Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

પાન - ફાકીના બંધાણીઓની માઠી દશા : તમાકુ - સોપારીના ભાવ વધતા રાજકોટ પાન એસોસિએશન દ્વારા

પાન - ફાકીના ભાવમાં રૂ. ૩ થી ૫ નો વધારો ઠપકાર્યો

૮ દિવસમાં સોપારીમાં કિલોએ ૯૦ રૂ. અને તમાકુમાં ૨૦ થી ૧૦૦ રૂ. વધી ગયા : પાન ફાકીના ૧૮ થી ૨૦ લેવા લાગ્યા : કોરોના - લોકડાઉનને કારણે લોકો ઘેર જાતે બનાવતા થઇ ગયા હોય પાન - ફાકીના ધંધાને મોટી લપડાક પડી છે : ભાવો વધતા નકલી તમાકુનો વપરાશ વધ્યો?

રાજકોટ તા. ૧૦ : પાન-ફાકીના બંધાણીઓ માટે માઠા સમાચાર છે તમાકુ-સોપારીના ભાવ વધતા આવતિકાલથી રાજકોટ પાન એસોસીએશન દ્વારા પાન-ફાકીમાં રૂ.૩થી પનો વધારો લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તમાકુના ભાવમાં રૂા ૨૦થી ૧૦૦ અને સોપારીના ભાવમાં કિલોએ રૂા ૯૦નો વધારો થતા તેનો ડામ ગ્રાહકોને આપવામાં આવ્યો છે અચાનક સોપારીની આવક ઘટી જતા ભાવ રાતોરાત સળગી ગયા છે તેના કારણે પાનના ધંધાર્થીઓને નાછુટકે વધારો કરવાની ફરજ પડી છે સોપારીના વેપારીના જણાવ્યા મુજબ કોરોનાના કારણે બેંગ્લોરમાં સોપારીના ઉત્પાદન ઉપર અસર પડી છે તેના કારણે સૌરાષ્ટ્રમાં સોપારીની આવક ઓછી થઈ ગઈ છે.

છેલ્લા આઠ દિવસમાં સોપારીમાં કિલોએ રૂા ૯૦નો વધારો થયો છે.સોપારી રૂ.૪૦૦થી ૫૦૦ આસપાસ વહેચાતી હતી તેના ભાવ કિલોના ૬૦૦થી ૭૦૦ થઈ ગયા છે આવી જ રીતે તમાકુની કંપનીએ પણ તમાકુમાં ભાવ વધારો ઝિંકયો છે.૨૦ ગ્રામ ડબ્બાનો રૂ.૨૦૫ ભાવ હતો તેમા રૂ.૨૦નો વધારો થયો છે જયારે ૨૦૦ ગ્રામ ડબ્બાના ૮૫૦ રૂ. હતા તેના વધી રૂ.૯૫૦ થયા છે અને પાઉચ ૧૬૫માં મળતુ હતું તે હવે ૧૮૫માં મળતું હોવાનું વેપારી જણાવી રહ્યા છે.

રાજકોટમાં ૨૫૦૦૦થી વધુ પાનની કેબીન-દુકાનો આવેલી છે તેમાં અત્યાર સુધી પાન-ફાકીના રૂ.૧૨થી૧૫ વસુલ કરવામાં આવતા હતા તેમાં કેટલાક ધંધાર્થીઓએ તો પાન-ફાકીના રૂ.૧૮થી૨૦ લેવાનું શરૂ પણ કરી દેવામાં આવ્યું છે બાકી એસોસીએશન દ્વારા આવતિકાલથી રાજકોટભરમાં સમાન ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે.

નકલી તમાકુનૂ ધૂમ વેચાણતમાકુ અને સોપારીના ભાવમાં વધારાના કારણે પાન-ફાકીના ભાવ વધી ગયા છે ત્યારે શહેરમાં નકલી તમાકુનું બેફામ વેચાણ થતુ હોવાના કારણે અમુક પાનના ધંધાર્થીઓ નીચા ભાવે પણ પાન-ફાકી વેંચે છે. નકલી તમાકુવાળી પાન-ફાકી ૧૨થી ૧૫ રૂપિયા ભાવ લેવામાં આવે છે.

કોરોના અને લોકડાઉન બાદ પાન-ફાકીના ધંધાર્થીઓના ધંધા ભાંગી ગયા છે કારણે મોટાભાગના વ્યસનીઓએ ઘરે જ ફાકી બનાવવાનું શરૂ કરતા મોટાભાગના દુકાનદારોના ગ્રાહક ઘટી ગયા છે તેના કારણે દુકાનદારોની કમાણી પણ ઓછી થઈ ગઈ છે.

(10:23 am IST)