Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

૪ જાન્યુઆરીથી ગુજરાતવ્યાપી સ્વચ્છતા ઝુંબેશઃ એમ.એસ. પટેલ

કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ અકિલાની મુલાકાતેઃ શહેરી વિકાસની સરકારની વિવિધ યોજનાઓ

રાજકોટઃ. ગુજરાતની નગરપાલિકાઓ માટેના કમિશનર શ્રી મહેન્દ્ર એસ. પટેલ (આઈ.એ.એસ.) રાજકોટ સ્થિત પ્રાદેશિક કમિશનર શ્રી ગૌરાંગ મકવાણા (આઈ.એ.એસ.) તથા અધિક કલેકટર શ્રી એન.એફ. ચૌધરી શનિવારે સાંજે અકિલાની શુભેચ્છા મુલાકાતે આવેલ. અકિલાના એકઝીકયુટીવ એડીટર શ્રી નિમિષ ગણાત્રા સાથેની વાતચીતમાં તેમણે જણાવેલ કે રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ અનુસાર તા. ૪ જાન્યુઆરીથી ગુજરાતના તમામ નગરો, મહાનગરો અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા સર્વેક્ષણ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. ૧ માસની આ સઘન કામગીરીની કેન્દ્રની ટીમ દ્વારા ચકાસણી કરી ક્રમાંક આપવામાં આવશે. સ્વચ્છતાની કામગીરી માટે નાગરિકોના અભિપ્રાય પણ જાણવામા આવશે. કુલ ૫૦૦૦ માર્કસ પૈકી સૌથી વધુ ૧૨૫૦ માર્કસ નાગરિકોના અભિપ્રાયના રાખવામાં આવ્યા છે. સ્વચ્છતા ઉપરાંત સ્માર્ટસીટી અને અન્ય યોજનાઓ અંતર્ગત રાજ્યમાં વિકાસ કામો ચાલી રહ્યા છે. ૧ લાખથી વધુ વસતી ધરાવતા ૩૧ અમૃત સીટીમાં ૪૦૦ કરોડના કામો થઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી એમ.એસ. પટેલ ૨૦૦૩ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ અમદાવાદમાં ડે. મ્યુનિસિપલ કમિશનર તેમજ બનાસકાંઠા, કચ્છ અને સુરતમાં જિલ્લા કલેકટર સહિત વિવિધ સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. સામાજિક ક્ષેત્રે પણ તેમનુ મોટુ યોગદાન છે. આ મુલાકાત પ્રસંગે અકિલા પરિવારના ડો. અનિલ દશાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરિયા)(૨-૭)

(12:05 pm IST)