Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

રાજકોટ બંધઃ સવારે જ કોંગી આગેવાનો, કાર્યકરોને ઉઠાવી લેવાયા

૮૦ આગેવાનો-કાર્યકરોને ઘરેથી તેમજ બંધ કરાવવા નીકળ્યા ત્યારે પોલીસે અટકાયત કરી લીધી :મહેશ રાજપૂત, અશોક ડાંગર, જસવંતસિંહ ભટ્ટી, સતુભા જાડેજા,દિનેશ ચોવટીયા, રણજીત મુંધવા, યુથ કોંગ્રેસના જયકિશનસિંહ ઝાલા, આદિત્યસિંહ ગોહિલ, ભરતસિંહ જાડેજા સહિતની અલગ-અલગ જગ્યાએથી અટકાયત કરી ક્રાઇમ બ્રાંચ અને હેડકવાર્ટર ખાતે નજરકેદ રખાયા

રાજકોટ,તા.૧૦: કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવ વધારાને અનુસંધાને આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ શહેરમાં બંધને સફળ બનાવવા વહેલી સવારથી જ કોંગી આગેવાનો કાર્યકરો બંધની અપીલ કરવા નીકળી પડ્યા હતાં. રાતથી જ પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હોઇ ઠેર-ઠેર ચાંપતી નજર રાખી હતી. સવારે જ પોલીસે જુદા-જુદા વિસ્તારોમાંથી કોંગી આગેવાનો, કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. અમુકને ઘરેથી ઉઠાવી લેવાયા હતાં તો અમુક બંધ કરાવવા નીકળ્યા ત્યારે અટકાયતમાં લઇ લેવાયા હતાં. સવારના દસ સુધીમાં ૩૫ જેટલાની અટકાયત કરી ક્રાઇમ બ્રાંચ, હેડકવાર્ટર અને જુદા-જુદા ડિવીઝનોમાં રાખવામાં આવ્યા છે. પોલીસે ભાજપના ઇશારે આ કાર્યવાહી કરી  હોવાનો કોંગીજનોએ આક્ષેપ કરી  આ કાર્યવાહીનેચરહરણ સમાન ગણાવી આક્રોશ વ્યકત કર્યો હતો. કુલ ૮૦ જેટલા આગેવાનો, કાર્યકરોની અટકાયત થઇ હતી. 

કોની-કોની કયાંથી અટકાયત થઇ?

કોંગ્રેસ દ્વારા અપાયેલા ભારત બંધ અંતર્ગત આજે સવારે હજુ કોંગી આગેવાનો, કાર્યકરો બંધ પાળવાની લોકોને અપીલ કરવા નીકળે એ પહેલા જ તેની અટકાયતનો દોર પોલીસે શરૂ કરી દીધો હતો. જે અંતર્ગત કોંગી આગેવાનો કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂત, અશોકભાઇ ડાંગર, જસવંતસિંહ ભટ્ટી, વોર્ડ નં. ૧૮ના સતુભા જાડેજા, મયુરસિંહ જાડેજા, શૈલેષભાઇ મારૂ, જેન્તીભાઇ બુટાણી, વિનુભાઇ ચોૈહાણ, દિપકભાઇ ધવા, વિઠ્ઠલભાઇ ભરવાડ, શૈલેષભાઇ જાદવ, નારણભાઇ હીરપરા, સુરેશભાઇ ગેરૈયા, હારૂનભાઇ ડાકોરા, પ્રવિણભાઇ સોરાણી, રવિ જીતીયા, અમિત રવાણી સહિતને અલગ-અલગ જગ્યાએથી વહેલી સવારે જ અટકાયતમાં લઇ હેડકવાર્ટર લઇ જવામાં આવ્યા હતાં. તેમજ અગાઉ ધારાસભાની ચુંટણી લડી ચુકેલા દિનેશ ચોવટીયા તેમજ તેની સાથે જયપાલસિંહ રાઠોડ, પ્રદિપ ત્રિવેદી, રાજુ પટેલ, ડો. રાજેશ ત્રિવેદી, ભરત સરધારા, હર્ષદ સાંગાણી, મેહુલ ઠેસીયા, ભાર્ગવ પઢીયાર, ગોપાલ રાજેશભાઇ, સલિમ કારીયાણી,  ગુલામ પઠાણ, વિમલ દવે, સાવન જેઠવા, આશિષસિંહ વાઢેર, રાજેશ માંડલીયા અને અંકુર માવાણી  સહિત ૧૫ને એ-ડિવીઝન પોલીસે રાષ્ટ્રીય શાળા ખાતેથી અટકાયતમાં લીધા હતાં.

અમુકને ઘરેથી ઉઠાવી લેવામાં આવ્યા

જ્યારે કોંગ્રેસના ફરિયાદ સેલના પ્રમુખ હાથીખાનામાં રહેતાં રણજીત મુંધવા, રામનાથપરામાં રહેતાં શહેર કોંગ્રેસ મહામંત્રી બળવંત છાંટબાર, કોઠારીયા રોડ સાગર નગરમાં રહેતાં ફરિયાદ સેલના મહામંત્રી ભાવેશ પટેલ, કેવડાવાડી-૪માં રહેતાં શહેર કોંગ્રેસ મંત્રી નૈમિષ પાટડીયા, હાથીખાના રામ મઢી પાસે રહેતાં  પ્રદેશ કોંગ્રેસ મંત્રી નિલેષ ગોહેલ તથા કોઠારીયા રોડ હરિ ધવા માર્ગ પર રહેતાં  વોર્ડ નં. ૧૭ના કોંગ્રેસના મંત્રી યોગેશ પાદરીયાને ક્રાઇમ બ્રાંચે વહેલી ઘરેથી જ ઉઠાવી લીધા હતાં. રણજીત મુંધવાએ જણાવ્યું હતું કે લોકોના પ્રશ્નો માટે લડી રહેલા કોંગી આગેવાનો, કાર્યકરોને આ રીતે ભાજપના ઇશારે પોલીસે ઉઠાવી લઇ લોકશાહીનું ચિરહરણ કર્યુ છે. આ તમામને ક્રાઇમ બ્રાંચ ખાતે બેસાડી દેવામાં આવ્યા હતાં.

યુથ કોંગ્રેસના આગેવાનો-કાર્યકરોને રાષ્ટ્રીય શાળા ખાતેથી પકડી લેવાયા

જ્યારે યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઇ ચાવડા, યુથ કોંગ્રેસના જીલ્લા પ્રમુખ ભરતસિંહ જાડેજા, એનએસયુઆઇ નેશનલ ડેલિગેટ આદિત્યસિંહ ગોહિલ, એનએસયુઆઇ શહેર જીલ્લા પ્રમુખ જયકિશનસિંહ વિજયસિંહ ઝાલા, એનએસયુઆઇ ઉપપ્રમુખ નરેન્દ્ર સોલંકી અને કોંગ્રેસના મોહનભાઇ સિંધવ, યુથ કોંગ્રેસના બોની પટેલ સહિતને રાષ્ટ્રય શાળા કમ્પાઉન્ડમાં આવેલી કુંડલીયા કોલેજ બંધ કરાવતી વેળાએ ક્રાઇમ બ્રાંચે પકડી લીધા હતાં અને હેડકવાર્ટર ખાતે મોકલી દીધા હતાં.

ચુનારાવાડ-ગંજીવાડામાંથી ૧૦ની અટકાયત

જ્યારે ચુનારાવાડ તથા ગંજીવાડાના નાકા પાસે જયનાથ પેટ્રોલ પંપ પાસેથી વશરામભાઇ સાગઠીયા, અણદાભાઇ ચાવડા, પ્રવિણભાઇ સોરાણી, નરેશભાઇ પરમાર, લલીતભાઇ પરમાર, રમઝાનભાઇ, ભીખાભાઇ ચાવડા સહિત ૧૦ની એસીપી બી. બી. રાઠોડ અને થોરાળા પોલીસે અટકાયત કરી હતી.

આ તમામે સવારે કાલાવડ રોડ કણસાગરા કોલેજ, સેન્ટમેરી સ્કૂલ, ભાલોડીયા કોલેજ, કુંડલીયા કોલેજ, ગીતાંજલી કોલેજ, જસાણી કોલેજ, મનહર પ્લોટની ભાલોડીયા કોલેજ બંધ કરાવી હતી અને છેલ્લે સાડા આઠેક વાગ્યે રાષ્ટ્રીય શાળા ખાતે મીનાબેન કુંડલીયા કોલેજ ખાતે પહોંચ્યા ત્યારે ક્રાઇમ બ્રાંચે પકડી લીધા હતાં. જુદા-જુદા વિસ્તારોમાંથી અટકાયતો કરવામાં આવી હતી.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયા, એસીપી બી. બી. રાઠોડની રાહબરી હેઠળ ઠેર-ઠેર બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

(4:15 pm IST)