Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

સામા કાંઠે અર્બુદા સેલ્સમાંથી ૧૧ લાખની ચોરીઃ બે ઓળખાયા

મુળ બનાસકાંઠાના જીવણભાઇ ચોૈધરીની દૂકાનમાંથી હાથફેરોઃ બીજી બે દૂકાન ભગત સેલ્સ અને અંબિકા સેલ્સમાં ચોરીનો પ્રયાસ :ચંપકનગરમાં બનાવઃ રાત્રે બે વાગ્યા આસપાસ ઉપરના ભાગના દરવાજાનું તાળુ તોડી અંદર ઘુસ્યાઃ મુકેશ ઠાકોર અને જેન્તી ઠાકોર નામના બે કારીગરોની શોધખોળઃ એક શખ્સ અગાઉ અર્બુદામાં કામ કરી ગયો હોઇ ભુગોળથી પરિચીત હતોઃ ગણેશીયાથી તાળુ તોડ્યું: સીસીટીવીમાં બંને કેદ : વેપારીઓને ચુકવવા માટે ૧૫ લાખની લોન લીધી'તીઃ ૪ લાખ ચુકવી દેવાયા હતાં અને બાકીના ૧૧ લાખ ડ્રોઅરમાં પડ્યા હોઇ હાથફેરો થઇ ગયોઃ શકમંદને પકડવા ટીમ બનાસકાંઠા તરફ રવાના

જ્યાં ચોરી થઇ તે શો રૂમ તથા બીજી દૂકાનોમાં પ્રયાસ થયો તે અને નીચેની તસ્વીરોમાં તસ્કર ગણેશીયા સાથે તથા તાળુ તોડતો અને પૈસા ભેગા કરતો સીસીટીવી ફૂટેજમાં દેખાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૦: સામા કાંઠે સંત કબીર રોડ ચંપકનગરમાં ઇમિટેશન જ્વેલરીના શો રૂમમાં રાત્રીના સમયે બે તસ્કર ઉપરના માળના દરવાજાના નકુચા ગણેશીયાથી તોડી અંદર પ્રવેશી ૧૧ લાખની રોકડ ચોરી જતાં સનસનાટી મચી છે. આ ચોરીમાં અગાઉ આ શો રૂમમાં કામ કરી ચુકેલો બનાસકાંઠા ભાભોરનો શખ્સ અને તેનો મિત્ર સામેલ હોવાની વિગતો સીસીટીવી ફૂટેજને આધારે ખુલતાં પોલીસની ટૂકડી બંનેને શોધવા ભાંભોર તરફ રવાના થઇ ગઇ છે. અન્ય બે દૂકાનમાં પણ ચોરીનો પ્રયાસ થયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબી રોડ પર રાજલક્ષ્મી સોસાયટી પાસે આસોપાલવ બંગલોમાં રહેતાં અને ચંપકનગરમાં કબીર કોમ્પલેક્ષ પાછળ અર્બુદા સેલ્સ નામે ઇમિટેશન જ્વેલરીનો શો રૂમ ધરાવતાં જીવણભાઇ ગણેશભાઇ ચોૈધરી (મુળ બનાસકાંઠા)એ પોતાના શો રૂમમાં ચોરી થયાની જાણ કરતાં બી-ડિવીઝનના પી.આઇ. આર. એસ. ઠાકર અને ટીમ દોડી ગઇ હતી.

પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં શો રૂમ માલિકે ૧૧ લાખની રોકડ ચોરાઇ ગયાની અને જેણે ચોરી કરી છે એ શખ્સો ઇમિટેશનના જ કારીગર બનાસકાંઠા ભાંભોરના મુકેશ ઠાકોર તથા જેન્તી ઠાકોર હોવાનું કહેતાં પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતાં રાત્રે બે વાગ્યે શો રૂમ ઉપરના માળેથી બુકાનીધારી શખ્સ દરવાજાનું તાળુ ગણેશીયાથી તોડતો અને બીજો શખ્સ બહાર ઉભેલો જોવા મળતાં પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

બંને તસ્કરો જીવણભાઇના શો રૂમમાંથી ૧૧ લાખની રોકડ ચોરી ગયા છે. આ રકમ વેપારીઓને ચુકવવા માટે રાખી હતી. તા. ૪ના રોજ જીવણભાઇએ ચુકવણા માટે ૧૫ લાખની લોન લીધી હતી. જે પૈકી ચાર લાખ ચુકવાઇ ગયા હતાં અને બાકીના ૧૧ લાખ લોક કર્યા વગર ડ્રોઅરમાં જ રાખ્યા હતાં. ચોરી કરનાર પૈકી એક શખ્સ અગાઉ અહિ કામ કરી ગયો હોઇ અંદર કઇ રીતે જવાય અને પૈસા કયાં રખાતા હોય છે તેનાથી વાકેફ હતો. આ બંનેએ બાજુની બીજી બે દૂકાનો ભગત અને અંબિકા સેલ્સમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો.

એસીપી બી. બી. રાઠોડ, પી.આઇ. આર. એસ. ઠાકર, પીએસઆઇ એમ. એફ. ડામોર, પીએસઆઇ એમ. એમ. ઝાલા, હેડકોન્સ. વિરમભાઇ ધગલ, એભલભાઇ બરાલીયા, મહેશભાઇ ચાવડા, કિરણભાઇ, મનોજભાઇ, કેતનભાઇ, વિજયગીરી સહિતની ટીમે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. ચોરી કરનારા તેના વતન તરફ ભાગી ગયાની માહિતી મળતાં પોલીસની એક ટૂકડી તે તરફ દોડી ગઇ છે. (૧૪.૧૧)

(3:47 pm IST)