Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

પોરબંદરના હસમુખભાઇ મોચીનું રાજકોટ જમાઇના ઘરે પડી જતાં મોતઃ કોઇએ ધક્કો દીધાનો પુત્રીનો આક્ષેપ

સાતમ કરવા આવેલી દિકરી ક્રિષ્નાને રાજકોટ ભગવતીપરામાં સાસરે મુકવા આવ્યા હતાં: ક્રિષ્નાના છુટાછેડાની વાત પણ રાત્રે નક્કી થઇ ગઇ હતીઃ આ બાબતે હસમુખભાઇએ જામનગર રહેતાં મોટા જમાઇ સાથે વાત પણ કરી હતીઃ એ પછી બનાવ બન્યોઃ ફોન પર વાત કરતાં હતાં ત્યારે જ ફળીયામાં પડી ગયાઃ નાક પર મોટો કાપોઃ મોતનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ

રાજકોટ તા. ૧૦: પોરબંદર ખાંટ ચોકમાં રહેતાં અને સોફા સેટ બનાવવાનું કામ કરતાં હસમુખભાઇ કાંતિભાઇ ઝાલા (ઉ.૫૫) નામના મોચી પ્રોૈઢ રવિવારે રાત્રે દસેક વાગ્યે રાજકોટ ભગવતીપરા ઝમઝમ ચોકમાં તેના જમાઇ પ્રકાશ રમેશભાઇ ચુડાસમાના ઘરે હતાં ત્યારે ફળીયામાં ફોન પર વાત કરતાં કરતાં પડી જતાં નાક પર મોટો કાપો પડી જતાં લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. કોઇએ પિતાને ધક્કો દીધાનો દિકરી ક્રિષ્નાબેન પ્રકાશ ચુડાસમાએ આક્ષેપ કરતાં પોલીસે લાશનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ પોરબંદર રહેતાં હસમુખભાઇ ઝાલાને પાંચ દિકરી છે. જે પૈકી એક દિકરી ક્રિષ્નાબેન ભગવતીપરામાં સાસરે છે. ક્રિષ્નાબેનના લગ્ન ચાર વર્ષ પહેલા થયા છે અને સંતાનમાં એક પુત્રી છે. હાલમાં પતિ-પત્નિ વચ્ચે વિખવાદ ચાલતો હોઇ થોડા દિવસ પહેલા તેણીએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. સાતમ કરવા તેણી પોરબંદર માવતરે ગઇ હતી અને ત્રણ દિવસ પહેલા જ પિતા હસમુખભાઇ તેણીને રાજકોટ સાસરે મુકવા આવ્યા હતાં.

પણ દિકરી-જમાઇ વચ્ચે માથાકુટ ચાલતી હોઇ તેઓ રોકાયા હતાં. વાત છુટાછેડા સુધી પહોંચી ગઇ હતી. ગઇકાલે સાંજે જ અમુક રકમ લઇ છુટાછેડા લઇ લેવાનો નિર્ણય કરી લેવાયો હતો. આ બાબતે હમસુખભાઇએ સાંજે જામનગર રહેતાં મોટા જમાઇ પરેશભાઇ સાથે વાત પણ કરી હતી. એ દરમિયાન રાત્રે દસેક વાગ્યે હસમુખભાઇ જમાઇ પ્રકાશ ચુડાસમાના ઘરે ફળીયામાં ફોન પર વાત કરતાં-કરતાં પડી જતાં બધા ઘરમાંથી બહાર દોડી આવ્યા હતાં.

તેઓને નાક પર મોટો કાપો પડી ગયો હતો. લોહી નીકળતી હાલતમાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારાએ  બી-ડિવીઝનમાં જાણ કરતાં એએસઆઇ કયાબેન ચોટલીયા અને કેતનભાઇએ ઘટના સ્થળે તથા હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

હસમુખભાઇ બે બહેનના એક જ ભાઇ હતાં. પત્નિનું નામ રસિલાબેન છે. પોલીસની પ્રાથમિક તપાસમાં હસમુખભાઇ પડી ગયાનું જણાયું છે. પણ દિકરી ક્રિષ્નાબેને તેઓને કોઇએ ધક્કો મારી દીધાનો આક્ષેપ કરતાં પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. (૧૪.૮)

(12:09 pm IST)