Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

લોક-અદાલતમાં ૩પ૯૬ કેસોનો નિકાલ અકસ્માત કેસોમાં કરોડોનું વળતર મંજૂર

રાજકોટ તા. ૧૦ :.. ગત તા. ૮-૧ર-ર૦૧૮ ના રોજ રાષ્ટ્રીય મેગા- લોક અદાલતનું આયોજન રાષ્ટ્રીય કાનૂની સત્તા મંડળ, ન્યુ દિલ્હીના આદેશ મુજબ સમગ્ર રાષ્ટ્ર લેવલે કરવામાં આવેલ તેમજ તેના ભાગરૂપે ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદનાઓના ઉપક્રમે જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, રાજકોટના માર્ગદર્શન તથા સબળ નેતૃત્વ હેઠળ રાજકોટ જીલ્લાની તમામ અદાલતોમાં એટલે કે તમામ અપીલ અદાલતો, દિવાની અદાલતો, ફોજદારી અદાલતો, ફેમીલી કોર્ટ, ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ, લેબર કોર્ટ તેમજ તમામ તાલુકા અદાલતોમાં આજરોજ મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ.

ગત તા. ૮-૧ર-ર૦૧૮ ના રોજ યોજાયેલ લોક અદાલતને મુખ્ય જીલ્લા ન્યાયાધીશ કુ. ગીતાબેન ગોપી, એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ શ્રી વી. વી. પરમાર, એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ શ્રી પી. કે. સતીષકુમાર, મુખ્ય સીનીયર સીવીલ જજ શ્રી એ. વાય. દવે, એડી. સીનીયર સીવીલ જજ કુ. એન. એચ. વસવેલીયા, સીવીલ જજ કુ. એચ. એસ. પટેલ, જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પુર્ણકાલીન સચિવ શ્રી એચ. વી. જોટાણીયા, રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ શ્રી અનિલભાઇ દેસાઇ, એમ. એ. સી. પી. બાર એસોસીએશનના પ્રમુખશ્રી કે. જે. ત્રિવેદીનાઓના હસ્તે દીપ પ્રાગટય કરી લોક અદાલત ખુલ્લી મુકવામાં આવેલ હતી. સદર પ્રસંગે રાજકોટના રાજકોટ બારના સભ્યો, વકીલશ્રીઓ તેમજ વિમા કંપનીના તથા પી. જી. વી. સી. એલ.ના તેમજ વિવિધ બેંકના અધિકારીઓ તેમજ પક્ષકારો ઉપસ્થિત રહેલ હતાં. આ પ્રસંગે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ રાજકોટના ચેરમેન તથા મુખ્ય જીલ્લા ન્યાયાધીશ કુ. ગીતાબેન ગોપી દ્વારા લોક અદાલતની સફળતા માટે શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી.

આજના દિવસે વિવિધ પ્રકારના પેન્ડીંગ કેસો તથા પ્રિ-લીટીગેશન કેસો મળી કુલ ૯૧૭ર કેસો હાથ પર લેવામાં આવેલ. જેમાંથી આજરોજ મોટર અકસ્માત વળતરના કુલ ૧૮૪ કેસોનો સમાધાન રાહે નિકાલ થયેલ. જેમાં રૂ. ૬,પ૯,૮૦,૬૯૯ જેટલી રકમનું સમાધાન થયેલ તેમજ ચેક રીટર્નના  કુલ ૧પ૬૭ કેસોનો સમાધાન રાહે નિકાલ થયેલ. જેમાં રૂ. પ,ર૯,૬૦,૯૬૬ જેટલી રકમનું સમાધાન થયેલ તેમજ લગ્ન વિષયક તકરાર અંગેના ૧૬૦ કેસોમાં સમાધાન રાહે નિકાલ થયેલ. આમ, આજના દિવસે આ તમામ કેસો મળી કુલ ૩પ૩૯ પેન્ડીંગ કેસો તથા પ૭ પ્રિ-લીટીગેશન કેસો મળી કુલ ૩પ૯૬ કેસોનો નિકાલ થયેલ છે. આમ, આજરોજ યોજાયેલ લોક અદાલતમાં પક્ષકારો તરફથી ઘણો સારો પ્રતિસાદ મળેલ છે તથા મોટી સંખ્યામાં કેસોનો નિકાલ થયેલ છે. જેથી ભવિષ્યમાં યોજાનાર લોક અદાલતોમાં પક્ષકારોને સક્રિય ભાગ લેવા અનુરોધ છે. (પ-૧ર)

(12:06 pm IST)