Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

ભગવાન શિવજીને ઉતારી પાડવાનો પ્રયાસ કરનારા આનંદસાગર સ્‍વામિ સામે કાયદાનું ત્રિશુલ ઉગામાયું: પોલીસે ગુનો નોંધ્‍યો

વલ્લભ વિદ્યાનગરના બાકરોલ ગામના આત્‍મિય વિદ્યાધામના સ્‍વામિએ કરેલા પ્રવચન મામલે બે-ડિવીઝન પોલીસે કરી કાર્યવાહીઃ ગઇકાલે જ બ્રહ્મ સમાજના આગેવાન મિલન શુક્‍લ, મહિલા કોંગી અગ્રણી શ્રીમતિ ગાયત્રીબા વાઘેલા સહિતે પોલીસ કમિશનરને કરી હતી રજૂઆત

રાજકોટ તા. ૧૦: વલ્લભ વિદ્યાનગરના બાકરોલ ગામના આત્‍મિય વિદ્યાધામના આનંદસાગર સ્‍વામિએ પોતાના કોઇપણ જગ્‍યાએ કરેલા એક પ્રવચનમાં હિન્‍દુ ધર્મના ભગવાન શિવજીને ઉતારી પાડવાની ગણતરી સાથે સનાતન ધર્મની લાગણીઓને આઘાત પહોંચાડવાના હેતુપુર્વક અને દ્વેષપુર્ણ ઇરાદાથી પ્રવચનમાં બોલી હિન્‍દુ ધર્મની ધાર્મિક માન્‍યતાઓનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો હોઇ અને પોતાના ધર્મને સારો કહેવા પ્રવચન કર્યુ હોઇ આ સ્‍વામિ વિરૂધ્‍ધ બી-ડિવીઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે.

આ બનાવમાં પોલીસે મોરબી રોડ જકાતનાકા પાસે જમના પાર્ક મેઇન રોડ પર શિવકૃપા ખાતે રહેતાં અને સોૈરાષ્‍ટ્ર કચ્‍છ બ્રહ્મ સમાજના ટ્રસ્‍ટી તથા બ્રહ્મદેવ સમાજના રાષ્‍ટ્રીય મહાસચીવ તરીકે કામ કરતાં મિહિરભાઇ ઉર્ફ મિલનભાઇ રમેશભાઇ શુક્‍લ (ઉ.વ.૪૩)ની ફરિયાદ પરથી આણંદના વલ્લભ વિદ્યાનગરના બાકરોલ ગામના આત્‍મિય વિદ્યાધામ ખાતે રહેતાં આનંદસાગર સ્‍વામિ વિરૂધ્‍ધ આઇપીસી ૨૯૫ (ક) મુજબ ગુનો નોંધ્‍યો છે.

મિહિરભાઇ ઉર્ફ મિલનભાઇ આજીડેમ ચોકડી પાસે ઓટો પાર્ટસની દૂકાન ચલાવે છે અને બ્રહ્મસમાજની અલગ અલગ સંસ્‍થાઓમાં હોદ્દો ધરાવે છે. તેણે ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું તા. ૬/૯ના સાંજે ઘરે હતો ત્‍યારે મોબાઇલ વ્‍હોટ્‍સએપમાં અમારા સમાજના ગ્રુપમાં સમાજના લોકોએ એક વિડીયો મોકલ્‍યો હતો. જેમાં આનંદસાગર સ્‍વમિ કે જેઓ અગાઉ સ્‍વામિનારાયણ સંપ્રદાય હરિધામ સોખડામાંથી છુટા પડેલા છે તે પ્રવચન આપતાં જોવા મળ્‍યા હતાં.

તેઓ પ્રવચનમાં બોલે છે કે-‘આત્‍મિય વિદ્યાધામની ધરતી પર એક દિકરો રહે છે  નિશિત એનું નામ છે અને કચ્‍છનો છે. જ્‍યારથી તે વીડી પર રહેવા આવ્‍યો છે ત્‍યારથી તેને ગુરૂ હરિ પ્રભુ સ્‍વામિજીએ અઢળક દર્શન આપેલ છે. કદાચ આખુ પુસ્‍તક ભરાય તેટલા તેના અનુભવો અને દર્શન છે. એમાં ગયા મહિને થોડા દિવસ પહેલા જ તેને પ્રભુ સ્‍વામિજીએ દર્શન આપ્‍યા, આત્‍મિય વિદ્યાધામની ધરતી પર પ્રભુ સ્‍વામિજી એના રૂમ પર હતાં અને નિશિતભાઇને બોલાવ્‍યા અને કીધુ કે જા વીડીના મેઇન ગેઇટ પાસે જા બીજી કોઇ આજ્ઞા હતી નહિ. તેથી નિશીતભાઇ તે મેઇન ગેઇટ પાસે ગયા તો ગેઇટ બંધ હતો અને ગેઇટની બહાર શિવજી ઉભા હતાં. નિશીતભાઇએ પ્રોપર મને વર્ણન કર્યુ કે-આપણે પીચરમાં પ્રોપર જોઇએ એ રીતે શિવજી જટાવાળા, નાગ-બાગ વિટેલો, રૂદ્રાક્ષ પહેરેલી, ત્રિશૂલ હાથમાં બધીજ પ્રોપર્ટીની ીસાથે વ્‍યવસ્‍થિત ઉભેલા હતાં. પછી નિશીતભાઇએ પ્રાર્થના કરી કે આપ અહિયા સુધી આવ્‍યા છો તો અંદર પધારો તો પ્રભુ સ્‍વામિજીને પણ આપના દર્શન થઇ જાય. ત્‍યારે શિવજીએ એમને કીધુ કે પ્રભુ સ્‍વામિના દર્શન મને થાય એવા મારા પૂણ્‍ય જાગૃત નથી થાય પણ મને તમારા દર્શન થઇ ગયા એ મારા અહોભાગ્‍ય છે. એમ કહી એટલુ વાક્‍ય બોલી શિવજી તે યુવક નિશીતભાઇના ચરણ સ્‍પર્શ કરી ત્‍યાંથી જતા રહ્યા હતાં. તો એવી પ્રાપ્‍તી આપણને સોૈને થાય છે એટલે આ અવસર અણમોલ છે આવો અવસર ફરી આવી નહિ શકે અને છેલ્લું...' આ પ્રકારનું પ્રવચન આનંદસાગરની વિડીયો ક્‍લીપમાં છે.

 મિહિરભાઇ ઉર્ફ મિલનભાઇએ ફરિયાદમાં વધુમાં જણાવ્‍યું છે કે આ વિડીયો ક્‍લીપ અમારા સમાજના જશ્‍મીનભાઇ માઢક, વિરલભાઇ દવે, હાર્દિકભાઇ પાઠક, નિરજભાઇ જોષી, સમીરભાઇ પંડયા, આનંદભાઇ પુરોહિત, વિપુલભાઇ જાની, જીજ્ઞેશભાઇ ત્રિવેદી, મનોજભાઇ રાજગોર સહિતને પણ વ્‍હોટ્‍સએપમાં મળી છે અને આ બધા સાથે મારે ક્‍લીપ બાબતે વાત થઇ છે. આનંદસગાર સ્‍વામિ વલ્લભ વિદ્યાનગરના આત્‍મિય વિદ્યાધામ બાકરોલ ગામે રહે છે. તેણે કોઇપણ જગ્‍યાએ કરેલા પ્રવચનમાં હિન્‍દુ ધર્મના ભગવાન શિવજીને ઉતારી પાડવાની ગણતરી સાથે સનાતન ધર્મની લાગણીઓને આઘાત પહોંચડવાના હેતુપુર્વક અને દ્વેષપુર્ણ ઇરાદાથી પ્રવચનમાં બોલીને ધાર્મિક માન્‍યતાઓનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો છે અને પોતાના ધર્મને સારો કહેવા પ્રવચન કર્યાની વાત કરી છે. તેની સામે મારી ફરિયાદ છે. તેમ મિહિરભાઇ ઉર્ફ મિલનભાઇએ જણાતાં એએસઆઇ એસ. કે. ડામોરે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનિય છે કે ગઇકાલે જ આ મામલે મિલનભાઇ શુક્‍લ, શ્રીમતિ ગાયત્રીબા વાઘેલા સહિતે પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવને આ મામલે અગાઉ થયેલી અરજીને આધારે ગુનો નોંધવા રજૂઆત કરી હતી. તેમણે બે કલાકમાં કાર્યવાહીની ખાત્રી આપી હતી અને બપોર બાદ બી-ડિવીઝનમાં ગુનો દાખલ થયો હતો.

(2:13 pm IST)