Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

શહેરમાં શાંતિપૂર્વક મતદાનઃ ૫૫૦૦ અધિકારીઓ-જવાનોનો ચાંપતો બંદોબસ્તઃ પોલીસ કમિશ્નર ગહલૌત

સવારે મતદાન શરૂ થયુ ત્યાં જ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફરિયાદોનો ધોધ શરૂ થઇ ગયો હતોઃ તાકીદે આવી ફરિયાદોનો નિકાલ કરાવાયો હતો

રાજકોટ તા. ૯: શહેરમાં શાંતિથી મતદાન થાય તે માટે પોલીસે જડબેસલાક બંદોબસ્ત રાખ્યો હતો. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતે જણાવ્યું હતું કે સવારે મતદાન સવારે ૮ વાગ્યે મતદાન શરૂ થયું ત્યાં જ અમુક ખાસ નંબરો પરથી ફરિયાદોનો મારો શરૂ થયો હતો. જો કે આવી ફરિયાદો સંદર્ભે તુર્ત જ તપાસ કરાવવામાં આવી હતી અને જો સાચી ફરિયાદ હોય તો જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

જે ફરિયાદોનો મારો શરૂ થયો હતો તેમાં રિક્ષાઓમાં ગેરકાયદેસર રીતે મતદારોની હેરાફેરી થાય છે, સો મીટરની અંદર જે તે પક્ષની ઝંડીઓ લગાવાયેલી છે, મશીનો બંધ છે, ફોલ્ટ સર્જાયો છે તે સહિતનો સમાવેશ થાય છે. આવી ફરિયાદોનો તાકિદે નિકાલ કરવામાં આવ્યો હતો. કોઇ ગંભીર ફરિયાદ સામે આવી નથી.

અમુક બુથ પર વારંવાર આવતા મતદારોને શોધીને પુછતાછ કરવામાં આવી હતી. અમુક નંબરો પરથી કોઇ ખાસ પક્ષને મત આપવા અપિલ થઇ રહ્યાની ફરિયાદ પણ આવી હતી. તે અંગે તપાસ કરવામાં આવી હતી. તમામ મતદાન મથકો પર મતદારોની લાંબી લાઇનો હોઇ જરૂ પડ્યે મથકના વધારાના ગેઇટ ખોલાવવામાં આવ્યા હતાં.

શાંતિથી મતદાન થાય એ માટે ચુસ્ત બંદોબસ્ત રખાયો છે. ટોટલ ૨૬ કંપની પેરામિલ્ટ્રી ફોર્સ , રેપિડ એકશન ફોર્સ,  એસઆરપી, પોલીસ, હોમગાર્ડ સહિતનો ૫૫૦૦નો અધિકારીઓ અને જવાનોનો બંદોબસ્ત રખાયો હોઇ સર્વત્ર શાંતિપૂર્વક મતદાન થયું છે. રાજકોટની શાંતિપ્રિય જનતાએ પણ પોલીસની અપિલને ધ્યાને લઇ શાંતિપૂર્વક રીતે મતદાન કર્યુ હતું.

શહેર પોલીસની ૧૬૦ ગ્રુપ મોબાઇલ, અધિકારીઓ સતત કાર્યરત હોઇ કોઇપણ ફરિયાદ આવે તો જે તે સ્થળે પાંચ જ મિનીટમાં પહોંચીને ફરિયાદનો નિકાલ કરવાની કાર્યવાહી કરી હતી. તેમ પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગહલોૈતે જણાવ્યું હતું.

(4:57 pm IST)