ષી રાજકોટ બન્યું, યોગીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજના પ્રથમ મિલનનું સૌભાગ્ય રાજકોટને પ્રાપ્ત થયું, વિશ્વમાં પ્રસિદ્ઘ યોગીજી મહારાજ ઉદ્બોધિત યોગીવાણી 'યોગીગીતા' રાજકોટમાં રચાઈ, પૂ.પ્રમુખસ્વામી મહારાજની ૫૯મી,  ૭૮મી અને વર્તમાનકાળે ૯૮મી જન્મજયંતી ઉજવવા સૌભાગ્યવંત બન્યું રાજકોટ, પૂ.મહંતસ્વામી મહારાજની  ઉપસ્થિતિમાં અક્ષર-પુરુષોત્તમ દર્શન પર આધારિત સૈદ્ઘાંતિક આરતીનું ઉદ્ઘોષક બનશે રાજકોટની પુણ્યવંતી ધરા.

આજથી તા.૧૦,૧૧,૧૨ દરમ્યાન ત્રિ-દિવસીય 'સ્વામિનારાયણ વિશ્વશાંતિ મહાયજ્ઞ'ની શરૂઆત થશે. આ મહાયજ્ઞમાં ૧૫,૦૦૦થી વધુ યજમાન ભકતો-ભાવિકો સમ્મિલિત થશે.

સ્વામિનારાયણ વિશ્વશાંતિ મહાયજ્ઞ વિશેષતા આ મુજબ છે. ત્રિ-દિવસીય વિશ્વશાંતિ મહાયજ્ઞ, ૫૦૦ વૈદિક યજ્ઞ કુંડ, ૧૫,૦૦૦થી અધિક યજ્ઞ યજમાન, પવિત્ર સંતો અને બ્રાહ્મણોના મુખેથી વૈદિક મંત્રોચ્ચારણ, પૂ.મહંતસ્વામી મહારાજ અને વરિષ્ઠ સંતોની પુનિત ઉપસ્થિતિ.(૩૦.૬)

 

(3:45 pm IST)