Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

તલાટી હડતાલનો ૯મો દિવસ : ગ્રામીણ વહીવટ પર માઠી અસર : હડતાલ પૂરી કરાવવા સરપંચોનો પોકાર

અમુક માંગણીઓ સ્‍વીકારવાનો સરકારનો સંકેત પણ સત્તાવાર જાહેરાતમાં વિલંબ

રાજકોટ તાલુકાના ૪૦ જેટલા ગામોના સરપંચોએ તાલુકા પંચાયત કચેરી ખાતે એકત્ર થઇ તલાટી હડતાલ પૂર્ણ કરાવવા સત્તાધીશોને આવેદન આપેલ તે પ્રસંગની તસ્‍વીર. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ, તા.૧૦: ગુજરાત રાજય તલાટી મહામંડળના એલાન મુજબ ચાલતી પંચાયતના તલાટીઓની રાજયવ્‍યાપી હડતાલનો આજે ૯મો દિવસ છે. ૨૦૦પ-૦૬ના વર્ષની ભરતીના પંચાયત તલાટીઓની નોકરી સળંગ ગણવા સહિતની અમુક માંગણીઓ સરકાર સ્‍વીકારે તેવા સંકેતછે પણ તલાટી સંગઠનને મંત્રણા માટે આમંત્રણ પાઠવેલ નથી. સરકાર તરફથી જાહેરાતમાં વિલંબ થઇ રહ્યો છે. છતા ગમે ત્‍યારે સમાધાનની દિશામાં મહત્‍વનું પગલુ લેવાય તેવી શકયતા નકારાતી નથી.

આજે રાજકોટ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકાના વિવિધ ગામમાં સરપંચોએ એકત્ર થઇ તલાટી હડતાલથી ગ્રામીણ પ્રજાકીય કામો પર પડેલી વિપરીત અસર અંગે પંચાયતના સતાધીશો અને ધારાસભ્‍યો, સાંસદો જોગ આવેદન આપ્‍યુ હતું.

આવેદનમાં જણાવેલ કે ગ્રામપંચાયતો આધાર સ્‍તંભ સમાન એકમાત્ર કર્મચારી એવો તલાટી કમ મંત્રી ગત તા.૨-૮ અચોક્કસ મુદતની હડતાલ ઉપર છે. છતાં હડતાલનો યોગ્‍ય નિરાકરણ આવેલ નથી. ગ્રામ પંચાયતના રોજીંદા વ્‍યવહારો અને વિકાસકામો અટકેલા પડેલ છે. ગત માસના નાણાકીય બિલો ચુકવાયેલ નથી. તથાપાણીવાળા, પટાવાળા, સ્‍ટ્રીટ લાઇટ ઓપરેટર વગેરે કર્મચારીઓ પગારથી વંચિત છે. નાણાકીય વસુલાતો નહી થતા પંચાયતોના સ્‍વભંડોળ પર વિષમ અસર ઉભી થયેલ છે. જે નાણાકીય ખાદ્ય આગામી માસમાં ગંભીર અસર કરશે તેવી ધારણા છે. આમ જાહેર જનતાની સેવામાં ગ્રામ પંચાયતો દ્વારા આપવાની સવલતો અટકી પડવાની / બંધ થવાની / વિક્ષેપ થવાની છેવટની પરિસ્‍થિતી છે. છેલ્લા આઠ દિવસથી ગામે તલાટી નથી. ગ્રામ પંચાયતના વહીવટ ખોરવાયેલ છે. તો તાત્‍કાલીક હડતાલનું નિરાકરણ કરવુ જોઇએ.

(4:11 pm IST)