Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

અનેક વિસ્તારોમાં મતદાન સ્લીપ ન પહોંચતા દેકારો

મતદારોના સ્થળાંતર અથવા અન્ય કારણસર ચૂંટણી પંચ સ્લીપ ન પહોંચાડી શકયુઃ મતદાન મથકો પર રકઝક

રાજકોટ તા.૯ : ચૂંટણી પંચ દ્વારા મતદારોને અપાતી મતદાન સ્લીપ અનેક વિસ્તારોમાં ન પહોંચી હોવાની ફરીયાદો ઉઠી છે. ચૂંટણી પંચે ૯પ ટકા વિસ્તારમાં સ્લીપ પહોંચાડી દીધાનો દાવો કર્યો છે પરંતુ રાજકોટ શહેરના વિસ્તારોમાં સ્લીપ ન મળવાની થોકબંધ ફરિયાદો જોતા ચૂંટણી પંચના દાવા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. સ્લીપના અભાવે ઘણા મતદાન મથકો પર માથાકુટના દ્રશ્યો જોવા મળ્યા છે. રામકૃષ્ણનગર, યાજ્ઞિક રોડ જેવા વિસ્તારોમાં પણ ઘણા મતદારોને વોટર સ્લીપ ન મળ્યાની ફરીયાદો છે. કલેકટર તંત્રની કામગીરીની ટીકા થઇ રહી છે.વોર્ડ નં.૧૬માં આવેલ જંગલેશ્વર સહિતના વિસ્તારમાં ચૂંટણી કાર્ડ ધરાવનારોની મતદાર યાદી સ્પષ્ટ આવી છે પરંતુ કેટલાક પરિવારોના સ્થળાંતરના લીધે તેઓની ચૂંટણી પંચ દ્વારા સ્લીપો મળી નથી.

ખાસ કરીને આ ચૂંટણી સ્લીપો આવા પરિવાર સુધી પહોંચી નથી ત્યારે જાગૃત મતદારોએ આ અંગે રોષ વ્યકત કર્યો છે.

એ ઉપરાંત રાજકીય પક્ષોના અનેક કાર્યકરોએ ઘરેઘરે સ્લીપ પહોંચાડવામાં નિરસતા દાખવી છે. ગઇ મોડી રાત સુધી રાજકીય પક્ષોની સ્લીપો મતદારો પાસે ન હતી. જેના લીધે સવારે યાદી જોઇને તેઓને લખીને મતદાન માટે મોકલાયા હતા. આ અંગે હજુ પણ રાજકીય પક્ષોએ અને ચૂંટણી પંચે સ્લીપો કેમ નથી પહોંચતી તે બાબતે તપાસ કરવી ઘટે.જો કે વોર્ડ-૧૬ જ નહી પણ અન્ય વોર્ડમાં પણ આવી અનેક ફરિયાદો આવી છે.(૩-૧૧)

 

(4:37 pm IST)