Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

મધ્યપ્રદેશથી અનિકેત સ્કોચની અડધા લાખની બોટલો આપવા આવ્યોઃ મંગાવનાર દિનેશ સહિત બંને ઝડપાયા

સપ્લાયર ગ્રીનલેન્ડ ચોકડીએ બસમાંથી ઉતરી ડી-માર્ટ તરફ મંગાવનાર પાસે આવતાં જ ક્રાઇમ બ્રાંચ પીઆઇ એચ. એમ. ગઢવીની ટીમે બંનેને કુલ ૭૧,૬૫૦ના મુદ્દામાલ સાથે પકડી લીધા

રાજકોટ તા. ૧૦: વિદેશી દારૂના ધંધાર્થીઓ અનલોક થઇ બેફામ બન્યા છે અને સામે પોલીસ પણ સતર્ક બની દરોડા પાડી રહી છે. ક્રાઇમ બ્રાંચ કુવાડવા રોડ પરથી બે શખ્સને ટુવ્હીલરમાં મોંઘીદાટ સ્કોચની અડધા લાખની બોટલો સાથે બે શખ્સને પકડી લીધા છે. નવી વાત એ છે કે મધ્યપ્રદેશનો શખ્સ બસ મારફત આ સ્કોચની બોટલો આપવા છેક રાજકોટ આવ્યો હતો!

ગોંડલ રોડ પર જોકર ગાંઠીયાવાળી શેરી વિજય પ્લોટ-૪માં રહેતો દિનેશ લાલજીભાઇ ડાભી (ઉ.૨૨) નામના રાવળદેવ શખ્સે દારૂની બોટલો મંગાવી હોવાની અને કુવાડવા રોડ પર હેરફેર થવાની છે તેવી બાતમી ક્રાઇમ બ્રાંચના એએસઆઇ રાજદિપસિંહ ગોહિલ, હેડકોન્સ. હરદેવસિંહ જાડેજા અને કોન્સ. સ્નેહ ભાદરકાને મળતાં વોચ રખાઇ હતી. એ દરમિયાન દિનેશ જીજે૦૩એલજે-૦૦૭૪ નંબરના એકસેસ સાથે ડી માર્ટ નજીક પહોંચતા અને એક શખ્સ તેની પાસે થેલા સાથે આવતાં જ પોલીસે બંનેને સકંજામાં લીધા હતાં. થેલામાંથી બ્લેક લેબલ અને હન્ડ્રેડ પાઇપર્સની રૂ. ૪૮૧૫૦ની કિંમતની ૩૬ બોટલો મળતાં તે તથા ૨૦ હજારનું વાહન અને બે મોબાઇલ ફોન કબ્જે કરી દિનેશ તથા સ્કોચની બોટલો આપવા આવેલા મધ્યપ્રદેશના  સિહોરના ચંદાની ગાર્ડન નશરૂલાગંજ ખાતે રહેતાં અનિકેત રાજેન્દ્ર યદુવંશી (ઉ.૨૦)ને પકડી લેવાયા હતાં.

દિનેશ અગાઉ છુટક મજૂરી કરતો હતો. હાલમાં લોકડાઉન પછી ખાસ કામ ન હોઇ કંઇક નવું ચાલુ કરવાનું નક્કી કરી દારૂ મંગાવ્યો હતો અને પકડાઇ ગયો હતો.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયાની સુચના અને પીઆઇ એચ. એમ. ગઢવીની રાહબરીમાં એએસઆઇ વિજયસિંહ ઝાલા, એએસઆઇ જયુભા પરમાર, હેડકોન્સ. પ્રતાપસિંહ ડી. ઝાલા, જગદીશભાઇ મેવાડા, કોન્સ. એભલભાઇ બરાલીયા, શોકતભાઇ ખોરમ સહિતના પેટ્રોલીંંગમાં હતાં ત્યારે એએસઆઇ રાજદિપસિંહ ગોહિલ, હરદેવસિંહ જાડેજા તથા સ્નેહ ભાદરકાને બાતમી મળતાં આ કામગીરી થઇ હતી. બંનેએ અગાઉ આ રીતે હેરફેર કરી છે કે કેમ? કઇ રીતે એકબીજાના સંપર્કમાં આવ્યા? તે સહિતના મુદ્દે તપાસ થઇ રહી છે.

(3:31 pm IST)