Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

રાજકોટ જિલ્લામાં પુર સંરક્ષણ માટે ૨.૯૪ કરોડ રૂપિયા મંજુર : ગામોમાં પાણી ઘુસતા રોકાશે

  રાજકોટ તા. ૧૦ : નર્મદા,જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ દ્રારા રાજકોટ જિલ્લાના ગામો માટે ૮ પુર સંરક્ષણ દીવાલ બનાવવા રૂ.૨૯૪.૨૯ લાખની રકમને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્‍યો તથા આગેવાનો તરફથી પોતાના વિસ્‍તારના ગામોમાંથી આવેલ રજૂઆતના પગલે જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદેરે ગુજરાતના મુખ્‍યમંત્રી અને જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલને તથા રાજકોટના પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણીની આગેવાનીમાં પુર સંરક્ષણ દીવાલ બનાવવા માટેની રજુઆત કરવામાં આવી હતી,જેને ધ્‍યાને રાખીને ગુજરાત સરકારે રાજકોટ જિલ્લાના વિવિધ ગામો માટે ૮ પુર સંરક્ષણ દીવાલને મંજૂરી આપી છે.
જેમાં રાજકોટ તાલુકા ગઢકા ગામ માટે રૂ.૩૪.૪૪ લાખ,બેડલા ગામ માટે રૂ.૪૯.૫૫ લાખ,ગોંડલ તાલુકાના ધૂડસીયા ગામ માટે રૂ.૪૫.૪૨ લાખ,રાણસીકી ગામ માટે રૂ.૭૩.૯૧ લાખ,આંબરડી ગામ માટે રૂ.૪૬.૧૯ લાખ,ઉપલેટા તાલુકાના ખાખીજાળીયા ગામ માટે રૂ.૩૦.૦૮ લાખ અને જસદણ તાલુકાના દેવપરા ગામ માટે રૂ.૧૪.૭૦ લાખની રકમ મંજુર કરવામાં આવી છે,આ ગામોમાં પુર સંરક્ષણ દિવાલ બનવાથી ચોમાસા દરમિયાન વરસાદી પાણી ગામમાં ઘુસી જવાની તથા જમીન ધોવાણની નુકશાન કારક સ્‍થિતિ સર્જાય છે તેમાંથી ગ્રામજનોને રાહત મળશે.
જિલ્લા પંચાયત પ્રમુખની રજુઆત બાબતે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા અને પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, પ્રદેશ ભાજપના ઉપાધ્‍યક્ષ ડો.ભરતભાઇ બોધરા, ધારાસભ્‍યો તથા  જિલ્લા ભાજપ પ્રમુખ  મનસુખભાઈ ખાચરીયા તથા સંગઠનના હોદેદારોએ પણ સરકાર સમક્ષ ભલામણ કરી હોવાથી  ભુપત બોદર,ઉપપ્રમુખ સવિતાબેન વાસાણી, કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા, શાસક પક્ષ નેતા વિરલભાઈ પનારા તથા  દંડકઅલ્‍પાબેન મુકેશભાઈ તોગડીયા અને વગેરેએ આભાર માન્‍યો છે.

 

(3:38 pm IST)