Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

મનહર પ્લોટમાં બે ગઠીયાએ સોની વૃધ્ધા વિજ્યાબેન કછલાના ગળામાંથી ૨ લાખના ચેઇન-કંઠી ખેંચી લીધા

૮૦ વર્ષના વૃધ્ધા પુત્રવધૂ શારદાબેન સાથે પંચનાથ મંદિરે દર્શન કરવા જતા'તાઃ એક શખ્સે સરનામુ પુછ્યું ને બીજાએ ઝોંટ મારી

રાજકોટ તા. ૧૦: રવિવારે સાંજે મનહર પ્લોટમાં લક્ષ્મીવાડીના એંસી વર્ષના સોની વૃધ્ધાના ગળામાંથી કાળા રંગના એકટીવા જેવા વાહન પર આવેલા બે શખ્સો ૮૦ ગ્રામ વજનના રૂ. ૨ લાખના સોનાના કંઠી અને ચેઇન ખેંચી ભાગી જતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

બનાવ અંગે પોલીસે લક્ષ્મીવાડીમાં રહેતાં વિજ્યાબેન આણંદજીભાઇ કછલા (સોની) (ઉ.૮૦)ની ફરિયાદ પરથી એકટીવા જેવા વાહન પર આવેલા આશરે ૨૦ થી ૨૫ વર્ષના બે શખ્સ સામે આઇપીસી ૩૭૯, ૩૫૬, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે. વિજ્યાબેને જણાવ્યા મુજબ તેમના પતિનું બાર વર્ષ પહેલા અવસાન થયું છે. પોતે એકલા લક્ષ્મીવાડી-૧૪માં રહે છે અને સંતાનમાં સાત દિકરા તથા એક દિકરી છે. બધા દિકરા અલગ-અલગ રહે છે. તે અવાર-નવાર તેમના ઘરે આવતા-જતા રહે છે. હાલમાં પોતે મોટા દિકરા ધીરૂભાઇ આણંદજીભાઇ કછલાની સાથે મનહર પ્લોટ-૧ ક્રિષ્ના કોમ્પલેક્ષના ત્રીજા માળે બ્લોક નં. ૬માં રહે છે.

રવિવારે અમાસ હોવાથી વિજ્યાબેને પુત્રવધૂ શારદાબેન ધીરૂભાઇ સાથે પંચનાથ મંદિરે દર્શન કરવા જવાનું નક્કી કર્યુ હતું. આથી તેઓ સાંજે પાંચેક વાગ્યે મનહરપ્લોટ-૧ના ઘરમાંથી બહાર નીકળ્યા હતાં અને રોડ પર શેરીમાં પહોંચ્યા હતાં. ત્યાં જ બે શખ્સ એકટીવા જેવા વાહન પર આવ્યા હતાં અને તેમાંથી એક શખ્સે શારદાબેનને સરનામુ પુછવાને બહાને વાતચીત શરૂ કરી હતી. એ દરમિયાન બીજા શખ્સે વિજ્યાબેનના ગળા પર ઝોંટ મારી ચાર તોલાની સોનાની કંઠી અને ચાર તોલાનો ચેઇન ખેંચી લીધા હતાં અને ભાગ્યા હતાં. વિજ્યાબેન રોડ પર પડી ગયા હતાં. સાસુ-વહુ બંનેએ દેકારો મચાવતાં લોકો ભેગા થઇ ગયા હતાં. ત્યાં પોૈત્ર સુરજભાઇ પણ આવી ગયો હતો અને પોલીસને જાણ કરી હતી. પીએસઆઇ એસ. વી. સાખરા અને ટીમે સીસીટીવી ફૂટેજ ચેક કરવા તજવીજ આદરી છે.

(3:59 pm IST)