Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

વિજયભાઇ નવી રાજકીય ભૂમિકામાં: પંજાબમાં પડકારરૂપ કામગીરી

ગુજરાતમાં રાજકીય પૂર્ણાહુતિ તરફ પણ કોર ગ્રુપમાં હાલ જવાબદારી યથાવતઃ પંજાબ સરકારની નબળાઇઓ જાણી ગુજરાતના પ્રચારમાં ઉપયોગી મુદ્દા આપવાની તક

રાજકોટ તા.૧૦ : ગુજરાત ભાજપના અગ્રણી વિજયભાઇ રૂપાણીને પાર્ટીએ મુખ્‍યમંત્રી પદેથી મુકત કર્યા બાદ બરાબર એક વર્ષે પંજાબ અને ચંદીગઢના પ્રભારી તરીકે જવાબદારી સોપી છે. અન્‍ય રાજયના પ્રભારી તરીકે તેમની પ્રથમ વખત વરણી થઇ છે. ગુજરાતમાં અત્‍યારે ભાજપ સામે જોરશોરથી મેદાને આવેલા દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના ગઢ ગણાતા પંજાબમાં ભાજપે તેમને પડકારરૂપ કામ સોપ્‍યું છે. તેમણે ગુજરાતના બદલે હવે પંજાબમાં ધયાન કેન્‍દ્રીત કરવું પડશે.
એક સમયે પંજાબમાં ભાજપ અને અકાલીદાળની સંયુકત સરકાર હતી. ગયા માર્ચમાં ત્‍યાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ૧૧૭ પૈકી ૯ર બેઠકો મેળવી આમ આદમી પાર્ટીની સરકાર બની છે. ત્‍યાં કોંગ્રેસ બીજા ક્રમે, અકાલીદળ ત્રીજા ક્રમે છે. ભાજપ માત્ર બે બેઠકો સાથે ચોથા ક્રમે છે. લોકસભાની ૧૩ પૈકી ભાજપ પાસે પંજાબ-ચંદીગઢમાં માત્ર ૩ બેઠકો છે. જયાં ભાજપની સ્‍થિતિ અત્‍યારે એકદમ નબળી છે તેવા રાજયમાં પ્રભારી તરીકે કેન્‍દ્રીય નેતાગીરીએ વિજયભાઇની પસંદગી કરી છે. રાજયના પ્રભારીઓની નિમણૂક રાષ્‍ટ્રીય પ્રમુખ કરતા હોય છે એટલે તેઓ રાષ્‍ટ્રીય ટીમના ભાગ બન્‍યા છે. તેમ અર્થઘટન થઇ શકે. ર૦ર૪ ની લોકસભાની ચૂંટણીમાં ભાજપની બેઠકો વધારવા માટે વિજયભાઇએ પોતાના સંગઠન ક્ષેત્રના બહોળા અનુભવનો ઉપયોગ કરવાનો રહેશે.
રાજયના પ્રભારી તરીકે કામકાજના દિવસો મર્યાદિત હોય છે. વિજયભાઇ ગુજરાતમાં ભાજપ સંસદીય બોર્ડ અને કોર ગ્રુપના સભ્‍ય છે. રાજયમાં વિધાનસભાની ચૂંટણી ગાજી રહી છે. તેથી પંજાબના પ્રભારી ઉપરાંત તેમની ગુજરાતની હાલની જવાબદારી યથાવત રહેશે તેમ પાર્ટીના વર્તુળો જણાવે છે. તેઓ પંજાબની આપ સરકારની નબળાઇઓ જાણી ગુજરાતમાં તેના પ્રચાર માટે ઉપયોગી માહિતી પૂરી પાડી શકે. રાજકારણમાં ગમે ત્‍યારે ગમે તે સમીકરણો બદલાતા રહેતા હોય છ.ે પણ હાલ રાજયના પૂર્વ મુખ્‍યમંત્રીને પંજાબમાં સંગઠનની જવાબદારી સોપવાની ઘટનાને રાજકીય સમીક્ષકો જુદી જુદી રીતે મૂલવી રહ્યા છે.

 

(3:22 pm IST)