Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

સ્વામી વિવેકાનંદના શિકાગો પ્રવચનના ૧૨૫માં વર્ષની ઉજવણી નિમિત્તે

રાજકોટના રામકૃષ્ણ આશ્રમમાં કાલે સાંજે સર્વધર્મ સમન્વય પરિસંવાદ : ભિખ્ખુ પ્રજ્ઞારત્ન,વસંતભાઈ ખોખાણી, બીશપ જોસ, ડો. એમ. કે. કાદરી, ખુશરૂ ડોસાભોય, મનમોહનસિંહ નંદા સર્વધર્મ સમન્વય વિષે ધર્મના વિચારો રજુ કરશે : સર્વધર્મોની પ્રાર્થના પણ યોજાશે

રાજકોટ તા. ૧૦ : સ્વામી વિવેકાનંદજીએ ૧૨૫ વર્ષ પહેલા ૧૮૯૩માં શિકાગોમાં સર્વ પ્રથમ ધર્મ પરિષદમાં અભૂતપૂર્વ વ્યાખ્યાન આપ્યું હતું. તેની ૧૨૫મી જયંતિની ઉજવણીના ભાગરૂપે શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા એક સર્વધર્મ સમન્વય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પરિસંવાદ કાલે તા. ૧૧ ના બુધવારે સાંજે ૭ થી ૯ સુધી વિવેક હોલમાં યોજાશે. જેમાં શહેરના વિવિધ ધર્મના ધર્મગુરુઓ તથા પ્રતિનિધિઓ પોતપોતાના ધર્મમાં સર્વધર્મ સમન્વય વિષે પોતાના વિચારો રજુ કરશે. આ પરિસંવાદ જાહેર જનતા માટે વિનામૂલ્યે યોજાયો છે.

પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રીલીજીઅન્સ અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંયુકત ઉપક્રમે યોજાયેલ યોજાયેલ આ પરિસંવાદનેે પોસ્ટ પાર્લામેન્ટ ઈવેન્ટ રૂપે પરવાનગી આપવામાં આવી છે.

આ સેમિનારના વકતાઓ વિષે માહિતી આપતા શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી એ જણાવ્યુ છે કે આ સર્વધર્મ સમન્વય પરિસંવાદમાં બૌદ્ધ ધર્મના અખિલ ભારતીય ભિખ્ખુ મહાસંઘ ગુજરાત પ્રદેશ મહાસચિવ,ધમ્મ પ્રચારક ભિખ્ખુ પ્રજ્ઞારત્ન, જૈન તત્વ ચિંતક વસંતભાઈ ખોખાણી, સૌરાષ્ટ્ર કચ્છના ખ્રિસ્તી કેથોલિક સંપ્રદાયના ઇન્ચાર્જ અને રાજકોટના  બીશપ જોસ સીએમઆઈ, ડાયોસીસ ઓફ રાજકોટ, સુન્ની મુસ્લિમ સૈય્યદ જમાતના પૂર્વ પ્રમુખ ડો. એમ. કે. કાદરી , જરથોસ્તી પરિવારના સભ્ય ખુશરૂ ડોસાભોય તથા શીખ સંપ્રદાયના મનમોહનસિંહ નંદા વકતવ્ય આપશે.

કાર્યક્રમનો પ્રારંભ વિવિધ ધર્મના પ્રતિનિધિઓ દ્વારા પ્રાર્થનાથી થશે. ઉપરાંત ગત વર્ષે ટોરંટોમાં યોજાયેલી સાતમી પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રીલીજીયનની વિડીયો બતાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સ્વામી વિવેકાનંદે આપેલા એ અભૂતપૂર્વ પ્રવચનને વિશ્વના સર્વશ્રેષ્ઠ પ્રવચનમાં સ્થાન મળ્યું છે. તેમના પ્રવચનનો અંતિમ હિસ્સો વર્તમાન પરિસ્થિતિમાં પણ  સાંપ્રત છે. તેમણે સર્વધર્મ સમન્વય વિષે  કહ્યું હતું કે 'પંથવાદ, ધર્માંધતા અને તેના સંતાન સમુ ધર્મઝનુન' એ સૌએ કયારનોએ આ સુંદર પૃથ્વી ઉપર પોતાનો પગદંડો જમાવ્યો છે.

તેમણે પૃથ્વીને હિંસાથી ભરપૂર કરી દીધી છે. અનેક વખત એને માનવરકતમાં તરબોળ કરી મૂકી છે. સંસ્કૃતિને પાયમાલ કરી છે અને સમસ્ત પ્રજાઓને હતાશામાં હોમી દીધી છે. જો આવા ભયંકર  દૈત્યોનું અસ્તિત્વ ન હોત તો માનવ સમાજે આજના કરતા અનેક ગણી વિશેષ પ્રગતિ સાધી હોત, પણ તેમનો સમય હવે ભરાઈ ચૂકયો છે. અને હું ખરા અંતઃકરણપૂર્વક આશા રાખું છું કે, આ સભાનાં માનમાં આજે સવારે જે ઘંટ વાગ્યા તે ઘંટ દરેક પ્રકારના ધર્મજનૂનનો, કલમ અને તલવારથી ચાલતા તમામ અત્યાચારોનો અને  અસમાન ધ્યેયને પહોંચવા મથતા મનુષ્યો વચ્ચે પ્રવર્તતી તમામ અનુદાર ભાવનાઓનો પણ મૃત્યુઘંટ નીવડી રહે!

(3:35 pm IST)