Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

નવાગામ કવાર્ટરમાં થયેલી જામનગરના દિલીપ કોળીની હત્યામાં કુસુમ ઉર્ફ માનુ હાથવેંતમાં

બોટાદ તરફ હોવાની બાતમી પરથી પીઆઇ. આર. વાય. રાવલની ટીમે પગેરૂ દબાવ્યું: તેનો નવો પ્રેમી અને મકાન માલિક પણ શંકાના પરીઘમાં: કવાર્ટર માલિક સુરેશ દરજીને કુસુમે દિલીપને પતાવી દીધાની ફોનથી જાણ કરી છતાં તેણે પોલીસથી વાત છુપાવી રાખી'તી

રાજકોટ તા. ૧૦: કુવાડવા રોડ પર નવાગામ આવાસ કવાર્ટરમાં મુળ જામનગર શંકર ટેકરીના  દિલીપ હમિરભાઇ પરમાર (કોળી) (ઉ.૪૩)ની હત્યાના બનાવમાં તેની પૂર્વ પત્નિ-પ્રેમિકા કુસુમ ઉર્ફ માનુ શામજીભાઇ ગોહેલ નામની કોળી મહિલા તથા તેનો નવો પ્રેમી સામેલ હોવાનું પોલીસ તપાસમાં ખુલતાં અને આ બંને બોટાદ તરફ હોવાની પાક્કી બાતમી મળતાં બી-ડિવીઝન ઇન્ચાર્જ પી.આઇ. આર. વાય. રાવલ ટીમે પગેરૂ દબાવતાં કુસુમ હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે. 'એક ફુલ દો માલી' જવું કારણ આ હતયા પાછળ જવાબદાર હોવાનું સામે આવ્યું છે.

સોમવારે સાંજે નવાગામ આવાસ કવાર્ટર બ્લોક નં. ૨૧/૨૬૭૫ બંધ હોઇ અને તેમાંથી અસહ્ય દૂર્ગંધ આવતી હોઇ પડોશીઓએ કવાર્ટર માલિક સુરેશ દરજીને ફોનથી જાણ કરતાં તે ઘરે આવ્યા હતાં અને કવાર્ટર ખોલીને જોતાં સંડાસમાંથી દિલીપ પરમારની કોહવાયેલી લાશ મળી આવતાં તેણે બી-ડિવીઝન પોલીસને જાણ કરતાં ઇન્ચાર્જ પી.આઇ. આર. વાય. રાવલ,   પીએઅસાઇ ડામોર, એએસઆઇ યુ. બી. પવાર, હેડકોન્સ. ખોડુભા જાડેજા, વિરમભાઇ ધગલ, વિજયગીરી, એભલભાઇ બરાલીયા સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો.

પોલીસે જરૂરી કાર્યવાહી કરી કોહવાઇ ગયેલી દિલીપ પરમારની લાશને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડી હતી. છાતીમાં છરી કે તિક્ષ્ણ હથીયારના ઘા થયાનું ખુલતાં પોલીસે કવાર્ટર નં. ૧૪/૨૫૬૧માં રહેતાં રિક્ષા ડ્રાઇવર વિજયભાઇ મગનભાઇ ઝાલા (મોચી) (ઉ.૫૬)ની ફરિયાદ પરથી કુસુમ ઉર્ફ માનુ શામજીભાઇ ગોહેલ અને તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૩૦૨, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો હતો. 

વિજયભાઇ મોચીએ ફરિયાદમાં જણાવ્યું છે કે મૃતક દિલીપ પરમાર અગાઉ અમારી આવાસ યોજનામાં આંગણવાડી કેન્દ્ર સામેના કવાર્ટરમાં ભાડેથી રહેતાં હતાં. તેની સાથે કુસુમ ઉર્ફ માનુ ગોહેલ પણ રહેતી હતી. દલીપ  પરમાર ટ્રક ડ્રાઇવીંગ કરતાં હતાં અને ચારેક માસથી તે અને કુસુમે રાજીખુશીથી કોર્ટમાં લખાણ કરી છુટા થઇ ગયા હતાં. એ પછી દિલીપ  ભાડાનું મકાન ખાલી કરી જતો રહ્યો હતો. પરંતુ કુસુમ સુરેશભાઇ દરજીના ૨૧ નંબરના કવાર્ટરમાં રહેવા લાગી હતી. છુટા પડ્યાના પંદરેક દિવસ પછી દિલીપ ફરીથી સુરેશભાઇના ઘરે આવેલ અને કુસુમ ઉર્ફ માનુ સાથે ઝઘડો કર્યો હતો. આ રીતે ત્રણ-ચાર વખત ઝઘડા થતાં લોકોએ છુટા પડી ગયા પછી પણ શું ઝઘડો છો? તેમ કહી શાંત પાડ્યા હતાં. એ પછી દિલીપભાઇ જતાં રહ્યા હતાં.

દરમિયાન ૮મીએ સાંજે સુરેશભાઇના કવાર્ટરમાંથી ગંધ આવતી હોઇ તેને ફોન કરતાં ફોન બંધ આવ્યો હતો. સુરેશભાઇને છેલ્લે તા. ૬ના શનિવારે તેના કવાર્ટરમાં બપોરે અઢી સુધી લોકોએ જોયા હતાં. એ પછી તે તાળુ મારી નીકળી ગયેલ. ૮મીએ સાંજે સુરેશભાઇ ઘરે આવ્યા હતાં અને પોતાને (ફરિયાદી વિજયભાઇને) વાત કરી હતી કે પોતે કાલાવડ હતાં ત્યારે અજાણ્યા ફોનમાંથી કુસુમ ઉર્ફ માનુએ ફોન કરી દિલીપને પતાવી દીધાની વાત કરી હતી. એ પછી તેને સો નંબરમાં ફોન કરવાનું કહ્યું હતું. 

સુરેશભાઇએ તાળુ ખોલતાં ભેગા થયેલા બધા લોકો અંદર જતાં સંડાસમાં દિલીપ પરમારની લાશ જોવા મળી હતી. કુસુમ ઉર્ફ માનુએ જ તેની હત્યા કર્યાનું સુરેશ દરજીના કહેવા મુજબ જાણવા મળ્યું હોઇ પોલીસે ગુનો નોંધ્યો છે. કુસુમ સાથે આ હત્યામાં બીજુ કોણ-કોણ સામેલ છે? તેની તપાસ થઇ રહી છે. બોટાદ તરફથી કુસુમ હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે.

(11:57 am IST)