Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ગુજરાતની ચાર સેન્‍ટ્રલ જેલોના કેદીઓ પણ પર્યુષણ પર્વની હર્ષોલ્લાસ પુર્વક ઉજવણી કરી રહયા છે

વિશ્વના ૫૦ લાખથી વધુ જૈનો સાથે ગુજરાતની સુરત (લાજપોર), સાબરમતી, રાજકોટ અને વડોદરાની સેન્‍ટ્રલ જેલોના ૧૦૦ જેટલા જૈન કેદીઓ પણ જેલ પ્રશાસનની મંજુરીપુર્વક પર્યુષણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરી રહયા છે. ગુજરાત રાજયના જેલ અને સુધારાત્‍મક વહીવટી ખાતા દ્વારા કરૂણા ટ્રસ્‍ટના કાર્યકર જયેશ સંધાણીને પત્ર લખીને ચાર સેન્‍ટ્રલ જેલોમાં પર્યુષણની આરાધના કરાવવા માટેની મંજુરી આપવામાં આવી છે.

સુરતના કરૂણા ટ્રસ્‍ટ દ્વારા ચાર વર્ષથી લાજપોર જેલના જૈન કેદીઓ માટે પર્યુષણની આરાધના કરાવવાનું શરૂ કરવામાં આવ્‍યું હતું. જેમાં જેલના કેદીઓને બે ટાઇમનું પ્રતિક્રમણ, સ્‍નાત્ર મહોત્‍સવ, સામાયિક વગેરે આરાધના કરાવતા હતા. જે કેદીઓ પર્યુષણ દરમિયાન એકાસણાં કે બેસણાં જેવું તપ કરવા માગતા હોય તેમના માટે ટિફિન લઇ જવાની મ઼ંજુરી પણ જેલ પ્રશાસન દ્વારા આપવામાં આવી હતી. લાજપોર જેલના એક કેદી દ્વારા તો ગયાં વર્ષે અઠ્ઠાઇ (આઠ ઉપવાસ) ની તપヘર્યા પણ કરવામાં આવી હતી.

પર્યુષણ દરમિયાન ભગવાન મહાવીરના જન્‍મ વાંચન વખતે જેલમાં સુપનના દર્શન પણ કરાવવામાં આવે છે. સુપન ઝુલાવવા માટે ઉછામણી રૂપિયામાં નહીં પણ કોઇ શુભ સંકલ્‍પના રૂપમાં લેવડાવવામાં આવે છે.

પર્યુષણ દરમિયાન જેલમાં તિર્થકર પરમાત્‍માની મુર્તિ પધરાવીને દેરાસરની સ્‍થાપના પણ કરવામાં આવે છે. જેલના કેદીઓ દ્વારા રોજ સ્‍નાત્ર મહોત્‍સવ પણ ભણાવાય છે. કેદીઓ દ્વારા રોજ પરમાત્‍માની આંગી પણ કરવામાં આવે છે. તેમ આદર્શ ભારત નેટવર્કે જણાવેલ.

 

(5:19 pm IST)