Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

પં.દિનદયાળજીના સંકલ્પો પૂર્ણ કરીએ એજ તેમને ખરી શ્રદ્ધાંજલી : રાજુ ધ્રુવ

પં. દીનદયાલજીનાં કાશ્મીર ૩૭૦ મી કલમ,રામમંદિર જેવા સંકલ્પો પૂર્ણ કરી શ્રી નરેન્દ્રભાઇ મોદી અખંડ, મજબૂત, શકિતશાળી ભારતનું નિર્માણ કરી રહ્યા છે

રાજકોટ, તા. ૧૦ : દેશની એકતા, અખંડિતતા અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સાથે સુશાસનની વિચારધારાનાં પ્રણેતા તેમજ ભાજપ - જનસંઘનાં આરાધ્ય પુરૂષ પ. દીનદયાલ ઉપાધ્યાયજીનાં નિર્વાણ દિવસ નિમિત્ત્।ે ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે ભાવાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે, મહાન રાષ્ટ્રવાદી ચિંતક, વિચારક, સંગઠક, શિક્ષણશાસ્ત્રી, રાજનીતિજ્ઞ, વકતા, લેખક, પત્રકાર, સાહિત્યકાર અને ભારતીય સંસ્કૃતિના પ્રખર પુરસ્કર્તા એવા પં. દીનદયાલ ઉપાધ્યાયજીનું મૃત્યુ શંકાસ્પદ સંજોગોમાં ૧૧ ફેબ્રુઆરી, ૧૯૬૮નાં રોજ મુગલ સરાઈ સ્ટેશન પાસે થયું હતું. તેઓ લખનૌથી પટના પ્રવાસ કરતા હતા ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી. તેમના શંકાસ્પદ મૃત્યુની તપાસ માટે તપાસ સમિતિ પણ નિમાઈ, જોકે કોઈ વિશેષ માહિતી એમાં મેળવી શકાઇ નહીં. પં. દીનદયાલ ઉપાધ્યાયજી એક આદર્શ રાજપુરૂષ હતા. જો તેઓ વધુ જીવ્યા હોત તો દેશને ઘણો ફાયદો થયો હોત એમાં કોઈ બે મત નથી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પર પં.દીનદયાલ ઉપાધ્યાયજીના વિચારોની ઊંડી અસર રહેલી છે. પં. દીનદયાલ ઉપધ્યાયજીએ સેવેલાં ભેદભાવ અને ભ્રષ્ટાચાર રહિત ભારતનાં સ્વપ્નને સાકાર કરવામાં કેન્દ્રમાં અને રાજયમાં ભાજપ સરકાર સફળતાનાં પથ પર અગ્રેસર છે.

૧૯૫૧માં જયારે શ્યામાપ્રસાદ મુખર્જીએ ભારતીય જનસંઘની સ્થાપના કરી ત્યારે તેના બીજા ક્રમના વરિષ્ઠ નેતા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે દીનદયાલ ઉપાધ્યાયજીની વરણી કરી હતી. તેમને ઉત્ત્।રપ્રદેશ શાખાના જનરલ સેક્રેટરી બનાવાયા અને ત્યારબાદ તેઓ સમગ્ર પક્ષના અખિલ ભારતીય જનરલ સેક્રેટરી બન્યા. ૧૯૫૩માં શ્યામાપ્રસાદ મુખર્જીના અવસાન પછી સમગ્ર જનસંઘની જવાબદારી દિનદયાલજી પર આવી હતી. તેઓ ૧૫ વર્ષ સુધી જનસંઘના સેક્રેટરી રહ્યા. ડો. શ્યામાપ્રસાદ મુખર્જીએ કહેલું કે, અગર મેરે પાસ દો દીનદયાલ હોતે તો મેં ભારત કા ચહેરા બદલ દેતા. ભાજપનો સૂર્યોદય તો ૧૯૮૦માં થયો. તે પૂર્વે ભાજપ જનસંઘ જ હતું. પં. દીનદયાલ ઉપાધ્યાયજી ૧૯૫૩થી ૧૯૬૮ સુધી તેના અધ્યક્ષ રહ્યા. એ સમયે જનસંઘના ૩૫ સાંસદો લોકસભામાં હતા. આજે એ જનસંદ્ય-ભાજપ સ્પષ્ટ બહુમતી ધરાવતો રાજકીય પક્ષ પં. દીનદયાલ ઉપાધ્યાયજીની વિચારધારાને અનુસરી આગળ વધી રહ્યો છે. પં. દીનદયાલજીનું દેશ સમર્પિત પારદર્શક, ઈમાનદાર વ્યકિતત્વ અને દિવાદાંડી સમાન પથદર્શક વિચારધારા આજની યુવા પેઢીએ પણ અનુસરવા જેવી છે. પં.દીનદયાળ ઉપાધ્યાયજી જનસંદ્ય-ભાજપનાં સ્થાપક, સર્જક, આદર્શ, માર્ગદર્શક અને પ્રેરણાસ્રેત છે.

પં.દીનદયાળ ઉપાધ્યાયજીએ અભિન્ન માનવતાવાદની સંકલ્પના વિચારી હતી. અભિન્ન માનવતાવાદ દરેક વ્યકિતના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક એ ત્રણેના અભિન્ન વિકાસનો વિચાર કરે છે. આ સંકલ્પના ભૌતિક અને આત્મીક, એકલ અને સામૂહિક વિકાસના વિચારનો સમન્વય કરે છે. તેમણે ભારત માટે ગ્રામ્ય આધારિત વિકેંદ્રીય અને સ્વાવલંબી અર્થવ્યસ્થાની કલ્પના કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં ભાજપ સરકાર દ્વારા ગરીબ અને મધ્યમવર્ગને ધ્યાને લઈ દેશની અર્થવ્યવસ્થાનું નિર્માણ પં. દીનદયાલજીની સંપૂર્ણ વિચારધારાને કેન્દ્રસ્થાને લઈ કરવામાં આવ્યું છે. જેથી સૌનો સાથ સૌનો વિકાસ શકય બન્યો છે. તેઓની વિચારધારાને જ અનુલક્ષીને સૌ પ્રથમ ગુજરાત અને હવે તો દેશનાં ઘણા રાજયોમાં ગરીબકલ્યાણ મેળાઓ યોજાઈ રહ્યાં છે, આવાસ યોજનાઓ બની રહી છે. વર્તમાન સમયમાં ભાજપ શાસિત રાજયોનાં સબળ નેતૃત્વ અને સફળ સરકારની શ્રેષ્ઠ લોકકલ્યાણ કામગીરી પાછળ પંડિતજીની વિચારધારા કામે લાગી છે. દીનદયાલ ઉપાધ્યાયજીની વિચારધારા-ચિંતનને કેન્દ્રસ્થાને રાખીને ભાજપ-મોદી સરકારે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કરી, રામ મંદિર નિર્માણ શકય બનાવ્યું અને સીએએ જેવા કાયદાનું અમલ કરી એક અખંડ શકિતશાળી ભારતનું સપનું સાકાર કર્યું છે.

(3:58 pm IST)