Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

અંગ્રેજી ભાષામાં સ્‍યુસાઇડ નોટ લખી જલારામ પ્‍લોટમાં ૨૩ વર્ષના જીનેન્‍દ્ર મહેતાએ ફાંસો ખાઇ મોત મેળવ્‍યું

આઇ એમ કમિટેડ સ્‍યુસાઇડ ઓન્‍લી બીકોઝ ઓફ માય મેન્‍ટલ ઇન્‍સ્‍ટાબિલીટી, નો વન એલ્‍સ ઇઝ રિસ્‍પોન્‍સીબલ ફોર માય ડેથ... : ગાયકવાડીમાં થાઇરોઇડની બિમારીથી કંટાળી કાજલબેન ચોૈહાણે પણ ગળાફાંસો ખાઇ આત્‍મહત્‍યા કરી લીધી

રાજકોટ તા. ૧૧: ‘આઇ એમ કમીટીંગ સ્‍યુસાઇડ ઓન્‍લી બીકોઝ ઓફ માય મેન્‍ટલ ઇન્‍સ્‍ટાબિલીટી, નો વન એલ્‍સ ઇઝ રિસ્‍પોન્‍સીબલ ફોર માય ડેથ...મહેતા જીનેન્‍દ્રકુમાર દિપકભાઇ'....અંગ્રેજી ભાષામાં આ રીતે સ્‍યુસાઇડ નોટ લખી રવિરત્‍ન પાર્ક ચોક મિચીઝ રેસ્‍ટોરન્‍ટ પાસે જલારામ-૪માં રહેતાં જીનેન્‍દ્ર દિપકભાઇ મહેતા (ઉ.વ.૨૩) નામના યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
બનાવની જાણ ૧૦૮ના ઇએમટી ભાવીકાબેને કરતાં કન્‍ટ્રોલ ઇન્‍ચાર્જ ડી. બી. કાછડીયાએ યુનિવર્સિટી પોલીસને વાકેફ કરતાં તપાસનીશ અજયસિંહ ચુડાસમાએ ઘટના સ્‍થળે પહોંચી તપાસ કરતાં જીનેન્‍દ્ર મહેતાએ ઘરમાં સીડીના એંગલમાં ચાદર બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લીધાનું જણાતાં જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટ મોર્ટમ માટે ખસેડયો હતો. તપાસમાં ખુલ્‍યા મુજબ જીનેન્‍દ્ર ત્રણ ભાઇમાં નાનો અને અપરિણીત હતો અને પ્રાઇવેટ નોકરી કરતો હતો. તેના ભાઇ અને ભાભી દિવાળીની રજામાં પુના મામાને ત્‍યાં ગયા હતાં. ગઇકાલે ભાઇએ ફોન કરતાં ફોન રિસીવ ન થતાં પડોશીને તપાસ કરવા મોકલતાં દરવાજો અંદરથી બંધ હોઇ બારીની ગ્રીલ તોડી જોતાં જીનેન્‍દ્રએ ગળાફાંસો ખાઇ લીધાની જાણ થઇ હતી. પોલીસે સ્‍યુસાઇડ નોટને આધારે એવુ અનુમાન કર્યુ છે કે જીનેન્‍દ્રએ માનસિક અસ્‍થિરતાને કારણે આ પગલુ ભર્યુ છે. તેના ભાઇ-ભાભી રાજકોટ આવ્‍યા બાદ પોલીસ વિશેષ નિવેદન નોંધશે.
ગાયકવાડીમાં મહિલાનો આપઘાત
બીજા બનાવમાં ગાયકવાડી-૧માં કૃષ્‍ણભૂમિ એપાર્ટમેન્‍ટમાં રહેતાં કાજલબેન કમલેશભાઇ ચોૈહાણ (મોચી) (ઉ.વ.૪૫) નામના મહિલાએ ઘરમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. બનાવની જાણ થતાં પ્ર.નગરના એએસઆઇ હરેશભાઇ રત્‍નોતર અને તોરલબેન જોષીએ ઘટના સ્‍થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ કાજલબેનના પિતા હયાત નથી. તેમના માવતર ગાયકવાડીમાં જ રહે છે. પતિ કમલેશભાઇ નટવરભાઇ ચોૈહાણ બૂટ ચપ્‍પલનો વેપાર કરે છે. તેણીને થાઇરોઇડની બિમારી હોઇ કંટાળી જઇ આપઘાત કરી લીધાનું બહાર આવ્‍યું હતું. બનાવ વખતે કાજલબેનના પતિ દૂકાને હતાં અને પુત્ર ધોરણ દસમાં અભ્‍યાસ કરતો હોઇ તે ટયુશનમાં ગયો હતો. કાજલબેનના સાસુ બાજુમાં જ રહેતાં હોઇ તે ઘરે જમવાનું આપવા આવ્‍યા ત્‍યારે દરવાજો બંધ હોઇ ખખડાવવા છતાં નહિ ખોલાતાં પોલીસને બોલાવી દરવાજો તોડીને જોતાં તેણી લટકતા મળતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

 

(11:44 am IST)