Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિની કરામત વિવાદાસ્પદ પાઠકને પ્રવકતા બનાવ્યા

શિક્ષણ સમિતિમાં નાણાકીય ઉચાપત કરનાર કિરીટ પાઠક લીગલનું કામ સ્વતંત્ર સંભાળી શકતા નથી ત્યાં વધારાની જવાબદારી સોંપવાથી અનેકવિધ ચર્ચા

રાજકોટ, તા. ૧૦ : એ ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દિવસ ઉગેને એક વિવાદ થતો હોય છે. તેમાંય કાર્યકારી કુલપતિ ડો.કમલ ડોડીયાએ કાર્યભાર સંભાળતાની સાથે જ કેટલાક વિવાદાસ્પદ નિર્ણય કરતાં સમગ્ર ઉચ્ચ શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. તેમાંય અગાઉ છેતરપીંડી નાણાકીય ઉચાપતના ગુન્હામાં જેલવાસ ભોગવનાર અને કોઈપણ વ્યકિતને સામસામા ભિડવવામાં માહિર ગણાતો કિરીટ મુળશંકર પાઠકની પ્રવકતાપદે નિમણુંક કરતા વધુ એક વિવાદનો મધપૂડો છંછેડાયો છે.

ગઈકાલે કાર્યકારી કુલપતિના આદેશથી કુલસચિવે લીગલ ઓફીસર ડો.કિરીટ પાઠકની પ્રચાર - પ્રસાર સંકલનના ઈન્ચાર્જ તરીકે નિમણુંક કરી છે. આ નિમણુંકના હુકમની સાથે જ ભાજપ અને સંઘ તેમજ યુનિવર્સિટીના વર્તુળમાં રીતસર અનેકવિધ ચર્ચાની આંધી ચાલી છે.

સ્વચ્છ પ્રતિભા ધરાવતા કમલ ડોડીયાએ અતિશય વિવાદાસ્પદ તેમજ જેની સાથે વાત કરતા પણ સજ્જનો અંતર રાખે છે તેવા કિરીટ પાઠકને મહત્વની પ્રવકતાપદની જવાબદારી સોંપી છે.

યુનિવર્સિટીમાં ચર્ચાતી વિગતો મુજબ અગાઉ પૂર્વ કુલપતિ ડો. કનુભાઈ માવાણીએ દયાભાવ રાખી કિરીટ પાઠકને લીગલ ઓફીસર તરીકે પસંદ કરેલ. કિરીટ પાઠક લીગલનું કામ સ્વતંત્ર સંભાળી શકતા ન હોય અનેક કેસોમાં યુનિવર્સિટીએ અનેક કાનુનવિદોને ફી ચૂકવી છે. કિરીટ પાઠક સામેનો કેસ કોર્ટમાં ચાલે છે. કોર્ટનો ચુકાદો પેન્ડીંગ છે. આ સંજોગોમાં કિરીટ પાઠકને વધારાની જવાબદારી સોંપતા અનેકવિધ અટકળો ચાલી રહી છે.

(3:51 pm IST)