Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

રામને કાલ્પનિક કહેનાર કોંગ્રેસ મત માટે રામના શરણે : રાજુ ધ્રુવ

ભાજપ માટે હિન્દુત્વએ આ દેશની સંસ્કૃતિ પરંપરા અને સભ્યના સમાનઃ કોંગ્રેસ માત્ર તેમની સ્વાર્થવૃતિઓને જ સર્વસ્વ માને છે

 રાજકોટ, તા. ૧૦: મુહમેં રામ બગલમે છુરી..આ ઊકિત કોંગ્રેસ પુરવાર કરી રહી છે ..ચૂંટણી મા લોકો ને ભોળવવા મંદિરે મંદિરે ચક્કર મારનાર રાહુલ ગાંધીના ઉધમાને લોકો ઓળખી ગયા બાદ હવે વિપક્ષ તરીકે મહેનત કરવાને બદલે ધાર્મિક ભાવના સાથે દેખાડો કરવા કોંગ્રેસે જાહેરાત કરતા લોકો તેના દંભી વલણની ટીકા કરે છે. સૌરાષ્ટ્રના ૧૪૮ ગામડાઓમાં શ્રી રામ સૂર્યોદય સંધ્યા આરતી સમિતિની રચના કરવાની ગુજરાત કોંગ્રેસના વિધાનસભા પક્ષના નેતા પરેશ ધાનાણીએ કરેલી જાહેરાતને ભારતીય જનતા પક્ષના અગ્રણી અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવે પ્રજા સાથેના નર્યા છળ અને છેતરપીંડી સમાન ગણાવી છે. કેન્દ્ર તેમજ દેશના મોટાભાગના રાજયોમાં સત્તા પરથી ફેંકાઈ ગયેલી હિંદુવિરોધી કોંગ્રેસ હવે સત્તા માટે હવાતિયાં મારી રહી છે.

જાતીવાદ, કોમવાદ અને આતંકવાદને સતત ઉત્તેેજન આપી રહેલી કોંગ્રેસ આગામી લોકસભા ચૂંટણીઓમાં મત મેળવવા માટે પ્રજાને ભરમાવી રહી છે તેમ શ્રી ધ્રુવે એક નિવેદનમાં જણાવ્યું છે.

સાત સાત દાયકાઓથી લઘુમતી તુષ્ટિકરણની નીતિ અપનાવીને સમગ્ર દેશની ઘોર ખોદી નાખનાર કોંગ્રેસને હવે એકાએક હિંદુ સમાજ માટે વ્હાલ ઉભરાઈ આવ્યું છે પરંતુ, જે કોંગ્રેસે મુસ્લિમ સમાજનો માત્ર વોટબેંક તરીકે જ ઉપયોગ કર્યો છે તે કદીયે હિન્દુઓની હતી નહીં અને થશે પણ નહીં. આજે મુસ્લિમ સમાજ પણ સમજી ગયો છે કે, કોંગ્રેસે હંમેશા મુસ્લિમો સાથે નરી છેતરપીંડી જ આચરી છે અને સાચા અર્થમાં કયારેય મુસ્લિમ સમાજના ઉત્કર્ષ માટે કોઈ વિચાર કર્યો નથી. પરંતુ, ભાજપ ખરા અર્થમાં મુસ્લિમ સમાજની ખેવના કરી રહ્યો છે એટલે કોંગ્રેસને પોતાની શ્નમુસ્લિમ વોટબેંક લૂંટાય જતી હોય એમ લાગે છે અને એટલે જ હવે કોંગ્રેસે શ્રી રામના નામે હિન્દુ સમાજ સાથે પણ છેતરપીંડી અને બનાવટનું ગંદુ રાજકારણ ખેલવાનું શરૂ કર્યું છે. પરંતુ, હિંદુ સમાજ કોંગ્રેસને રગે રગે જાણે છે એટલે તેની આવી વાતોથી કોઈ કાળે ભરમાશે નહીં.

 હિન્દુઓના મનમંદિર અને હૃદય સિંહાસન પર બિરાજમાન ભગવાન શ્રીરામનું કયારેય અસ્તિત્વ જ નહોતું અને તે માત્ર એક દંતકથાનું કાલ્પનિક પાત્ર હોવાની એફીડેવીટ કરીને ભગવાન શ્રીરામનું હળહળતું અપમાન કર્યું હતું એટલું જ નહીં, કરોડો હિન્દુઓની આસ્થાની મજાક ઉડાવી હતી. ભારોભાર છળકપટ ભરેલી આ કોંગ્રેસને હવે મત અને સત્તા માટે જ ભગવાન શ્રી રામ માટે નકલી પ્રેમ ઉભરાઈ રહ્યો છે જેને ગુજરાતની સમજુ પ્રજા બરાબર ઓળખી લે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, ભાજપ માટે હિન્દુત્વ એ આ દેશની સંસ્કૃતિ, પરંપરા અને સભ્યતા સમાન છે. પરંતુ, કોંગ્રેસ માટે એ નર્યો રાજકીય દંભ છે. ભાજપ માટે હિન્દુત્ત્વ એ જીવનશૈલી છે. હિન્દુત્વ એટલે સત્ય, પ્રેમ, કરૂણા, સામાજીક સમરસતા અને માનવતા છે. ભાજપ માટે હિન્દુત્વ એટલે સર્વધર્મ સમભાવ છે, સૌનો સાથ-સૌનો વિકાસ છે જયારે કોંગ્રેસ માત્ર નહેરૂ-ગાંધી પરિવાર અને તેની સ્વાર્થવૃતિઓને જ સર્વસ્વ માને છે. જે પરિવારે ચાર ચાર દાયકા સુધી દેશનું વડાપ્રધાનપદ ભોગવ્યું છતાં કયારેય સાચા અર્થમાં બહુમતી હિંદુ સમાજની લાગણીઓ લક્ષમાં લીધી નહીં તે હવે ગામડાઓમાં શ્રી રામ આરતી સમિતિઓ બનાવવા નીકળ્યો છે. કોંગ્રેસને સારી રીતે ઓળખી લેવા અને તેની દંભી વાતોથી ભરમાઈ નહિ જવાની પ્રજાજોગ અપીલ શ્રી રાજુભાઈ ધ્રુવે કરી છે.

(4:30 pm IST)