Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

મુખ્‍યમંત્રી ૧૩મીએ ડાયરેકટ પારેવડા આવશેઃ હેલીપેડ તૈયાર કરી લેવાયું: વિચરતી વિમુકત જાતીના કુલ ૧૮૪ લોકોને મકાન-સનદ અપાશે

કલેકટર દ્વારા સ્‍થળ નિરીક્ષણઃ વધુ ૪૦૦ લોકોને મકાનો આપવા કલેકટરે ૪ એકર જગ્‍યા ફાળવી દીધી : મકાન બાંધવા ૧ લાખ ર૦ હજારની સહાય અપાઇઃ જમીન-લાઇટ-પાણી મફતઃ ગેસ સહીતની પણ સુવિધા અપાશે

 

રાજકોટ, તા., ૧૦: આગામી શુક્રવારે રાજયના મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ રાજકોટ આવી રહયા છે. તેમના હસ્‍તે વિચરતી વિમુકત જાતીના ૬૫ પરીવારોને મકાનોનું લોકાપર્ણ, ૧૯ને સનદ તથા અન્‍ય ૧૦૦ લોકોને હુકમનું વિતરણ થશે. ટુંકમાં કુલ ૧૮૪ લોકો-પરીવારોને ૪૦ ચો.મી. ના મકાન-સનદનું વિતરણ થશે તથા ત્‍યાં જ  એકરમાં બનનાર સરકારી હોસ્‍ટેલનું મુખ્‍યમંત્રીના હસ્‍તે લોકાપર્ણ થશે.

દરમિયાન અધિકારી સુત્રોના કહેવા મુજબ મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ ડાયરેકટ સવારે ૧૩મીએ પારેવડા જ આવી રહયા છે. તેમના માટે હેલીપેડ તૈયાર કરી લેવાયું છે. આ બાબતે રાજકોટ કલેકટર શ્રી અરૂણ મહેશબાબુએ ગઇકાલે પારેવડા દોડી જઇ સ્‍થળ નિરીક્ષણ કર્યુ હતું. ત્‍યાંના વિચરતી વિમુકત જાતીના લોકોને મળ્‍યા હતા. તેમની રજુઆત સાંભળી વધુ ૪૦૦ પરીવારો માટે ૪ એકર જગ્‍યાની સ્‍થળ ઉપર જ કરી દેવાઇ હતી.

અત્રે એ નોંધનીય છે કે સરકાર તરફથી ૪૦ ચો.મી. જમીનના પ્‍લોટ વિનામુલ્‍યે અપાયા છે. લાઇટ-પાણી-ગેસ સહીતની સુવિધા મફત અપાઇ છે. તેમજ મકાન બાંધકામ માટે ૧ લાખ ર૦ હજારની સરકારે સહાય પણ જાહેર કરી છે. બાળકોની હોસ્‍ટેલ માટે ૧ એકર જગ્‍યા પણ કલેકટરે ફાળવી દીધી છે.

૧૩ મીના કાર્યક્રમની પુર્વ તૈયારી રૂપે રાજકોટના જીલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુએ પારેવાડા રામપર અને બેટી ગામની રૂબરૂ મુલાકાત લઇ કાર્યક્રમની તૈયારીઓ અંગે જાત નીરીક્ષણ કર્યુ હતું તેમજ જરૂરી સુચનો આપ્‍યા હતા.

વિચરતી વિમુકત જાતીના લોકોને અંદાજીત ૬પ જેટલા મકાનો ગુજરાત સરકાર દ્વારા પંડીત દીનદયાળ ઉપાધ્‍યાય આવાસ યોજના અને વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્‍થાના સહયોગથી બનાવવામાં આવ્‍યા છે. જેની સોંપણી મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે કરવામાં આવશે. વિચરતા સમુદાયના લોકો સ્‍થિર બનીને જીવન જીવી શકે તથા તેમના બાળકો વ્‍યવસ્‍થિત રીતે અભ્‍યાસ કરી શકે તે માટે રામપર-બેટી ગામના વિસ્‍તારમાં સરકારી હોસ્‍ટેલ નિર્માણ પામશે જેનું ખાતમુહુર્ત મુખ્‍યમંત્રીના હસ્‍તે કરવામાં આવનાર છે. તે જગ્‍યાની સ્‍થળ ચકાસણી પણ કલેકટરે કરી હતી. તેમજ આવાસ મેળવનારા લાભાર્થીઓને કલેકટરશ્રી રૂબરૂ મળ્‍યા હતા તેમજ જોડે ચર્ચા કરી હતી. આ પ્રસંગે રાજકોટ ગ્રામ્‍યના પ્રાંત અધિકારી શ્રી વિરેન્‍દ્ર દેસાઇ, રાજકોટ તાલુકા મામલતદારશ્રી કથીરીયા, નાયક જીલ્લા વિકાસ અધિકારી, શ્રી બ્રિજેશ કાલરીયા, રોડ એન્‍ડ બીલ્‍ડીંગ વિભાગના અધિકારીશ્રી ઝાલા, અનુસુચીત જાતી કલ્‍યાણ વિભાગના શ્રી સી.એન.મિશ્રા, વિકસતી જાતીના નિયામક નાયબ શ્રી એ.ટી. ખમણ, વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્‍થાના શ્રી મિતલબેન પટેલ, શ્રી છાયાબેન પટેલ તથા શ્રી કાનજીભાઇ સહીતના સબંધીત સરકારી વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહયા હતા.(

(3:53 pm IST)