Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

ગ્રામ સ્વરાજ મંડળ દ્વારા મોહનભાઇ પટેલનું અભિવાદન

રાજકોટ : રાજયની રચનાત્મક ક્ષેત્રની અગ્રણી સંસ્થા ગ્રામસ્વરાજ મંડળ સેવા ટ્રસ્ટના ઉપક્રમે તાજેતરમાં સ્વ. વજુભાઇ શાહની પૂણ્યસ્મૃતિ પારિતોષિક પ્રદાન સમારોહ જુનાગઢ ખાતે યોજાય ગયો.  જેમાં જુનાગઢના ભૂતપૂર્વ સંસદ સભ્ય અને સંનિષ્ઠ લોકસેવક મોહનભાઇ લા. પટેલનું સન્માનપત્ર, શાલ અને રૂ.૭૫ હજારની ધનરાશી સાથે અભિવાદન કરવામાં આવ્યુ હતુ. આ તકે મોહનભાઇ મૂળમાં કાર્યકર હોવાની વાતો યાદ કરતા જણાવાયુ હતુકે ૧૯૫૨ માં તેઓએ ક્રાંતિકારી કદમ ઉઠાવેલ. ખાદીના વસ્ત્ર પહેરી તેમના પત્ની કાંતાબેને ઘુમટો તાણ્યાવગર ખુલ્લા મોઢે લગ્ન કર્યા હતા. સન્માનના પ્રતિભાવમાં મોહનભાઇએ પોતાના ૭૦ વર્ષના જાહેર જીવનની અને પરિવારની વિગતો ટુંકમાં રસપ્રદ શૈલીમાં વર્ણવી હતી. સંસ્થા તરફથી તેમને એનાયત કરવામાં આવેલ રૂ.૭૫ હજારમાં બીજી એટલી જ રકમ ઉમેરીને કુલ રૂ.૧.૫૦ લાખ તેમણે પટેલ કેળવણી મંડળ સંસ્થાને અર્પણ કર્યા હતા. કાર્યક્રમના પ્રમુખસ્થાને આજીવન લોકસેવક અને મોહનભાઇના નીકટના સાથીદાર મનુભાઇ મહેતા તેમજ અતિથિવિશેષ તરીકે ધીરૂભાઇ ગોહેલ, ધારાસભ્ય ભીખાભાઇ જોશી ઉપસ્થિત રહ્યા હતા. સ્વ. વજુભાઇ અને જયાબેન શાહના પુત્ર અક્ષય શાહે પ્રાસંગીક વકતવ્યમાં મોહનભાઇના ઘનિષ્ય સંબંધની વાતો કરી હતી. ગ્રામસ્વરાજ મંડળ સેવા ટ્રસ્ટના મંત્રી હિંમતભાઇ ગોડાએ સ્વાગત પ્રવચનમાં મોહનભાઇનો પરીચય રજુ કરેલ. અંતમાં આભારવિધિ સૌરસના મંત્રી વલ્લભભાઇ લાખાણીએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન સૌરસના કાર્યાલય મંત્રી રાજુલભાઇ દવે અને મોહનભાઇને એનાયત થયેલ સન્માનપત્રનું વાંચન સૌરસના સહતંત્રી પરાગભાઇ ત્રિવેદીએ કર્યુ હતુ. દીપેશ બક્ષી આયોજનમાં સાથે રહ્યા હતા. કાર્યક્રમમાં બળવંતભાઇ દેસાઇ, હરસુખભાઇ મહેતા, ગોવિંદભાઇ પટેલ, બળવંતભાઇ ગોડા, ધીરૂભાઇ ધાબલિયા, ભરત ભટ્ટ, આદ્યશકિતબેન મજમુદાર, સ્ટેન્ડીંગ ચેરમેન રાકેશ ધુલેશિયા, યોગીભાઇ પઢીયાર અને મોહનભાઇના પરિવારજનો, શિક્ષણ તેમજ ખાદી સંસ્થાઓના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:02 pm IST)