Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

કાલે ડયુએથલોન''૨૨ : રનીંગ-સાયકલીંગ-રનીંગની અનોખી રેસ

‘ફીટ રાજકોટ'ના સંદેશ સાથે રાજકોટ રનર્સ એસોસીએશનનું સુંદર આયોજન : ૩૪૩ સ્‍પર્ધકો ૩૪ કિલોમીટરનું અંતર કાપશેઃ રેસકોર્ષથી પ્રારંભ થઇ રેસકોર્ષમાં પુર્ણાહુતી

રાજકોટ રનર્સ એસોસીએશન દ્વારા સતત બીજા વર્ષે ડયુએથલોનનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ અનોખી રેસનું આમંત્રણ ‘અકિલા'ના મોભી કિરીટભાઇ ગણાત્રાને આપવા એસોસીએશનના સભ્‍યો અકિલાની મુલાકાતે આવ્‍યા ત્‍યારે શહેરના લોકોને ચુસ્‍ત અને ફીટ બનાવવાના ધ્‍યેય સાથે આગળ વધતા રનર્સ એસોસીએશનના પુનીત કોટક, ડો.દેવેન્‍દ્ર રાખોલીયા અને ડો.દિપ્‍તી મહેતાએ સ્‍પર્ધાની વિગતો વર્ણવી હતી ત્‍યારે અકિલાના સિનીયર પત્રકાર જયદેવસિંહ જાડેજા પણ નજરે પડે છે. (ફોટોઃ સંદીપ બગથરીયા)
રાજકોટ,તા., ૧૦: રાજકોટ રનર્સ એસોસીએશન દ્વારા ૧૧ સપ્‍ટેમ્‍બર ૨૦રર, રવિવારના રોજ રાજકોટમાં સૌપ્રથમ વખત ડયુઆથલોન રર (રનીંગ - સાયકલીંગ -- રનીંગ) ઈન્‍ટરનેશનલ સ્‍પ્રિન્‍ટ ડિસ્‍ટન્‍સ મુજબનું વિશિષ્ઠ આયોજન કરવામાં આવ્‍યું છે.
ડયુઆથલોનમાં રનીંગ-સાયકલીંગ અને રનીંગ આ પ્રકારની રેસ હોય છે. જેમાં ઈન્‍ટરનેશનલ રૂલ્‍સ મુજબ સ્‍પર્ધકે પ્રથમ ૫.૮૭ કિ.મી. રનીંગ કરવાનું હોય છે. રનીંગ પૂર્ણ થાય એટલે તરંત ૨૬.૦ કિ.મી. સાયકલીંગ કરવાનું હોય છે. સાયકલીંગ પૂર્ણ થાય એટલે ફરી ૨.૮૬૭ કિ.મી. રનીંગ કરવાનું હોય છે. આ ત્રણેય રેસ સૌપ્રથમ પૂર્ણ કરે તેને વિજેતા જાહેર કરવામાં આવશે.
આ સ્‍પર્ધા કુલ પાંચ વિભાગમાં વહેંચવામાં આવી છે. ૧૮ થી ૪૫ વર્ષ સુધીના પુરૂષ સ્‍પર્ધકો, ૪પ થી વધુ ઉંમરના પુરૂષ સ્‍પર્ધકો, ૧૮ થી ૪૫ વર્ષની મહિલા સ્‍પર્ધકો, ૪પ વર્ષથી વધુ ઉમરની મહિલા સ્‍પર્ધકો તથા રનર અને સાયકલીંગ-સ્‍પર્ધકોની ટીમ ઈવેન્‍ટ જેમાં એક સ્‍પર્ધક રનીંગ કરશે અને બીજો સ્‍પર્ધક સાયકલીંગ કરશે.
તા. ૧૧ સપ્‍ટેમ્‍બર ૨૦૨૨ ને રવિવારે સવારે  પ.૩૦ થી ૮ .૩૦ દરમ્‍યાન બાલભવન ગેઈટ, રેસકોર્ષ રીંગ રોડ ખાતેથી આ સ્‍પર્ધા શરૂ થશે. સ્‍પર્ધાની શરૂઆતમાં સ્‍પર્ધકે રેસકોર્ષ રીંગ રોડ ફરતા બે ચકકર દોડીને પૂર્ણ કરવાના રહેશે. જે અંતર પ. ૬૭ કિં.મી. થવા જાય છે. ત્‍યારબાદ તુરંત સ્‍પર્ધકે સાયકલીંગ શરૂ કરવાનું રહેશે. જે બાલભવન ગેઈટ થી શરૂ કરી રોટરી સર્કલ રીંગ રોડ થી જામનગર રોડ પર જવાનું અને ખંઢેરી સ્‍ટેડીયમ થી યુ-ટર્ન લઈને પરત  બાલભવન ગેઈટ પર આવી જવાનું છે. આશેર ૨૬ કિ.મી. જેટલું અંતર થવા જાય છે. ત્‍યારબાદ તુરંત સ્‍પર્ધકે રેસકોર્ષ રીંગ રોડ ફરતા એક ચકકર દોડીને પૂર્ણ કરવાનું રહેશે. જે આશરે ૨.૬૭ કિ.મી. થવા જાય છે. આ પ્રકારે પહેલા, દ્વિતીય અને તળતિય સ્‍પર્ધા પૂર્ણ કરનાર સ્‍પર્ધક વિજેતા જાહેર થશે.
વિશેષ માહિતી આપતા રાજકોટ રનર્સના પ્રેસીડેન્‍ટ ડો. દેવેન્‍દ્ર રાખોલીયાએ જણાવ્‍યું હતું કે, આ સ્‍પર્ધામાં ૩૪૩ કરતા વધારે સ્‍પર્ધકો ભાગ લેવાના છે. જેમાં રાજકોટ અને અન્‍ય શહેર જેવા કે ગોંડલ, જામનગર, પોરબંદર, જુનાગઢથી પણ સ્‍પર્ધકો જોડાઈ રહયાં છે. અમારા મત મુજબ આટલી બહોળી સંખ્‍યામાં ભાગ લઈ રહયા હોય તેવી આ પહેલી ઈવેન્‍ટ હશે. તેઓએ વધુમાં જણાવ્‍યું હતું કે રાજકોટ અને રાજકોટ રનર્સ એસોસીએશન માટે ગર્વની વાત છે કે સમગ્ર ભારતમાં આ સૌથી વધારે સ્‍પર્ધકોવાળી આ પહેલી ડયુઆથલોન યોજાઈ રહી છે.
આ સ્‍પર્ધામાં મુખ્‍ય મહેમાન તરીકે રાજકોટ જીલ્લા કલેકટર તંત્ર, રાજકોટ મ્‍યુનિસીપલ કોર્પોરેશન, રાજકોટ શહેર અને જીલ્લા પોલીસ તંત્રના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્‍થિત રહેશે.
આ ડયુઆલથોનમાં ભાગ લેવા માટે રજીસ્‍ટ્રેશન કરાવવું  ફરજીયાત  છે. રજીસ્‍ટ્રેશન કરાવનાર દરેક સ્‍પર્ધકને ટી-શર્ટ, ફીનીશર મેડલ તથા અલ્‍પાહાર આપવામાં આવશે. દરેક વિભાગમાં પહેલા ત્રણ વિજેતાઓને પુરસ્‍કાર આપવામાં આવશે તથા ફીનીશર્સ વચ્‍ચે લકકી ડ્રો કરી ૪૦ આકર્ષક ઈનામો આપવામાં આવશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રોજેકટ ટીમ પુનિત કોટક, રવિ ગણાત્રા, નિતા મોટલા, મિલન કાચા, ડો. દેવેન્‍દ્ર રાખોલીયા, ડો. દિપ્તી મહેતા ભારે જહેમત ઉઠાવી રહયાં છે.

 

(3:27 pm IST)