Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ડો. મિતુલ વસાને યંગેસ્ટ બીઝનેસ લીડરનો એવોર્ડ એનાયત : શુભેચ્છા વર્ષા

રાષ્ટ્રીય સ્તરે રાજકોટનું ગૌરવ વધ્યુ : એમ.એસ. એમ.ઇ. ક્ષેત્રે વીસામન ગ્લોબલ સેલ્સ લી.ના યુવા એમ.ડી. : કેન્દ્રીય મંત્રી ફુલસ્તે, યુપીનાં મંત્રી ભલારા તથા અભિનેત્રી પુનમ ધીલ્લોનના હસ્તે ગોવા ખાતે સન્માન : વડાપ્રધાન નરેન્દ્રભાઇએ આ સેકટરને આપેલ પ્રોત્સાહનથી યુવાઓ બિઝનેશ માટે આગળ આવ્યા : આ એવોર્ડ તે યુવાઓને અર્પણ : ડો. મિતુલ વસા

રાજકોટ, તા. ૮ :  એમ.એસ.એમ.ઇ. ક્ષેત્રે મોટું નામ ધરાવતા અને સફળતાના શિખરો સર કરનાર રાજકોટની વિસામન ગ્લોબલ સેલ્સ લિમિટેડના યુવા અને પ્રતિભાશાળી મેનેજિંગ ડિરેકટર ડો. મિતુલ વસાએ પોતાની યશકલગીમાં વધુ એક પિંછુ મેળવ્યું છે. તાજેતરમાં ગોવામાં યોજાયેલા એક સમારોહમાં તેમણે કેન્દ્રિય મંત્રીના હસ્તે યંગ બીઝનેસમેન ઓફ ધ યરનો પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ ગૌરવ બદલ ડો. મિતુલ વસા ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે. આ સમારોહમાં કેન્દ્રિય મંત્રી ફગ્ગનસિંહ ફૂલસ્તેની સાથે ઉત્તરપ્રદેશના  મંત્રી સુનિલ ભલારા, અભિનેત્રી પુનમ ધીલ્લોન તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય એવોર્ડ સેરેમનીનું જીવંત પ્રસારણ  નેશનલ ન્યુઝ ચેનલ પર થયું હોવાથી ડો. મિતુલ વસાને મળેલો  એવોર્ડ રાષ્ટ્રીય સ્તરે પણ ચમકી ગયો છે.

ડો. મિતુલ વસાએ આ એવોર્ડ મેળવ્યા પછી કહ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેર્ન્દ્ભાઇ મોદીએ એમ.એસ.એમ.ઇ.સેકટરને આપેલા પ્રોત્સાહન બાદ ઘણા યુવાનો બિઝનેસ માટે આગળ આવ્યા છે અને તેને કારણે જ દેશમાં સ્ટાર્ટઅપ વધી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ એવોર્ડ વાસ્તવમાં એવા યુવાનોને અર્પણ કરું છુ જે બિઝનેસ કરવા માટે આગળ આવે છે.

જીવનમાં સખત મહેનત અને સ્માર્ટ વર્કને હમેશા પ્રાધાન્ય આપતા ડો. મિતુલ વસા મૂળ મોટી પાનેલીના વતની સુરેશભાઇ ગુલાબચંદ વસાના પુત્ર છે અને તેમના વિઝનને આજે તેમણે સાર્થક કરી બતાવ્યુ છે. ગત વરસે તેમની કંપની વિસામન ગ્લોબલ સેલ્સ લી.ને દેશની શ્રેષ્ઠ એમ.એસ.એમ.ઇ. કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો અને આ વખતે તેના જ યંગ એન્ડ ડાયનેમિક મેનેજિંગ ડિરેકટર ડો. મિતુલ વસાને યંગ બીઝનેસમેન ઓફ ધ યરનો પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત થયો છે. ડો. મિતુલ વસાએ બીઝનેસ મેનેજમેંટમાં પી.એચ.ડી. કર્યું છે. તેમણે પોતાની કારકિર્દીમાં અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવ્યા છે પણ તેઓ એટલા જ નમ્ર અને મિલનસાર છે. તેઓ સામાજિક સંસ્થા જૈન વિઝન  સાથે પણ સંકળાયેલા છે.

વસા પરિવારના સુરપુરા વીસામણદાદાના નામ ઉપર જ શરૂ કરવામાં આવેલી આ કંપની ઇન્ફ્રાસ્ટ્રકચર, વેરહાઉસ, સ્ટેડિયમ અને બિલ્ડીંગ માટેના સ્ટ્રકચર સ્ટીલ પૂરા પાડે છે અને તે સ્ટેચ્યું ઓફ યુનિટી, મેટ્રો રેલ, રાજકોટ અને વડોદરા બસ પોર્ટ, મુન્દ્રાપોર્ટ, એરપોર્ટ, ઇસરો અને એરફોર્સ વગેરેને સ્ટીલ સપ્લાય કરી ચૂકી છે. કંપની ભવિષ્યમાં  રાજકોટ, જામનગર અને ભવનગરમાં આવનારી મેટ્રોલાઇટ માટે સ્ટીલ સપ્લાય કરવા માટે આશાવાદી છે. ડો.મિતુલ વસા (મો.૯૮૨૪૨ ૨૧૪૨૭) ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(2:56 pm IST)