Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

સ્ટરલીંગ હોસ્પિટલ પાછળનો રોડ બન્યો જાહેર કચરા પેટી !!

રાજકોટઃ ૧૫૦ ફૂટ રોડ ઉપર આવેલ સ્ટરલીંગ હોસ્પિટલ પાછળના ધર્મેશ્વર મહાદેવ મંદિરથી નાણાવટી ચોક તરફના રાધીકા પાર્કવાળા રોડને આસપાસના રહીશોએ જાહેર કચરા પેટી જાણે હોય તેમ સાંજના ૭થી રાત્રીના ૧૧ સુધીમાં ગમે તેવો કચરો નાખી જાય છે. આવી રીતે બે ત્રણ દિવસનો કચરો ભેગો થયા પછી માથુ ફાટી જાય તેવી દુર્ગંધ આવે છે. લોકોને અહીંથી નિકળતા સમયે મોઢે રૂમાલ રાખવો પડે છે. આ પરિસ્થિતિનો સાચો ખ્યાલ મેળવવા મ્યુ. કોર્પો.ના અધિકારીઓ - પદાધિકારીઓએ વહેલી સવારે પદયાત્રા કરવી જોઈએ. આ રોડ પર એકઠો થતો કચરો આઠેક દિવસે મ્યુ. કોર્પોરેશનના કોન્ટ્રાકરો ઉપાડવા આવે છે ત્યારે લગભગ એકાદ ટ્રક જેટલો થાય છે. કચરો ઉપડી ગયા પછી વધીને બે થી ત્રણ દિવસમાં જ ફરી એટલો કચરો ભેગો થઈ જાય છે. આ સીલસીલો છેલ્લા એકાદ વર્ષથી ચાલુ છે. પહેલા અહી રાધિકા પાર્કવાળા રોડ પર કચરા પેટી હતી કચરા પેટી ઉપડી ગયા પછી પણ હવે લોકો જૂની ટેવ મુજબ અહી રોડ પર કચરો નાખી જાય છે. આ બાબતે કોર્પોરેશનને દોષ દેવો ઉચીત નથી. આ રોડ પર આમ તો જોઈએ તો ધરમનગર આવાસ યોજના, રાધીકા પાર્ક, રવિ રેસીડન્સી વિસ્તારના લોકો ઉપરાંત ઘણા ખાનપાનના ધંધાર્થીઓ, લીલા નાળીયેર વેચતા રેકડી - રીક્ષા ચાલકો તથા ચાની લારીવાળા ચાની ભૂકી જેવો કચરો નિયમીત રાત્રીના સમયે નાખી જાય છે. આ કાયમી સમસ્યાના નિરાકરણ માટે કોર્પોરેશને કચરા પેટી મુકવી જોઈએ. વિકલ્પે સાંજના સમયે ફરી એકવાર ટીપરવાન દ્વારા કચરો લેવાની પ્રથા ચાલુ કરવી જોઈએ. આ વિસ્તારમાં લગભગ ૧૦૦૦થી ૧૨૦૦ મકાનો હશે એટલે કચરો વધુ નીકળે છે અથવા કોર્પોરેશનના સેનીટરી ઈન્સ્પેકટરોએ દિવસ દરમિયાન બે ત્રણ વખત ઈન્સપેકશન કરવુ જોઈએ. જો ઈન્સપેકશન દરમિયાન કોઈ કચરો નાખતા ઝડપાઈ તો આકરો દંડ કરવો જોઈએ અથવા થોડા સમય માટે બીઆરટીએસ રૂટની જેમ ચોકીદાર બેસાડી શકાય અથવા રોડને સીસીટીવી કેમેરા મુકીને સુરક્ષીત કરવો જોઈએ જેથી લોકોને કચરો નાખતા અટકાવી શકાય. આ સ્થળે રોડ પર ગંદકીની પરાકાષ્ટા કેટલી હદે વધી છે તે ઉપરોકત તસ્વીરો પરથી નજરે પડે છે. અહીં નિયમીત પ્લાસ્ટિક ખાઈને ગૌમાતા જીવન ગુજરતા હોવાનુ સ્પષ્ટ થાય છે.

(3:47 pm IST)