Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

ડેંગ્યુ - મેલેરિયા - ચીકનગુનિયાના ૫૦ કેસ

હરિનગર - શ્રધ્ધા પાર્કમાં એક જ પરિવારના બબ્બે - બબ્બે સભ્યો કોરોનાની ઝપટે ચડયા

ગઇકાલે કોરોના ૪ કેસ નોંધાયા : તંત્ર ઉંધા માથે : છેલ્લા સપ્તાહથી શહેરમાં મચ્છરજન્ય રોગચાળાનો ફુંફાડો યથાવત

મ્યુ.કોર્પોરેશનનાં મેલેરીયા વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા  ફોગીંગ, દવા છંટકાવ, પોરાનાશક  સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે વખતની તસ્વીર નજરે પડે છે.

રાજકોટ તા.૯ :શહેરમાંમચ્છરજન્ય રોગચાળાએ માથું  ઉંચકતા છેલ્લા ૭ દિવસમાં ડેન્ગ્યુ,  મેલેરિયાના ચિકનગુનીયાનાં ૫૦  કેસ નોંધાયા છે. જ્યારે ગઇકાલે વોર્ડ નં. ૯ના હરિનગરમાં એક જ પરિવારના ૭૩ વર્ષના પુરૂષ અને ૩૫ વર્ષના યુવાનનો તથા વોર્ડ નં. ૧૦ના શ્રધ્ધા પાર્કમાં પણ એક જ પરિવારના ૫૬ વર્ષના અને ૨૯ વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા મનપાનું આરોગ્ય તંત્ર ઉંધા માથે થયું છે. આ બંને વિસ્તારોમાં મેડિકલ સર્વે - દવા છંટકાવની કામગીરી શરૂ કરાઇ છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૧  થી તા. ૭  ઓકટોબર સુધીમાં ડેન્ગ્યુના ૪૬ તથા મેલેરીયાના ૩ તથા ચિકનગુનિયાના ૧ સહિત કુલ ૫૦ કેસ નોંધાતા સીઝનનાં ડેન્ગ્યુના ૩૧૯, મેલેરીયાના ૪૮ તથા ચિકનગુનિયાનાં ૨૨ કેસ નોંધાયા છે.

મચ્છર ઉત્પતિ સબબં ૮૬૦ને નોટીસઃ રૂ.૧૭ હજરનો દંડ

શહેરમાં મચ્છરજન્ય રોગચાળો દિવસે ને દિવસે આંતક ફેલાવતા તંત્ર ઉંધે માથે થયુ છે. મ્યુ.કોર્પોરેશનનાં મેલેરીયા વિભાગ દ્વારા ડેન્ગ્યુ, મેલેરીયા, ચીકનગુનિયાના કેસ નોંધાયેલ વિસતારોમાં ફોગીંગ, મચ્છર ઉત્પતી અટકાવવા સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે.જે અન્વેય ૪૬,૬૩૧ ઘરોમાં પોરાનાશક કામગીરી, ૪,૬૮૦ ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યુ  હતુ. બાંધકામ સાઇટ, સ્કુલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ સહિતનાં ૪૨૫ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેેલ છે.

આ તપાસ દરમિયાન મચ્છર ઉત્પતિ જોવા મળતા બાંધકામ સાઇટ, ઇન્ડસ્ટ્રીઝ, રહેણાંક સહિતનાં ૮૬૦ને નોટીસ પાઠવી રૂ.૧૭ હજરનો વહિવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.

બપોર સુધીમાં કોરોનાનો '૦' કેસ

 આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં '૦' કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૮૫૦ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૨,૩૮૪  દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૮૭૫ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૪ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૪૬ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૪,૫૨,૯૩૫ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૮૫૦ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૨.૯૫  ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૯૧ ટકા એ પહોંચ્યો છે. હાલ ૦૮ દર્દીઓ સારવાર હેઠળ છે.

ગઇકાલે કોરોનાના ૪ કેસ નોંધાયા

આ અંગે મનપાના આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગઇકાલ સાંજે ૪ કેસ નોંધાયા છે. જેમાં શહેરના વોર્ડ નં. ૯ના હરિનગર વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ૭૩ વર્ષના પુરૂષ અને ૩૫ વર્ષીય યુવાનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બંને દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બંનેએ વેકિસનના ડોઝ લીધા છે.

જ્યારે બીજા બે કેસ વોર્ડ નં. ૧૦ના શ્રધ્ધાનગરમાં રહેતા એક જ પરિવારના ૫૬ વર્ષ અને ૨૯ વર્ષના મહિલાનો નોંધાયો છે. આ બંને દર્દીઓએ વેકિસનના બંને ડોઝ લીધા છે.

(2:51 pm IST)