Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

પટેલનગરના હાર્ડવેરના કારખાનેદાર હર્ષિદ પટેલ સાથે ભાડલા-સિલીગુડીના ત્રણ પટેલ શખ્સોની ૨૪ લાખની ઠગાઇ

એકસીસ બેંકનો ખોટો રબ્બર સ્ટેમ્પ બનાવી બીજી પેઢીનો જીએસટી નંબર પોતાની પેઢીના નામે ઉપયોગમાં લઇ માલ મંગાવી લીધા બાદ પૈસા ન ચુકવ્યાઃ ઉઘરાણી માટે ફોન કરતા ધમકી આપી કહ્યું-તારી તો સોપારી આપી દીધી છે!

રાજકોટઃ શહેરના મવડી ચોકડી પાસે શકિતનગર (નોર્થ) શેરી નં. ૩માં રહેતાં મુળ સુરતના હર્ષિદ સુરેશભાઇ મારકણા (ઉ.૨૨) નામના પટેલ કારખાનેદાર સાથે હાર્ડવેરની ચીજવસ્તુઓ મંગાવી લીધા બાદ રૂ. હજાર ન ચુકવી ઠગાઇ કરી માથે જતાં છેતરપીંડી કરતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.

બનાવ અંગે ભકિતનગર પોલીસે હર્ષિદ પટેલની ફરિયાદ પરથી કોઠારીયા બાયપાસ પર શ્યામ મંદિર પાસે રહેતાં મુળ ભાડલાના હાર્દિક સુરેશભાઇ ડોબરીયા, અક્ષય સુરેશભાઇ ડોબરીયા અને હાલ સિલીગુડી રહેતાં રિતુલ રમેશભાઇ ધડુક સામે આઇપીસી ૩૮૬, ૪૦૬, ૪૧૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૭૧, ૫૦૬, ૧૨૦-બી મુજબ ગુનો નોંધ્યો છે.

હર્ષિદ પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે ત્રણેય આરોપીઓએ કાવત્રુ રચી ખોટુ નામ ધારણ કરી વેપારી સંબંધો વિકસાવી મેટલ હેન્ડલ, કટન બ્રેકેટ, કન્સલી હેન્ડલ જેવા ફર્નિચરમાં ઉપયોગી પાર્ટસનો ઓર્ડર આપી પ્રારંભે રૃપિયા ચુકવી દીધા હતાં. એ પછી વધુ માલ મેળવવા ઓર્ડર આપ્યો હતો અને એકસીસ બેંકનો ખોટો સ્ટેમ્પ બનાવી બેંકની સ્લિપ પર તેનો ઉપયોગ કરી બીજી કોઇ વેપારી પેઢીના જીએસટી નંબરનો પોતાની પેઢીના નામે ઉપયોગ કરી રૃા. ૨૪,૨૪,૦૦૦નો માલ મંગાવી લીધો હતો.

એ પછી ફરિયાદી હર્ષિદ પટેલે પૈસાની ઉઘરાણી કરતાં આ શખ્સોએ માલ પાછો મેળવવા જો પોલીસ ફરિયાદ કરીશ તો માલ કે પૈસા કંઇ નહિ મળે અને અમારી સાથે બેક કર તો અઢધો માલ આપીશું. તારી તો સોપારી આપી દીધી છે...તેવી ધમકી આપી છેતરપીંડી કર્યાનું ફરિયાદમાં જણાવાયું છે. પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એમ. ડી. ધાંધલ્યા, સાવજુભા જાડેજા સહિતની ટીમે વિશેષ તપાસ હાથ ધરી છે.

 

(12:52 pm IST)