Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

ખેલ જગતનો સુવર્ણ યુગ શરૂ

રાજકોટમાં ૫.૧૦ કરોડનું અદ્યતન સ્પોર્ટસ સંકુલ બનશે

કાલાવડ રોડ વિસ્તારના ૨૦૦૦ ચો.મી. જગ્યામાં સંકુલ નિર્માણ થશેઃ બેડમિન્ટન - જીમ - ટેબલ ટેનીશ, જીમ્નેસ્ટીક, જુડો જેવી આંતરરાષ્ટ્રીય રમતોની સુવિધાઃ ૧૫મીએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ખાતમુહૂર્તઃ સ્થળ મુલાકાત લેતા અધિકારીઓ-પદાધિકારીઓ

રાજકોટ તા. ૧૦ : શહેરમાં હવે ખેલજગતનો સુવર્ણ યુગ શરૂ થશે. કેમકે રૂ. ૫.૧૦ કરોડના ખર્ચે શહેરને અદ્યતન મલ્ટીપર્પઝ સ્પોર્ટસ સંકુલની સુવિધા મળનાર છે.

આ અંગે મેયર ડો. જૈમન ઉપાધ્યાય એક યાદીમાં જણાવે છે કે, તા.૧૫ના રોજ રાજકોટ શહેરમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે અંદાજીત રૂ.૩૦૦ કરોડના ખર્ચે થનાર જુદા જુદા કામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થનાર છે. જેમાં રાજય સરકાર દ્વારા રાજકોટમાં રૂ.૫.૧૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર અદ્યતન મલ્ટીપર્પઝ સ્પોર્ટસ સંકુલનું પણ ખાતમુહૂર્ત થશે.

મેયરશ્રીએ વિસ્તૃત માહિતી આપતા જણાવેલ કે, રાજકોટ શહેરમાં નિર્માણ પામનાર અદ્યતન મલ્ટીપર્પઝ સ્પોર્ટસ સંકુલમાં ગ્રાઉન્ડ ફલોર ૨૦૦૦.૧૫ ચો.મી.માં ૪ બેડમિન્ટન, ૮ ટેબલ ટેનિસ, જીમ હોલ, કોચ ઓફીસ, ચેઈન્જ રૂમ, ટોઇલેટ બ્લોક, સ્ટોર રૂમ, પ્રેક્ષક ગેલેરી-૫, પ્લેયર ગેલેરી-૩, આ ઉપરાંત મેઝનીન ફલોર ૯૧૮.૧૬ ચો.મી.માં જીમ્નાસ્ટીક હોલ, જુડો હોલ, ચેઈન્જ રૂમ, પ્રેક્ષક ગેલેરી-૧, પ્લેયર ગેલેરી-૧ વિગેરે સુવિધાઓ સાથે નિર્માણ પામનાર છે. આ સંકુલ નિર્માણ પામવાથી રાજકોટ શહેરના તથા સૌરાષ્ટ્રભરના ખેલાડીઓને તેમજ રમતવીરોને પોતાની ખેલકૂદની કારકિર્દી ઘડવામાં ખુબ જ ઉપયોગી થશે. તેમજ આં રમતવીરોને રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખેલકૂદ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે સુવિધાસભર પ્લેટફોર્મ તરીકે ઉપયોગી થશે. 

આ ઉપરાંત, રાજકોટ મહાનગરપાલિકાના મચ્છુનગરમાં રૂ.૩૦.૧૨ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આવાસોનું લોકાર્પણ, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મવડી વિસ્તારમાં રૂ.૩૩.૮૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ઘર-૨નું ખાતમુહૂર્ત, ચંદ્રેશનગર ખાતે ૨૪/૭ માટે વોટર સપ્લાય સવલતોનું ખાતમુહૂર્ત, વોર્ડ નં.૭ અને ૧૪માં રૂ.૩૧.૭૦ કરોડના ખર્ચે ડી.આઈ. પાઈપલાઈનનો શુભારંભ, સોલિડ વેસ્ટ, ફાયર બિગ્રેડ તથા ડ્રેનેજ વિભાગના ઉપયોગ માટેના અંદાજીત રૂ.૫ કરોડના વાહનોની અર્પણવિધિ, એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના સહયોગથી ઇલેકિટ્રક બસ માટે પ્બ્શ્, શહેરી વિકાસ સતા મંડળ દ્વારા રૂ.૫૪.૨૫ કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ચ્ષ્લ્ એકટના ૭૮૪ આવાસોનું ખાતમુહૂર્ત, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રૂ.૫.૨૫ કરોડના ખર્ચે મામલતદાર કચેરીનું ખાતમુહૂર્ત, આ ઉપરાંત રૂ.૬૭ કરોડના ખર્ચે રીજીયોનલ સાયન્સ મ્યુઝિયમનું ખાતમુહૂર્ત થશે.

આ યોજાનાર લોકાર્પણ, ખાતમુહૂર્તના સયુંકત ડાયસ કાર્યક્રમ માટે આજરોજ અધિકારીઓ - પદાધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી. જેમાં મેયર ડો. જૈમન ઉપાધ્યાય, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શાસક પક્ષ નેતા તથા ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, દંડક રાજુભાઈ અઘેરા, બાંધકામ સમિતિ ચેરમેન મુકેશભાઈ રાદડીયા, વોટરવર્કસ શાખા ચેરમેન દલસુખભાઈ જાગાણી, આવાસ સમિતિ ચેરમેન કિરણબેન સોરઠીયા, સાંસ્કૃતિક સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, અગ્નિશામક સમિતિ ચેરમેન જાગૃતિબેન ઘાડિયા, વોર્ડ નં.૧૦ના કોર્પોરેટર બીનાબેન આચાર્ય, જયોત્સ્નાબેન ટીલાળા, પુર્વ કોર્પોરેટર પરેશભાઈ હુંબલ, પ્રભારી માધવભાઈ દવે, અધિકારીઓ ડે. કમિશનર ડી. જે. જાડેજા, સી. કે. નંદાણી, સ્પોર્ટસ ઓથોરીટી કચેરીના રમાબેન, રૂડા કચેરીના શ્રી જાડેજા સહિતના ઉપસ્થિત રહેલ હતા.

અંતમાં, મેયર ડો. જૈમન ઉપાધ્યાયે રાજકોટ શહેરને અદ્યતન સુવિધાસભર સ્પોર્ટસ સંકુલ આપવા માટે ગુજરાત સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.

(4:12 pm IST)