Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

ચા - પાનની દુકાને ભીડ અટકાવવા તંત્રનું સઘન ચેકીંગ : ૨ દિ'માં ૧૭ ટી-સ્ટોલ ૩ દિ' માટે સીલ

ડી.એચ.કોલેજ, મવડી ચોકડી, રૈયા રોડ, ફુલછાબ ચોક તથા કુવાડવા રોડ સહિતના વિસ્તારમાં ચાના ધંધાર્થી ફકત પાર્સલના જાહેરનામાનો ભંગ કરતા મ્યુ. કોર્પોરેશન દ્વારા કાર્યવાહી

લાલ આંખ : મહાનગરપાલિકા દ્વારા ચા અને પાનની દુકાનોએ ટોળા ભેગા ન થાય તે માત્ર પાર્સલ લઇને જતા રહેવાનું જાહેરનામાનો ભંગ કરતા તંત્ર દ્વારા છેલ્લા બે દિવસથી શહેરના વિવિધ વિસ્તારમાં ચાની હોટલો સીલ કરવામાં આવી રહી છે તે વખતની તસ્વીરમાં મ્યુ. કોર્પોરેશનના ડે.કમિશનર એ.આર.સિંહ, આસી. મેનેજર દીપેન ડોડીયા તથા સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે તે નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૦ : કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિમાં કોરોના વાઇરસનું સંક્રમણ પ્રસરતું અટકે તે અને લોકોમાં જાગૃતિ પણ ફેલાય તે માટે જાહેર સ્થળોએ જનસમૂહ એકત્ર ન થાય તેવા હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચા અને પાનની દુકાનોએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં ૧૭ દુકાનો સીલ કરવામાં આવેલ છે. જેમાં એક થડાનો સમાન પણ જપ્ત કરાયો છે. ગ્રાહકો પાર્સલ લઈને જતા રહે જેનાથી ટોળા ભેગા ન થાય તે માટે મ્યુનિ. કમિશનરશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડેલ છે. આ જાહેરનામાનો ભંગ કરતા ચા અને પાનની દુકાનો ત્રણ દિવસ સીલ કરવામાં આવી છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર માહિતી મુજબ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના આદેશ અનુસાર અને નાયબ કમિશનર એ. આર. સિંહના માર્ગદર્શન હેઠળ આસી. મેનેજર દિપેન ડોડીયા અને વિજીલન્સ શાખાના ડીવાય.એસ.પી. આર. બી. ઝાલા અને સ્ટાફ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચા અને પાનની દુકાનો ખાતે સઘન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં જે દુકાનોએ ગ્રાહકોના સમૂહ જોવા મળ્યા હતા તે દુકાનો સીલ કરવામાં આવેલ છે. જેમાં દ્વારકાધીશ ટી સ્ટોલ-નાનામવા રોડ, જાફર ટી સ્ટોલ – ડી.એચ. કોલેજ, ખોડીયાર પાન – મવડી ચોકડી, ખોડીયાર કોલ્ડ્રીંકસ – મવડી ચોકડી, ખોડીયાર ટી એન્ડ ખોડીયાર વડાપાઉં – મવડી ચોકડી, રવેચી સ્ટોલ – ૧૫૦ ફૂટ રીંગ રોડ બાલાજી હોલ પાસે તથા ગોપાલ ટી – બાલાજી હોલ પાસે ૧૫૦ ફૂટ રીંગ રોડ અને દોશી હોસ્પિટલ પાસે ચા નો એક થડો, આ ઉપરાંત અન્ય વિસ્તારની શકિત ટી શોપ - સંત કબીર રોડની પાસે, ભાવનગર રોડ, ગાત્રાડ પાન એન્ડ ટી સ્ટોલ - માર્કેટિંગ યાર્ડ મેઈન રોડ, ખેતલા આપા ટી સ્ટોલ - અમુલ સર્કલ, ૮૦' ફૂટ રોડ, રાધે હોટેલ - અટિકા ફાટક પાસે, મોમાઈ હોટેલ - રૈયા ચોકડી, કિસ્મત હોટેલ - હનુમાન મઢી, રૈયા રોડ, ખોડિયાર હોટેલ - ફૂલછાબ ચોક અને શકિત હોટેલ - ડિલક્ષ ચોક, કુવાડવા રોડ ખાતેની દુકાનો સીલ કરવામાં આવી હતી અને ચુનારવા ચોક પાસેની ચાની દુકાનોએથી દબાણ હટાવ કરવામાં આવ્યું હતું તેમજ એક કાઉન્ટર ડિટેઇન કરવામાં આવેલ છે.ઙ્ગ

આ ઉપરાંત વિવિધ દુકાનોએ ગ્રાહકોના સમૂહ એકત્ર ન થાય તેની કાળજી લેવા ધંધાર્થીઓને સુચના પણ આપવામાં આવી છે.

રાજકોટમાં ચા ની હોટલો-ટી સ્ટોલ શનિ-રવિ-સોમ ત્રણ દિ' બંધ રાખવા ધંધાર્થીઓનો સ્વૈચ્છીક નિર્ણય

રાજકોટ  : રાજકોટમાં કોરોના સંક્રમણ માટે ચાની હોટલોને જવાબદાર ઠેરવી સીલ મારી દેવાતા ચા ની હોટલોના ધંધાર્થીઓનો સ્વૈચ્છિક નિર્ણય : ત્રણ દિવસ માટે ટી- સ્ટોલ હોટલો બંધ રાખવામાં આવશેઃ જયાં ટોળા નથી હોતા - પાર્સલમાં ચા વેચાતી હતી તેવી હોટલોને ટાર્ગેટકરી સીલ મારી દેવાયાનો કોંગી અગ્રણી રણજીત મુંધવાનો આક્ષેપ

(3:00 pm IST)