Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

કુવાડવા પાસે મોડી રાત્રે કાર ઉલળીને રોંગ સાઇડમાં ઉભેલા ટ્રક સાથે અથડાતાં બૂકડોઃ બે મિત્રના મોત

પેડક રોડ પર રહેતાં બે મિત્રો ભગવાન મરાઠી અને મિતેશ બાવાજી ચોટીલાથી રાજકોટ તરફ આવતાં હતાં ત્‍યારે બંનેને કાળ ભેટયો : ભગવાન મુળ મહારાષ્‍ટ્રનો વતની, તેની પત્‍નિ સગર્ભા છેઃ મિતેશ ત્રણ બહેનનો એકનો એક ભાઇઃ બંને ઇમિટેશનની મજૂરી કરતાં હતાં: ગાય આડી આવતાં ચાલકે કાબૂ ગુમાવ્‍યો અને કાર ફૂટબોલની જેમ ઉછળી રોંગ સાઇડમાં ગઇ : પીઆઇ ભાર્ગવ એમ. ઝણકાટે તત્‍કાલ પહોંચી ટ્રાફિક ક્‍લીયર કરાવ્‍યોઃ ગંભીર રીતે ઘવાયેલા બંનેને રાજકોટ ખસેડવા પ્રબંધ કરાવ્‍યો, પણ અકસ્‍માત એટલો ગંભીર હતો કે બંને બચી શક્‍યા નહિ

અકસ્‍માત કેટલો ગંભીર હશે તે કારની અલગ અલગ તસ્‍વીર જોતાં અંદાજ આવી શકે છે. ઇન્‍સેટમાં બંને મૃતક યુવાન મિતેશ તથા ભગવાન નજરે પડે છે (તસ્‍વીર કુવાડવાથી ભીમજીભાઇ સોઢાએ મોકલી હતી)
રાજકોટ તા. ૧૦: કુવાડવા ગામ પાસે જયહિન્‍દ પેટ્રોલ પંપ નજીક મોડી રાતે બારેક વાગ્‍યે ચોટીલા તરફથી રાજકોટ તરફ આવી રહેલી કાર ફૂટબોલની જેમ ઉલળીને રોંગ સાઇડમાં ઉભેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં કારનો બૂકડો બોલી ગયો હતો અને તેમાં બેઠેલા રાજકોટ પેડક રોડ પર રહેતાં મરાઠી યુવાન અને તેના મિત્ર બાવાજી યુવાનના કમકમાટી ભર્યા મોત નિપજ્‍યા હતાં. બંને રાતે જમવા કે ચક્કર મારવા માટે કાર લઇને નીકળ્‍યા હતાં અને પરત રાજકોટ તરફ આવતી વખતે ઓચીંતી ગાય આડે આવતાં ચાલકે કાબૂ ગુમાવતાં કાર ઉલળીને સામેના રોડ પર ઉભેલા ટ્રક સાથે અથડાઇ હોવાનું જાણવા મળ્‍યું હતું.
પ્રાપ્‍ત માહિતી મુજબ રાજકોટ પેડક રોડ પર રત્‍નદિપ સોસાયટીમાં રહેતો ભગવાન ઉર્ફ સાગર દગડુભાઇ સોનુર (ઉ.૨૩) નામનો મરાઠી યુવાન અને આડા પેડક રોડ પર લાખેશ્વર સોસાયટી-૫માં રહેતો મિતેશ  વિનોદભાઇ સરપદડીયા (ઉ.૨૧) એમ બંને મિત્રો રાત્રીના કાર નં. જીજે૧૨એઇ-૧૭૮૨માં બેસીને નીકળ્‍યા હતાં. એ પછી મોડી રાતે બારેક વાગ્‍યે આ બંને ચોટીલા તરફથી રાજકોટ તરફ આવી રહ્યા હતાં ત્‍યારે કુવાડવા ગામ નજીક જયહિન્‍દ પેટ્રોલ પંપ સામેના હાઇવે પર ચાલકે સ્‍ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતાં કાર ફૂટબોલની જેમ ઉછળી હતી અને રોંગ સાઇડમાં જઇને ઉભેલા ટ્રક સાથે અથડાતાં કારનો બૂકડો બોલી ગયો હતો.
અકસ્‍માતને કારણે રોડ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ ભાર્ગવ એમ. ઝણકાટ અને કરમશીભાઇ સહિતનો સ્‍ટાફ પહોંચ્‍યો હતો અને કારમાં બેઠેલા બંનેને ૧૦૮ મારફત રાજકોટ હોસ્‍પિટલમાં ખસેડવા તથા ટ્રાફિક ક્‍લીયર કરવા તજવીજ કરી હતી. રાજકોટ હોસ્‍પિટલમાં બંનેને પ્રારંભે અજાણ્‍યા યુવાન તરીકે સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યા હતાં. પરંતુ બંનેના મોત નિપજ્‍યા હતાં. એ પછી પીઆઇ ભાર્ગવ ઝણકાટ અને ટીમે તપાસ કરતાં બંનેની ઓળખ થઇ હતી અને તેમના સગાને હોસ્‍પિટલે બોલાવ્‍યા હતાં. ૧૦૮ના ઇએમટી જગદીશભાઇ તથા પાયલોટ જયપાલસિંહે બંને ઘાયલોને રાજકોટ પહોંચાડયા હતાં. જો કે અહિ બંનેના મૃતદેહ જ પહોંચ્‍યાનું તબિબે જાહેર કર્યુ હતું.
વધુ માહિતી મુજબ મૃત્‍યુ પામના ભગવાન ઉર્ફ સાગર દગડુભાઇ સોનુર (મરાઠી) મુળ મહારાષ્‍ટ્રનો વતની હતો. તે ત્રણેક વર્ષથી રાજકોટ સામા કાઠે રહી ઇમિટેશનની ભઠ્ઠીમાં કામ કરતો હતો. તે બે ભાઇમાં નાનો હતો અને તેના લગ્ન થઇ ગયા હતાં. હાલમાં તેની પત્‍નિ સગર્ભા હોઇ તેણીને તે થોડા સમય પહેલા જ વતનમાં મુકી આવ્‍યો હતો. જ્‍યારે તેની સાથે રહેલો મિતેશ તેનો મિત્ર હોવાનું જણાવાયું હતું. મિતેશ તેના માતા-પિતાનો એકનો એક પુત્ર અને ત્રણ બહેનનો એક જ ભાઇ હતો. તે પણ ઇમિટેશનનું કામ કરતો હતો. તેના પિતા પાન મસાલાની ફેરી કરી ગુજરાન ચલાવે છે. બંને મિત્રો રાતે ક્‍યાં ગયા હતાં તે અંગે તેના પરિવારજનો અજાણ છે. ચોટીલા તરફથી આવતાં હોઇ કદાચ જમવા કે આટો મારવા ગયા હોવાની શક્‍યતા છે.
મિતેશના મૃતદેહને અંતિમવિધી માટે ગામડે તેના વતનમાં લઇ જવાયો હતો. એકના એક આધારસ્‍તંભ અને યુવાન દિકરાના મોતથી બાવાજી પરિવારમાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી. મરાઠી યુવાન સગર્ભા પત્‍નિ સહિતના સ્‍વજનોને વિલાપ કરતાં છોડી ગયો હતો. કાર મરાઠી યુવાનની હોવાનું તેના સગાએ જણાવ્‍યું હતું.

 

(11:41 am IST)