Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2024

વાહનના હપ્‍તા ચડી ગયા હતા એટલે બે સગા ભાઇ સહિત છની ટોળકીએ લાખોની ચોરી કરી!

ખોખડદડ પાસે કારખાનામાંથી ૧૨.૧૧ લાખની ચોરીનો ભેદ એલસીબી ઝોન-૧ ટીમે બે કલાકમાં ઉકેલ્‍યો : મુળ બોટાદના તુરખાના ચારને ડીસીપી સજ્જનસિંહ પરમારની એલસીબી ઝોન-૧ ટીમના પીએસઆઇ બી.વી. બોરીસાગર, વિજેન્‍દ્રસિંહ ઝાલાની ટીમે અને બીજા એક શખ્‍સ તથા સગીરને આજીડેમ પોલીસે દબોચ્‍યા : દિવ્‍યરાજસિંહ જાડેજા, રવિરાજભાઇ પટગીર અને સત્‍યજીતસિંહ જાડેજાની બાતમી

રાજકોટ તા. ૧૦: શહેરના કોઠારીયા નજીક ખોખડદળ નદીના પુલ પાસે એન.બી. ઈન્‍ડસ્‍ટ્રીઝ શેરી નં.૧માં આવેલા રાજપૂત ઈન્‍ડસ્‍ટ્રીઝ નામના કારખાનામાં પરમદિવસે  રાત્રે ત્રાટકેલા તસ્‍કરો મેટલ અને સ્‍ટીલનો સામાન ઉપરાંત બે લેપટોપ મળી કુલ રૂા.૧૧.૪૧ લાખનો મુદ્દામાલ ચોરી ગયા હતાં. આ મામલે આજીડેમ પોલીસમાં ગુનો નોંધાયાના બે કલાકમાં જ એલસીબી ઝોન-૧ની ટીમે બાતમીને આધારે ચાર તસ્‍કરોને દબોચી લીધા છે. જેમાં બે સગા ભાઇ અને બે સગીર છે. આ ચારેયના કબ્‍જામાંથી તમામ મુદ્દામાલ અને રિક્ષા મળી ૧૨,૧૧,૪૭૫ની મત્તા કબ્‍જે કરવામાં આવી છે. આ ઉપરાંત આજીડેમ પોલીસે પણ બે આરોપી પકડયા છે તેમાં પણ એક સગીર છે. ચોરી કર્યા બાદ માલ ભરેલી છકડો સહજાનંદ ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયામાં વાસંગીદાદાના મંદિર પાછળ ઢાંકીને છુપાવી દીધી હતી અને ચારેય બાઇક પર ભાગી નીકળ્‍યા હતાં. જેને કુવાડવા, ચોટીલા પાસેથી દબોચી લેવાયા હતાં.

જાણવા મળ્‍ય ામુજબ મુળ રાજસ્‍થાનના અને હાલ કોઠારીયા સાંઈબાબા સર્કલ પાસે પવિત્ર એપાર્ટમેન્‍ટમાં રહેતાં ગોપાલસિંહ ભાટી (ઉ.વ.૪૦)એ આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી જણાવ્‍યું હતું કે તેની સાથે કારખાનામાં કળણાલભાઇ જેન્‍તીભાઈ વઘાસીયા પાર્ટનર છે. કારખાનામાં મેરેબલ મેટલના હેન્‍ડલ બનાવે છે. કારખાનાની ઉપર અસલમ ખાન નામનો શ્રમિક રહે છે. પરમદિવસે રાત્રે સાડાનવેક વાગ્‍યે કારખાનું બંધ કર્યું હતું. ગઇકાલે સવારે અસલમ ખાને કારખાનામાં ચોરી થયાની જાણ કરતાં પાર્ટનર સાથે તત્‍કાળ ત્‍યાં પહોંચી ગયા હતા. જોયું તો શટરનું તાળું તુટેલું જોવા મળ્‍યું હતું. શટર ઉંચુ કરી અંદર પ્રવેશેલા તસ્‍કરો મેરેબલ મેટલનો ૧૩૦૦ કિલો કાચો સામાન અને સ્‍ટીલનો સામાન ચોરી કરી ગયા હતા. આ ઉપરાંત ઓફિસના ટેબલ પર પડેલા બે લેપટોપ પણ ચોરી કર્યા હતા.

તત્‍કાળ આ અંગે આજીડેમ પોલીસને જાણ કરતાં પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્‍યો હતો. બીજી તરફ એલસીબી ઝોન-૧ની ટીમ પણ ભેદ ઉકેલવા કામે લાગી હતી. સીસીટીવી કેમેરામાં મોઢા પર બુકાની બાંધેલા ચાર તસ્‍કરો કેદ થઈ ગયા હતા.  દરમિયાન કોન્‍સ. દિવ્‍યરાજસિંહ જાડેજા, રવિરાજભાઇ પટગીર તથા સત્‍યજીતસિંહ જાડેજાને આ ચાર પૈકીનો એક શખ્‍સ કોણ છે? તેની ચોક્કસ બાતમી મળી હતી. તેના આધારે તેને દબોચી લીધા બાદ બીજા ત્રણ પણ હાથમાં આવી ગયા હતાં.

પોલીસે નિલેશ લાખાભાઈ બલીયા (ઉ.વ.ર૧) અને તેના ભાઈ અનિલ લાખાભાઇ બલીયા (ઉ.વ.૧૯) (રહે. બંને ખોડિયારનગર, આજી વસાહત)નો સમાવેશ થાય છે. બાકીના બે આરોપીઓ સગીર છે. પોલીસે મેટલનો કાચો માલ ૧૩૦૦ કિલો રૂા. ૬,૪૫,૩૭૫નો, સ્‍ટીલનો તૈયાર માલ ૭૫૦૦ કિલો રૂા. ૪,૪૬,૧૦૦, બે લેપટોપ રૂા. ૩૦ હજાર, મોબાઇલ ફોન નંગ-૪ રૂા. ૨૦ હજારના અને છકડો રિક્ષા જીજે૦૩એક્‍સ-૩૩૨૭ રૂપિયા ૫૦ હજારની કબ્‍જે લેવામાં આવી છે. જ્‍યારે છકડાના માલિક ધાર્મિક તથા અન્‍ય એક સગીરને આજીડેમ પોલીસની ટીમે દબોચ્‍યા હતાં.

નિલેશ અને તેનો ભાઇ અનિલ જ્‍યાં ચોરી કરી એ કારખાનામાંથી જ જોબવર્કનો માલ લઇ જતાં હતાં. અનિલે રટણ કર્યુ હતું કે તેના ટુવ્‍હીલરની લોનના હપ્‍તા ચડી ગયા હોઇ પૈસાની જરૂર હતી એટલે આ કારખાનામાંથી ચોરી કરવાનો પ્‍લાન ઘડી માલ ચોર્યો હતો. માલ ભરેલી રિક્ષા વાસંગી દાદાના મંદિર પાછળ છુપાવી ઢાંકીને ભાગી નીકળ્‍યા હતાં. ચોરેલા માલની કિંમત લાખોમાં હશે તેનાથી પણ તે અજાણ હોવાનું રટણ કર્યુ હતું. વધુ તપાસ આજીડેમ પોલીસ કરે છે.

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોૈધરી, ડીસીપી સજ્જનસિંહ પરમારની સુચના અનુસાર પીએસઆઇ બી. વી. બોરીસાગર, હેડકોન્‍સ. વિજેન્‍દ્રસિંહ ઝાલા, જીતુભા ઝાલા, ધર્મરાજસિંહ જાડેજા, હિતેષભાઇ પરમારની ટીમે આ કામગીરી કરી હતી.

(11:54 am IST)