Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

રાજકોટમાં જીમ સંચાલક રણછોડનગરના દરજી શખ્સ અંકિત પરમારે ફેસબૂક ફ્રેન્ડ યુવતિને જીમમાં બોલાવી બળાત્કાર ગુજાર્યોઃ ફોટો-વિડીયો વાયરલ કરવાની ધમકી

લગ્નની લાલચ આપી મળવા બોલાવી ઘુસ્તા-પાટાનો માર માર્યો અને વોશરૃમમાં ઢસડી જઇ ન કરવાનું કર્યુઃ એ-ડિવીઝનમાં ફરિયાદ થતાં તપાસનો ધમધમાટ

રાજકોટઃ શહેરમાં અગાઉ ઢેબર રોડ વન વેમાં જીવન બેંક સામે એપી ફિટનેશ સેન્ટર નામે જીમ ચલાવતાં અને હાલમાં કરણપરામાં કેશુભાઇના આંખના દવાખાના ઉપરના ભાગે જીમ ચલાવતાં દરજી શખ્સ રણછોડનગરના અંકિત વિજયભાઇ પરમાર સામે અનુસુચિત જાતીની યુવતિએ બળાત્કાર, ધમકીની ફરિયાદ નોંધાવતાં ચકચાર જાગી છે. આ મામલે એ-ડિવીઝન પોલીસ મથકમાં ગુનો દાખલ થતાં એસસીએસટી સેલના એસીપી કે. આર. ડાભીએ વિશેષ તપાસ હાથ ધરી છે.

પોલીસે પુખ્ત વયનની યુવતિની ફરિયાદ પરથી જીમ સંચાલક અંકિત પરમાર સામે આઇપીસી ૩૭૬, ૩૪૨, ૫૦૪, ૫૦૬ (૨), ૩૨૩ તથા એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યો છે. યુવતિએ ફરિયાદમાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૧માં ફસબૂક મારફત અંકિત પરમાર સાથે ઓળખાણ થઇ હતી. ફ્રેન્ડ બન્યા પછી વ્હોટ્સએપથી પણ ચેટીંગ થતું હતું. એ દરમિયાન તા. ૧૯-૧૧-૧૭ના સાંજે સાડા છએક વાગ્યે અંકિતે ઢેબર રોડ વન-વેમાં પોતાના જીમમાં બોલાવી હતી. વિશ્વાસ કેળવી લગ્ન કરી લેવાની લાલચ આપી હતી અને બાદમાં જીમનું શટર બંધ કરી ગોંધી રાખી શરીરે ઘુસ્તા અને પગે પાટા મારી તેમજ નાક પર અને ઘુંટણ પર ઇજા કરી વોશરૃમમાં ઢસડી જઇ મરજી વિરૃધ્ધ બળાત્કાર ગુજારી જો કોઇને વાત કરી તો ફોટા અને વિડીયો વાયરલ કરી દઇશ તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ વ્હોટ્સએપ મારફત ગાળો આપી ધમકી આપી હતી અને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી હતી.

ફરિયાદમાં જણાવાયું છે કે મિત્રતા થઇ ત્યારે જ પોતે અનુસુચિત જ્ઞાતિની હોવાનું અંકિતને જણાવી દીધુ હતું. આમ છતાં તેણે પોતે લગ્ન કરી લેશે તેવું વચન આપી વિશ્વાસ સ્થાપિત કર્યા બાદ જીમ ખાતે મળવા બોલાવી બળજબરી આચરી લીધી હતી. એ-ડિવીઝન પી.આઇ. એન. કે. જાડેજા, રણજીતસિંહ ઝાલા, વિજયસિંહ જાડેજાએ ગુનો દાખલ કરતાં એસીપી એસસીએસટી સેલની રાહબરીમાં વિશેષ તપાસ થઇ રહી છે.

(12:50 pm IST)